નવી મુંબઈમાં મરાઠા અનામત બંધ દરમિયાન પથ્થરમારામાં ઘાયલ થયેલા યુવકનું મૃત્યુ

0
1276

મુંબઈ – મરાઠા સમાજ વતી મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા ગયા બુધવારે નવી મુંબઈમાં પાળવામાં આવેલા બંધ દરમિયાન કોપરખૈરણે ગામમાં પથ્થરમારા વખતે ઘાયલ થયેલા એક યુવકનું મુંબઈની હોસ્પિટલમાં નિધન થયું છે.

21 વર્ષનો યુવક રોહન તોડકર કોપરખૈરણે ગામનો રહેવાસી હતો. પથ્થરમારામાં એ પણ સામેલ થયો હતો. રોહન રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હતો.

પથ્થરમારામાં એ ગંભીર ઘાયલ થયો હતો. એને મુંબઈની સરકારી જે.જે. હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યો હતો. એની સારવાર ચાલુ હતી એ દરમિયાન ગુરુવારે એનું મૃત્યુ નિપજ્યું હતું.

રોહનને માથા, હાથ તથા પગમાં અનેક જગ્યાએ ઈજા થઈ હતી.

કોપરખૈરણે અને કલંબોળી ગામમાં દેખાવકારોએ કરેલા ભારે પથ્થરમારામાં આઠ પોલીસ અધિકારીઓ સહિત આશરે 20 પોલીસ જવાન ઘાયલ થયા હતા.

બંધ દરમિયાન થયેલી હિંસાખોરીમાં પોલીસોના 20 વાહનો સહિત 150 વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

હિંસક ટોળાને વિખેરવા માટે પોલીસે કરેલા લાઠીમાર, પેલેટ્સમારા અને રબર બુલેટ્સના મારામાં 9 જણ ખાયલ થયા હતા. પોલીસોએ અશ્રુવાયુના 42 શેલ્સ અને ટીયરગેસના 11 ગ્રેનેડ્સ પણ ફોડ્યા હતા.

નવી મુંબઈમાં સાવચેતીના પગલા તરીકે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં મરાઠાઓની વસ્તી 30 ટકા જેટલી છે. રાજ્યના રાજકારણમાં આ સમાજની મોટી વગર છે. આ સમાજ સરકારી નોકરીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા બેઠકો અનામત રાખવાની માગણી કરી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં આજે ફરી હિંસા ફાટી નીકળી

દરમિયાન, મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે આજે ફરી મરાઠા અનામત આંદોલન દરમિયાન આક્રમક દેખાવો થયા હતા અને હિંસા ફાટી નીકળી હતી.

બીડ જિલ્લાના પાર્લી નગરમાં મહિલા દેખાવકારો હાથમાં લાઠીઓ લઈને રસ્તાઓ પર ઉતરી આવી હતી. એમની માગણી હતી કે પોલીસોએ અટકાયતમાં લીધેલા એમના સમાજના દેખાવકારોને છોડી મૂકવામાં આવે અને મરાઠા ક્રાંતિ મોરચાના કાર્યકર્તાઓ સામેના નોંધવામાં આવેલા કેસો પાછા ખેંચી લેવામાં આવે.

મરાઠવાડા વિસ્તારના હિંગોલી નગરમાં પણ પ્રચંડ દેખાવો થયા હતા. દેખાવકારોએ જિંતુર ગામમાં એક દર્દીને લઈ જતી એક એમ્બ્યુલન્સને પણ અટકાવી હતી. ધુળે શહેરમાં મરાઠા લોકોએ રેલી કાઢી હતી.

નાંદેડ જિલ્લાના પુનેગાંવ અને અમ્દુરા ગામોમાં દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો અને પોલીસો સાથે અથડામણ પર ઉતર્યા હતા. દેખાવકારોએ પાંચ પોલીસ કારને નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસોએ દેખાવકારોને વિખેરવા માટે લાઠીમાર કર્યો હતો. એમાં કેટલાક દેખાવકારો ઘાયલ થયા હતા.