ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં ચાઇનીઝ તુકકલ અને ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગ ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવાના આદેશો કર્યા છે. ઉત્તરાયણના તહેવારો દરમિયાન આવી ચાઇનીઝ તુકકલ અને માંઝા/પ્લાસ્ટિક દોરીના ઉપયોગથી માનવ-પશુ-પક્ષીને થતી જાનહાનિ, ઇજાઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવથી તેમણે આ નિર્ણયના ચુસ્ત અમલ માટે સૂચનાઓ આપી છે. ગુજરાતમાં સી.આર.પી.સી.ની કલમ ૧૪૪ અન્વયે આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવારો દરમિયાન રાજ્યભરમાં પતંગ રસિકો મોટાપાયે પતંગ ચગાવતા હોય છે. આવા પતંગ ચગાવવામાં ચાઇનીઝ દોરી તરીકે પ્રખ્યાત ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી માનવજીવન, પક્ષીઓ તેમજ પર્યાવરણ માટે ખતરારૂપ છે. આવી બનાવટથી ઘણીવાર પ્રાણઘાતક ઇજાઓ પણ થાય છે. એટલું જ નહી પરંતુ આવી ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરી લાંબા સમય સુધી કુદરતી રીતે નાશ પામતી નથી અને ગટરો-ડ્રેનેજમાં તે જવાથી ગટરો–ડ્રેનેજ જામ થઇ જાય છે. સાથે જ વીજલાઇન અને સબસ્ટેશનમાં આવી દોરી ભરાઇ જવાથી કે પતંગ ભરાવાથી વીજ ફોલ્ટ પણ થાય છે.
ગાય કે અન્ય પ્રાણીના પેટમાં ખોરાક સાથે ચાઇનીઝ પતંગ-તુકકલ કે દોરી જવાથી ઘણીવાર આફરો-ગભરામણથી પશુ મૃત્યુની ઘટનાઓ રાજ્યમાં બનતી હોય છે. આ ઉપરાંત ઉત્તરાયણના દિવસોમાં રાત્રિના સમયે સ્કાય લેન્ટર્ન-ચાઇનીઝ તુકકલ ઉડાડવાને કારણે તે કોઇ વસ્તુ સાથે અકસ્માતે અથડાય તો આગ લાગવાના બનાવો બને છે. આ બધી જ બાબતોને વ્યાપક જનહિતમાં ધ્યાને લઇને ચાઇનીઝ તુકકલ, ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટિક દોરીની ખરીદી, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ ઉપર રાજ્ય સરકારે તત્કાલ અસરથી પ્રતિબંધ ફરમાવ્યો છે.