જોર્ડન: ભારત અને જોર્ડને સોમવારે આતંકવાદ વિરોધી પગલાં, ગાઝા સહિત પ્રાદેશિક વિકાસ અને દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી. અમ્માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજા અબ્દુલ્લા બીજા વચ્ચેની વાતચીત બાદ, બંને પક્ષોએ પાંચ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ ચર્ચાઓ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, આતંકવાદ વિરોધી પગલાં અને કટ્ટરવાદ મુક્તિ, ખાતરો અને કૃષિ, નવીનીકરણીય ઊર્જા અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર કેન્દ્રિત હતી. PM મોદીએ આતંકવાદ અને ઉગ્રવાદ સામે લડવામાં રાજા અબ્દુલ્લા બીજાની ભૂમિકાની પ્રશંસા કરી અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી.
PM મોદી તેમના ત્રણ દેશના પ્રવાસના પ્રથમ તબક્કામાં જોર્ડન પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ઇથોપિયા અને ઓમાન પણ જવાના છે. આ મુલાકાત, 37 વર્ષમાં ભારતીય વડાપ્રધાન દ્વારા જોર્ડનની પ્રથમ સંપૂર્ણ દ્વિપક્ષીય મુલાકાત, બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ સાથે સુસંગત છે. જોર્ડનના વડાપ્રધાન જાફર હસન દ્વારા અમ્માન એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, નરેન્દ્ર મોદી હુસૈનિયા પેલેસ ખાતે રાજા અબ્દુલ્લા બીજાને મળ્યા, જ્યાં બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ મુલાકાત કરી. તેમણે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
બંને પક્ષોએ આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે પોતાના સહિયારા વલણનો પુનરોચ્ચાર કર્યો. રાજા અબ્દુલ્લા બીજાએ આતંકવાદ સામે ભારતની લડાઈને મજબૂત સમર્થન વ્યક્ત કર્યું અને તેના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓમાં આતંકવાદની નિંદા કરી.
બધા ક્ષેત્રોમાં સહકાર
વડાપ્રધાનએ જણાવ્યું કે ભારત અને જોર્ડન તમામ ક્ષેત્રોમાં સહયોગને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. PM મોદીએ કહ્યું, “મને વિશ્વાસ છે કે આજની બેઠક ભારત-જોર્ડન સંબંધોને નવી ગતિ અને ઊંડાણ આપશે.” તેમણે વધુમાં જણાવ્યું કે વેપાર, ખાતરો, ડિજિટલ ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા ક્ષેત્રોમાં સહયોગ ચાલુ રહેશે.
5 MoU પર હસ્તાક્ષર…
૧. નવી અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં ટેકનિકલ સહયોગ અંગે MoU
૨. જળ સંસાધન વ્યવસ્થાપન અને વિકાસ ક્ષેત્રમાં સહયોગ અંગે MoU
૩. પેટ્રા અને એલોરા વચ્ચે ટ્વીનિંગ કરાર
૪. ૨૦૨૫-૨૦૨૯ વર્ષ માટે સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમનું નવીકરણ
૫. ડિજિટલ પરિવર્તન માટે મોટા પાયે અમલમાં મુકાયેલા સફળ ડિજિટલ ઉકેલોની વહેંચણીના ક્ષેત્રમાં સહકાર અંગેનો ઉદ્દેશ પત્ર
ભારત જોર્ડનનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે તે નોંધીને, PM મોદીએ આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપાર વર્તમાન યુએસ $૨.૮ બિલિયનથી વધારીને US $૫ બિલિયન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે જોર્ડનની ડિજિટલ ચુકવણી પ્રણાલીઓ અને ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ વચ્ચે સહયોગ માટે પણ હાકલ કરી.
આતંકવાદ સામે લડવામાં જોર્ડનની ભૂમિકાની પ્રશંસા
વડાપ્રધાન મોદીએ જોર્ડનના રાજાની આતંકવાદ, ઉગ્રવાદ અને કટ્ટરવાદ સામે લડવામાં તેમની ભૂમિકા અને આ પડકારો સામે વૈશ્વિક લડાઈમાં તેમના યોગદાન બદલ પ્રશંસા કરી. તેમણે ગાઝા મુદ્દા પર રાજા અબ્દુલ્લા IIની “સક્રિય અને સકારાત્મક ભૂમિકા”ની પણ પ્રશંસા કરી.
અગાઉની મુલાકાતોને યાદ કરતાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે 2018માં રાજા અબ્દુલ્લા IIની ભારત મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ ઇસ્લામિક વારસા પર એક પરિષદમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું, “સહિષ્ણુતાને પ્રોત્સાહન આપવાના તમારા પ્રયાસો ફક્ત પ્રાદેશિક શાંતિ માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ માટે પણ મહત્વપૂર્ણ છે.”




