પ્રિયાના પિતા આજે ખેતરેથી ઘરે આવ્યા ત્યારે ખુબ દુઃખી લગતા હતા. પ્રિયાએ પૂછ્યું પણ સામંતભાઈએ વાત ટાળી દીધી. પ્રિયા જાણતી હતી કે તેના પિતા પર અનેક જવાબદારીઓનો બોજ હતો. બે દીકરીઓનો બાપ, દીકરાના અભાવે જાતે એકલો જ ખેતી કરતો અને પોતાના નાના ખેતરમાં જેટલું થાય તેટલાથી ઘરનું ગુજરાત ચલાવતો. ગામડાનું જીવન એટલે વધારે ખર્ચ તો ન હોય પરંતુ તેમ છતાંય ચૂલો ફૂંકવાય કૈંક તો જોઈએ. પત્નીનું બીમારીમાં અવસાન થઇ ગયેલું અને મોટી દીકરી પરણીને ગયા વર્ષે જ સાસરે ગયેલી માટે હવે પ્રિયા અને સામંતભાઈ બંને ઘરમાં હતા.
છેલ્લા એકાદ વરસમાં પિતાની ઉમર જાણે એક દશકો વધી ગઈ હોય તેવું જણાતું હતું. પ્રિયાને સમજાતું નહોતું કે એવું કયું દુઃખ હતું જે તેના પિતાની ચિંતાનું કારણ બની ગયું હતું. એક કારણ તો એ હોઈ શકે કે તે ઉંમર લાયક થઇ હતી એટલે તેના લગ્નની ચિંતા વૃદ્ધ પિતાને કોરી ખાઈ રહી હોય.
થોડા દિવસો વીત્યા પણ સામંતરાય વધારેને વધારે દુઃખી થઇ રહ્યા હતા. તેમની તબિયત પણ લથડતી હોય તેવું લાગતું હતું. એક દિવસ સાંજે પ્રિયાએ ભાર દઈને પૂછ્યું, ‘પપ્પા, મને કહોને શું થયું છે? તમારી તબિયત તો સારી છે ને? કોઈ ટેંશન છે તમને?’
થોડીવાર આનાકાની કર્યા બાદ સામંતભાઈએ પ્રિયાને કહ્યું, ‘દીકરી, પેલો શાહુકાર મારી પાછળ પડ્યો છે. મેં ગયા વર્ષે ખેતર માટે અને સીમાના લગ્ન માટે જે દેવું કર્યું હતું તેમાં વ્યાજ ચડાવી ચડાવીને તેને બમણાથી વધારે કરી નાખ્યું છે. હવે તે ધમકી આપે છે કે પૈસા જલ્દી નહિ ભરાય તો ઘર અને ખેતર બંને લઇ લેશે.’
‘પણ પપ્પા, એમ કેવી રીતે તે આપણા ઘર અને ખેતર લઇ લે?’ પ્રિયાને હાઈસ્કૂલ સુધી સરકારી શાળામાં ભણાવેલી અને તેમાં તેણે સમાચારપત્રો અને પુસ્તકો વાંચીને કેટલુંક જ્ઞાન જાતે ઉમેર્યું હતું.
‘કાગળમાં લખાવેલ છે તેણે પ્રિયા.’ સામંતભાઈએ પોતાનો ચેહરો બંને હથેળીઓમાં છુપાવી દીધો.
‘કોઈક તો રસ્તો હશે ‘ને?’ પ્રિયાએ પૂછ્યું.
‘તેની નજર તારા પર બગડી છે એટલે જ આ દબાવ લાવવાનું શરુ કર્યું છે.’ સામંતભાઈએ ધૃણાભર્યા અવાજે કહ્યું.
‘શું?’
‘હા, એની બૈરીને તો તેણે મારીને, અત્યાચાર કરીને કાઢી મૂકી છે. બે દીકરા છે અને બેયને તેણે પોતે જ રાખી લીધા છે. હવે બીજું ઘર કરવા ઈચ્છે છે. અને તેની નજર તારા પર છે.’ સામંતભાઈએ ખુલાસો કર્યો.
‘તમે કહો તો હું મળી આવું તેણે એકવાર?’ પ્રિયાએ પૂછ્યું.
‘ના, ના. એવા માણસને મળવા જવાની કોઈ જ જરૂર નથી. હું બધું નિરાકરણ કરી લઈશ.’ સામંતભાઈએ કહ્યું.
એકાદ સપ્તાહ વીત્યું પણ સામંતભાઈને તબિયત વધારે ને વધારે ખરાબ થવા લાગી. એકાદવાર તો એ શાહુકારે તેમને પોતાની પેઢીએ બોલાવ્યા અને કહ્યું, ‘હવે ઉધારીના પૈસા આપી દો નહીંતર આવતા અઠવાડિયે ઘર અને ખેતર બંને ખાલી કરાવી દઈશ. અને જો વ્યવસ્થા ન હોય તો મારો પ્રસ્તાવ સ્વીકારી લો. પ્રિયા મારા ઘરમાં રાજ કરશે અને તમારો કરજ પણ માફ.’
સામંતભાઈ ઘરે આવ્યા ત્યારે તેમના ચેહરા પર ચિંતા હતી અને પ્રિયા સમજી ગઈ કે વાત બગડી લાગે છે. તેણે પિતા સાથે ધીરજથી વાત કરી અને કહ્યું, ‘તમે મને એકવાર શાહુકાર પાસે લઇ જાઓ તો હું પણ એકવાર વાત કરું. શું ખબર તેનું મન બદલાય જાય.’
આખરે દીકરીની વાત માનીને સામંતભાઈ બીજા દિવસે પ્રિયાને શાહુકારને ત્યાં લઇ ગયા. પ્રિયાએ શાહુકાર સાથે વાત કરી અને કહ્યું, ‘તમારું દેવું મારા પિતા પાસે છે. તેણે પૈસા લીધા, તમે દીધા. તમારો હક તો તેમના પૈસા પર છે. મારા પર નથી. જો તેમનું દેવું ચૂકતે કરવા મારે તમારી સાથે લગ્ન કરવા પડે તો તેમાં મારા પક્ષે તો કોઈ ચાન્સ જ ન બન્યો. એવી કોઈ શરત મૂકીએ કે તેમાં આપણા બેયને હારવાની અને જીતવાની શક્યતા ઉભી થાય. તો હું સહમત છું.’
શાહુકાર પ્રિયાની વાત સાંભળીને ખુશ થયો કે ચાલો ચાન્સ તો બન્યો. પ્રિયા અને શાહુકરે આખરે એવું નક્કી કર્યું કે એક થેલીમાં બે પથ્થર મુકવા. એક કાળો અને એક સફેદ. કાળો પથ્થર નીકળે તો શાહુકારની વાત કબૂલ – એટલે કે પ્રિયાએ તેની સાથે લગ્ન કરવા પડે અને તેના બદલામાં દેવું ઉતરી જાય. જો સફેદ નીકળે તો પ્રિયાની વાત કબૂલ – દેવું ઉતરી જાય અને લગ્ન ન કરવા પડે. પ્રિયા આ ૫૦-૫૦ ટકા ચાલીને પણ પોતાને બચાવવાનો એક પ્રયત્ન કરવા માંગતી હતી. શાહુકાર એ વાતથી સહમત થયો એ પણ તેના માટે એક મોટી સફળતા હતી.
દિવસ નિર્ધારિત કરવામાં આવ્યો. ગામના પંચની સમક્ષ આ નિર્ણય કરવાનો હતો. શાહુકાર, પ્રિયા, સામંતભાઈ અને પંચ ઉપરાંત કેટલાય બીજા લોકો આ દ્રશ્ય જોવા આવ્યા. જમીન પર પથ્થરોનો એક ઢગલો કરવામાં આવ્યો હતો તેમાં કેટલાક સફેદ અને કેટલાક કાળા પથ્થરો હતા. શાહુકારે નિયમ ફરીથી બધાની સમક્ષ સમજાવ્યો અને પછી નીચા નમીને બે પથ્થરો ઉપાડ્યા અને થેલીમાં નાખ્યા. તેમાં હાથ નાખીને પ્રિયાને એક પથ્થર ઉપાડવા કહ્યું.
પ્રિયાએ જોયું કે શાહુકારે છેતરપિંડી કરી હતી. તેણે બંને પથ્થરો કાળા જ ઉઠાવ્યા હતા એટલે કોઈ પણ પથ્થર તે ઉઠાવે તેણે શાહુકાર સાથે લગ્ન કરવા જ પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. તેણે એક ક્ષણ વિચાર્યું. તેની સામે ત્રણ વિકલ્પ હતા:
૧. શાહુકારની છેતરપિંડી સૌની સામે જાહેર કરી દે. ૨. તે એક પથ્થર ઉઠાવે અને પછી તેની સાથે લગ્ન કરી લે અને પરિણામે તેના પિતાનું દેવું માફ થઇ જાય. ૩. તે પથ્થર જ ન ઉઠાવે.
તેણે વિચાર્યું કે પહેલા અને ત્રીજા વિકલ્પમાં તો તેના પિતાનું દેવું ઉતારવાનું જ નથી. એટલે તેણે મનોમન કૈંક વિચાર કર્યો અને થેલી તરફ હાથ લંબાવ્યો. હાથમાં એક પથ્થર ઉઠાવી હાથ બહાર કાઢ્યો અને મુઠ્ઠી ખોલી દીધી. પથ્થર પડી ગયો અને નીચે રાખેલા પથ્થરોના ઢગલામાં ભળી ગયો.
‘કયો પથ્થર હતો?’ પંચોમાંથી કોઈ બોલ્યું.
‘માફ કરજો વડીલો. મારાથી એ પથ્થર પડી ગયો. પણ હવે થેલીમાં કયો પથ્થર બચ્યો છે એ જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જ જશે કે મારા હાથમાં કયો પથ્થર આવ્યો હતો. તેમ કહીને તેણે થેલીમાં હાથ નાખીને બીજો કાળો પથ્થર ઉઠાવી સૌની સામે બતાવ્યો અને કહ્યું, ‘કાળો પથ્થર થેલીમાં છે. એટલે કે મારા હાથમાં સફેદ પથ્થર આવ્યો હતો. તેનો અર્થ એ કે મારા પિતાનું દેવું માફ અને મારે શાહુકાર સાથે લગ્ન કરવાની જરૂર નથી.’
શાહુકાર સૌની સમક્ષ પોતાની ઠગાઈ તો સ્વીકારી શકે નહિ એટલે તેની સામે પ્રિયાની વાત સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો.
(રોહિત વઢવાણા)
(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)