ક્રિસ્પી પોટેટો-પનીર-ચીઝ બોલ

ક્રિસ્પી પોટેટો-પનીર-ચીઝ બોલની આ વાનગીમાં વેજીટેબલ્સ પણ હોવાથી તે હેલ્ધી તો બને છે. પરંતુ ચીઝને લીધે બાળકોને આ વાનગી ઘણી પ્રિય બનશે!

સામગ્રીઃ

  • બાફેલા બટેટા 8
  • ચિલી ફ્લેક્સ 1 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • આમચૂર પાઉડર ¼ ટી.સ્પૂન, મીઠું સ્વાદ મુજબ
  • કોર્નફ્લોર 2 ટે.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2-3 ટે.સ્પૂન
  • સિમલા મરચું 1
  • કાંદો 1 (optinal)
  • ટામેટું 1
  • પનીર 200 ગ્રામ
  • કાળાં મરી પાઉડર 1 ટી.સ્પૂન
  • મેંદો 2 ટે.સ્પૂન
  • બ્રેડ ક્રમ્સ
  • પનીર બોલ તળવા માટે તેલ
  • ચીઝ 2 ક્યુબ્સ
  • ખમણેલું આદુ 1 ટી.સ્પૂન
  • લીલાં મરચાં 2 ઝીણાં સમારેલાં

રીતઃ બાફેલા બટેટાને મેશ કરી લો. તેમાં ચિલી ફ્લેક્સ, ચાટ મસાલો, હળદર પાઉડર, આમચૂર પાઉડર, મીઠું સ્વાદ મુજબ, કોર્નફ્લોર, કોથમીર 1 ટે.સ્પૂન મેળવીને બાકીની કોથમીર એકબાજુએ રાખીને આ મિશ્રણનો ગોળો બનાવી રાખો.

એક બાઉલમાં કાંદો, સિમલા મરચું તેમજ ટામેટું ઝીણું ચોરસ સમારીને લો. તેમાં બાકી રહેલી કોથમીર 2 ટે.સ્પૂન, ખમણેલું આદુ તેમજ લીલાં મરચાં 2 ઝીણાં સમારેલાં ઉમેરો. પનીર તેમજ ચીઝને ખમણીને મેળવો. મીઠું જરૂર કરતાં થોડું ઓછું ઉમેરો. કારણ કે, બટેટાના મિશ્રણમાં મીઠું છે, ઉપરાંત ચીઝમાં પણ મીઠું હોય છે. આ મિશ્રણને એક ચમચી વડે હલાવીને મિક્સ કરો. ત્યારબાદ તેમાં કાળાં મરી પાઉડર ઉમેરીને ફરીથી મેળવી લો.

બટેટાના મિશ્રણમાંથી નાનો ગોળો લઈ તેને હાથેથી થાપીને ચપટો કરી વાટકી આકાર આપો. ત્યારબાદ તેમાં પનીરવાળું મિશ્રણ એક ચમચી લઈ તેમાં ભરીને તેને બંધ કરીને ગોળો વાળી લો. આ રીતે બધા બોલ તૈયાર કરી લો.

એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરી લો.

એક બાઉલમાં મેંદો, થોડું મીઠું મેળવીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ તેની ઘટ્ટ એવી સ્લરી બનાવી લો. એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સ રાખો.

આ સ્લરીમાં પોટેટે-પનીર-ચીઝ બોલ ડુબાડીને કાઢીને બ્રેડ ક્રમ્સમાં રગદોડીને ધીમી મધ્યમ ગેસની આંચે તેલમાં સોનેરી રંગના તળી લો.

આ વાનગી ટોમેટો કેચ-અપ અથવા લીલી ચટણી સાથે પીરસો.