રસમલાઈ મોદક

ગણપતિ બાપાને મોદક ભાવતો પ્રસાદ છે. રસમલાઈ મોદક સહેલાઈથી બનાવી શકાય છે. વળી, પ્રસાદમાં વેરાયટી પણ તો બનશે!

સામગ્રીઃ

  • તાજું પનીર 300 ગ્રામ (લગભગ 2 કપ)
  • દૂધ પાવડર 1 કપ
  • દળેલી ખાંડ ½ કપ
  • ઘી 3 ટી.સ્પૂન
  • પીળો કલર 1 ટીપું (Optional)

મોદક સજાવટ માટેઃ

  • સૂકા ગુલાબની પાંખડીઓ 1 કપ
  • કેસરના તાંતણા 1 ટે.સ્પૂન
  • બદામ અથવા પિસ્તાની કતરણ

રીતઃ પનીરને નાના ચોરસ ટુકડામાં કટ કરી લઈ તેને મિક્સીમાં પીસી લો. હાથેથી પણ મેશ કરી શકાય છે. હવે દળેલા પનીરને એક નોનસ્ટીક પેનમાં લઈ લો. તેમાં દૂધ પાવડર તેમજ દળેલી ખાંડ તવેથા વડે મેળવી લો.

હવે આ નોનસ્ટીક પેનને ગેસની ધીમી મધ્યમ આંચે ગરમ કરવા મૂકો. તવેથા અથવા સ્પેટુલા વડે મિશ્રણને એકસરખું હલાવતાં રહો. 5-7 મિનિટમાં આ મિશ્રણ ઘટ્ટ થઈને તૈયાર થઈ જશે. ત્યારબાદ ગેસ બંધ કરીને થોડીવાર મિશ્રણ પેનમાં જ રહેવા દો.

ત્યારબાદ એક ટ્રે તેમાં મિશ્રણ નાખીને થોડું ઠંડું થવા દો. ત્યારબાદ તેમાં 1 ટે.સ્પૂન જેટલી ગુલાબની પાંખડીઓ, 8-10 કેસરના તાંતણા, તેમજ ડ્રાયફ્રુટની થોડી કાતરી ભેળવી દો.

હવે મિશ્રણ ઠંડું થઈ ગયું હોય તો મોદક મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લો. મોલ્ડની બંને સાઈડના ખાનામાં 1-1 ગુલાબની પાંખડી, કેસરનો તાંતણો તેમજ બદામ-પિસ્તાની કાતરી મૂકીને તેમાં માવાનું મિશ્રણ ભરી દો. મોલ્ડ બંધ કરીને મોલ્ડની બહાર વધેલું મિશ્રણ કાઢી લો. મોલ્ડ ખોલીને તૈયાર મોદક એક પ્લેટમાં કાઢી લો.