લીલા લસણની ચટણી

શિયાળામાં લીલું લસણ મળતું હોય છે. લીલા લસણની ચટણી કાઠિયાવાડી રીતથી બનાવો તો કોઈવાર શાક ના બનાવ્યું હોય તો આ ચટણી રોટલી, રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે!

સામગ્રીઃ

  • લીલું લસણ 150 ગ્રામ
  • કોથમીર ધોઈને સુધારેલી 250 ગ્રામ
  • લીલાં મરચાં 10
  • લીલાં તીખા મરચાં 6-7
  • લીંબુનો રસ 2 ટે.સ્પૂન
  • મીઠું સ્વાદ મુજબ,
  • 2 ચપટી હીંગ
  • તેલ 4 ટે.સ્પૂન
  • સાકર 1 ટે.સ્પૂન  (optional)
  • લાલ મરચાં પાઉડર 2 ટી.સ્પૂન

રીતઃ લીલું લસણ તેમજ કોથમીર અલગ અલગ ધોઈને સમારી લો. લીલા લસણના પાન અલગ રાખીને લસણની કળીઓ અલગ કરી લો

લીલા મરચાંના ટુકડા કરી લો. મિક્સી જારમાં પહેલાં લીલા મરચાં, લસણની કળીઓ  તેમજ સાકર અને મીઠું ઉમેરીને મિક્સીને 1-1 વાર ફેરવીને ચટણી અધકચરી પીસી લો. હવે તેમાં કોથમીરના પાન, લીલા લસણના પાન ઉમેરીને મિક્સીને ફરીથી 1-1 વાર ફેરવીને આ ચટણી અધકચરી પીસી લો. હવે તેમાં લીંબુનો રસ ઉમેરીને ચમચી વડે મેળવી લો.

એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરી હીંગ નાખીને ચટણી ઉમેરીને ધીમા તાપે સાંતડો. જ્યાં સુધી તેમાંનું પાણી સૂકાય ના જાય. હવે તેમાં 2 ટી.સ્પૂન લાલ મરચાં પાઉડર મેળવીને 2 મિનિટ સાંતડીને ગેસ બંધ કરી દો.

આ ચટણી ઠંડી થાય એટલે કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં મૂકી દો. અઠવાડિયા સુધી આ ચટણી સારી રહે છે.