અમેરિકામાં આતંકવાદી ગોલ્ડી બ્રારની હત્યાનો દાવો

એક અમેરિકન ચેનલે દાવો કર્યો છે કે પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલા હત્યા કેસના માસ્ટરમાઇન્ડ આતંકવાદી ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. આતંકી ગેંગસ્ટર અરશદીપ સિંહ દલ્લા અને લખબીર સિંહે હત્યાની જવાબદારી લીધી છે. જો કે પંજાબ પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકી બ્રારની હત્યા અંગે હાલમાં કોઈ માહિતી નથી. આ માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

ચેનલના જણાવ્યા અનુસાર બ્રારને મંગળવારે સાંજે અમેરિકાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં શૂટ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે બ્રાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ ચલાવતો હતો. પહેલા તે કેનેડામાં હતો, પરંતુ મૂસેવાલાની હત્યા બાદ તે અમેરિકા શિફ્ટ થઈ ગયો હતો. ગોલ્ડી બ્રાર પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લાનો રહેવાસી હતો. તેનો જન્મ 1994માં થયો હતો. બ્રારનું નામ સતવિંદર સિંહ હતું. પિતા પંજાબ પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર હતા. ગોલ્ડી બ્રારના પિતરાઈ ભાઈ, અકાલી નેતા ગુરલાલ બ્રારની ઓક્ટોબર 2020માં ચંડીગઢમાં એક ક્લબની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.