આલાપ,
ધારો કે, હથેળીમાં રહેલી કોઈ ખાસ સંબંધની રેખા આગળ જતાં તૂટી જાય તો સંબંધ પુરા થઈ જાય?
ક્યારેક કોઈને એવું કહેતા સાંભળું કે, “પહેલાં સંબંધો હતા પણ હવે નથી” ત્યારે થાય કે શું ખરેખર આવું હોતું હશે? સંબંધો એકવાર બન્યા પછી કોઈપણ કારણસર મતભેદ કે મનભેદની અવસ્થામાં પણ સંબંધ વિચ્છેદ થાય ખરો?
કેટલાક સંબંધો જીવનમાં અણધાર્યા પ્રવેશે છે એ ખરું પણ હથેળીમાં રેખા બનીને તો એ જન્મથી જ પ્રવેશી ગયા હોય છે. ક્યારેક હાથમાં આવા કોઈ સંબંધની રેખા તૃટક પણ હોય.
આલાપ, આપણાં સંબંધની રેખા પણ તૃટક હતી પરંતુ તૂટ્યા પછી પણ એ આગળ વધે છે મારા હાથમાં. મતલબ કે સંબંધો તૂટીને ય આગળ ચાલે છે. તું સદેહે મારા ભાગ્યમાં નથી એટલે કદાચ આ હાથની રેખા તૂટેલી છે અને એ પછી એ આગળ વધીને હથેળીના છેડા સુધી લંબાય છે, મતલબ કે તું વિચારોમાં આજીવન મારી સાથે છે.
જેમ જેમ સમય વીતી રહ્યો છે એમ એમ હથેળી કરચલીઓથી ભરાઈ રહી છે. જીવનની આટલી લાંબી સફરમાં કેટલાય નવા નવા સંબંધો આવતા જાય છે પણ એ બધા જ સંબંધો હસ્તરેખામાં વધતી ઉંમરની કરચલી જેવા છે જેનું ખાસ કોઈ મહત્વ કે અસ્તિત્વ નથી હોતું. મારી હથેળીમાં આપણાં સંબંધની રેખા જ મારી લાઈફ લાઈન છે.
મને ઘણી વખત વિચાર આવે કે તારા હાથમાં પણ આપણાં સંબંધની આવી કોઈ રેખા હશે? જો હા, તો તું પણ મને આમ જ યાદ કરતો હોઈશ અને જો ના, તો આ સંબંધ માત્ર એકતરફી જ હતો. સતત એવું થયા કરે કે જિંદગી હવે ગમે ત્યારે હાથતાળી આપી દેશે અને આ સંબંધની રેખાનો છેડો પણ આવી જશે…
“શું મારે આમ જ યાદો અને વિચારોમાં આ સંબંધ જીવવાનો હશે?” મારા આ સવાલનો જવાબ હું કોની પાસે માંગુ? તારી પાસે કે ઈશ્વર પાસે?
હસ્તરેખામાં જડાઈ ગયેલા સંબંધ ક્યારેય મરતા નથી એ હવે સમજાય છે.
-સારંગી.
(નીતા સોજીત્રા)