આલાપ,
જીવન શું છે? એવું કોઈ મને પૂછે તો કહું કે થર પર થર અને એના પર થરને સુપેરે ગોઠવવાની કળા એટલે જ જીવન. સમયના થર, યાદોના થર, ઘટનાના થર, સંબંધોના થર અને આખરી સમયમાં વસવસાના થર.
હા આલાપ, આટલી લાંબી જિંદગીમાં આવા કેટલાય થરને સુપેરે ગોઠવી જાણવાની કળામાં હું પારંગત નીવડી એમ કહું તો કશું ખોટું નથી. હવે જીવનના ઢળતા સૂરજના આછા થઈ ગયેલા કિરણો વડે હું એ બધા જ થરને નજર ભરીને નિહાળું છું ત્યારે ઘટના, સ્મરણ અને સંબંધોના એ થર પર લાગેલી ધૂળ સિવાય કશું સ્પષ્ટ દેખાતું નથી. અને એ ધૂળ પર સહેજ આંગળી ફેરવું છું ને લખાઇ જાય છે અનાયાસે તારું નામ બિલકુલ એમજ જેમ ક્યારેક આ દિલ પર લખાઈ ગયેલું ને ત્યારે થયું કે, ‘જેમને ભૂલી જતાં વર્ષો થયા ,યાદ આવ્યાં સહેજ અમથી વાત પર.‘ પણ ના, આ તો એક જાણીતી પંક્તિ માત્ર બાકી તને ભૂલવું ક્યાં ક્યારેય શક્ય બન્યું. પ્રયાસ નહોતા કર્યા છેક એવું પણ નહતું પણ તું ભૂલી જ ન શકાયો ક્યારેય, ને આલાપ…
ધારો કે હું તને ભૂલી શકી હોત તો??
જો એવું થઈ શક્યું હોત તો હું વધુ સારું જીવી શકી હોત કે નહીં એ અગત્યનું નથી પણ અગત્યનું એ છે કે હું જીવનકાળ દરમ્યાનના થરને સુપરે ગોઠવતા ન શીખી શકી હોત. સંબંધો, સ્મૃતિઓ,ઘટનાઓ બધુજ વેરણછેરણ હોત અને એ બધા વચ્ચે હું ખોવાઈને રહી ગઈ હોત. મારે મને શોધવી મુશ્કેલ થાત. જ્યારે માણસ કોઈ એકનું નથી થઈ શકતું ત્યારે એ બહુ બધા વચ્ચે વેરાઈ,વિખરાઈ અને ખોવાઈ જતું હોય છે.
તો શું થયું કે આપણે સાથે ન જીવી શક્યા પણ સાથે વિતાવેલા સમયે મને હંમેશ તારી કરીને રાખી છે. મને એ એ સંબંધ, એ સ્મૃતિ, એ ઘટનાઓ સાથે એવી સાંકળીને રાખી છે કે મને વસવસના થરનો ભાર નથી.
દૂર રહીને પણ પાસે હોવાનો, અન્યના બનીને પણ મારા બની રહેવાના તારા આ કસબની હું આજીવન કાયલ રહીશ અને તને ન ભૂલવા દેવા માટે ઈશ્વરની આભારી પણ.
–સારંગી.
(નીતા સોજીત્રા)