હેલ્ધી મેથી પૂડલા

શિયાળો શરૂ થઈ ગયો છે અને લીલી મેથીની ભાજી પણ સરસ મળી રહી છે. તો બાળકોના નાસ્તા માટે હેલ્ધી સ્વાદિષ્ટ નાસ્તો બનાવી લો!

સામગ્રીઃ

  • બટેટું 1
  • કાંદો 1
  • ગાજર 1
  • બારીક રવો 1 કપ
  • લીલી મેથીના પાન અથવા પાલકના પાન 1 કપ
  • ચણાનો લોટ ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચપટી હીંગ
  • લાલ મરચાં 2-3
  • કોથમીર ધોઈને સમારેલી ½ કપ
  • લીંબુનો રસ અથવા દહીં 2 ટે.સ્પૂન
  • સફેદ તલ 2 ટે.સ્પૂન
  • તેલ સાંતડવા માટે

વઘારઃ

  • તેલ 2 ટે.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • કળીપત્તાના પાન 7-8

રીતઃ કાંદો, કોથમીર તેમજ લીલી મેથીના પાન ઝીણાં સમારી લેવા, કાંદો તેમજ ગાજર ખમણી લો.

એક બાઉલમાં ખમણેલાં કાંદા, ગાજર, બટેટું, લીલી મેથીના પાન, સ્વાદ મુજબ મીઠું, હીંગ, ચણાનો લોટ, રવો, સુધારેલી કોથમીર લઈ તેમાં લીંબુનો રસ મેળવી પહેલાં એક ચમચી વડે મેળવી લો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરો અને રવો ભીંજવી દો. 10 મિનિટ માટે ઢાંકી રાખો. ત્યારબાદ જો ખીરું ઘટ્ટ થયું હોય તો થોડું પાણી ઉમેરીને સહેજ ખીરું ઢીલું કરી દો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં જીરુનો વઘાર કરી કળીપત્તાના પાન ઉમેરીને આ વઘાર ખીરામાં રેડી દો.

એક નોનસ્ટીક પેનમાં 1 ટી.સ્પૂન જેટલું તેલ ગરમ કરી તેમાં થોડાં તલ પાથરીને 1 કળછી ખીરું તેમાં રેડીને ફેલાવી દો. ગેસની આંચ મધ્યમ રાખવી. 2 મિનિટ માટે તેની ઉપર ઢાંકણ ઢાંકીને પૂડલા થવા દો. 2 મિનિટ બાદ ઢાંકણ કાઢીને પૂડલો ઉથલાવીને ફરતે થોડું તેલ રેડી દો. ફરીથી પૂડલાને 2-3 મિનિટ થવા દો. ગોલ્ડન રંગ આવે એટલે ઉતારી લો.

આ પૂડલા ટોમેટો કેચઅપ અથવા લીલી ચટણી સાથે પીરસો.