આલાપ,
ક્યારેક એવો વિચાર આવે કે આપણે તો વૈભવના માણસ. વૈભવ આપણને બહુ ગમે-ખૂબ આકર્ષે પછી એ વ્યક્તિનો હોય કે પ્રકૃતિનો. કેટલાક વૈભવની યાદો પણ એટલી જ વૈભવી હોય છે.
આ જો અત્યારે ઢળવા તરફ જઈ રહેલી સાંજનું વાતાવરણ અને સામેના ખુલ્લા મેદાનમાં ઉભેલો ગુલમ્હોર મને લઈ ગયો આપણાં કોલેજકાળમાં. આપણી કોલેજમાં ગુલમહોર અને સામે જ ગરમાળાના વૃક્ષની દૂર સુધી વિસ્તરેલી હારમાળા વાળું મેદાન આપણું મનગમતું સ્થળ હતું. કલાકો એ વૃક્ષની નીચે બેસી આપણે અને આપણાં જેવા અનેક યુવાનો એનો વૈભવ માણતા. ગીતો અને કવિતાઓ લખવાના ક્ષેત્રે પા-પા પગલી માંડી રહેલી મને તેં એ સમયે કહેલું, “સારું, તું આ ગુલમહોર અને ગરમાળાના વૈભવ વિશે કેમ કાઈ નથી લખતી?” ત્યારે મને સમજાયું કે આ વૈભવને પણ આલેખી શકાય.
ધીમે ધીમે કોલેજકાળનો ભવ્ય વર્તમાન જાજરમાન ભૂતકાળમાં ફેરવાઈ ગયો. એ ગુલમહોર અને એ ગરમાળો આંખોમાં, શ્વાસોમાં અને સ્મૃતિમાં ભરીને આપણે નીકળી ગયા અભ્યાસ પૂરો કરીને. સમયે કરવટ બદલી, ને આપણો સંબંધ પણ ભવ્ય વર્તમાનમાંથી જાજરમાન- યાદગાર ભૂતકાળમાં ફેરવાયો. એકલી અટુલી હું વારંવાર જઇ ચડતી એ કોલેજના ખુલ્લા મેદાનમાં અને ગરમાળાને જોઈને વિચારતી કે દરેકના ખીલવાની કોઈને કોઈ મોસમ તો આવે જ છે, શું મારા ખીલવાની મોસમ ક્યારેય નહીં આવે? ગરમાળો પણ જાણે મારા આ સવાલથી પીળો પડી ગયેલો લાગતો મને.
ને આ આજે સામેના ગુલમહોર અને ગરમાળાને જોઈને વિચાર આવે છે કે, ધારોકે, તું પણ આજે આ મેદાનમાં લહેરાઈ રહેલા લાલ ચટ્ટક ગુલમ્હોર અને પિળચટ્ટા ગરમાળાને નિરખતો મારી સાથે ઉભો હોત તો…. તારી ઈચ્છા પૂરી કરવા હું આ વૈભવને શબ્દોમાં કંઈક આમ ઢાળત.
ગુલમ્હોર ને ગરમાળાની વચ્ચે મળવા આવ્યો ‘તો,
સીસમરંગી સાયબો ભીના ભીના સ્પર્શો લાવ્યો ‘તો
નજરુંથી વીંધીને મીઠાં સ્પંદન ખૂબ જગાવ્યા’તા
આલિંગનમાં લઈને હૃદયે ગુલમહોરને વાવ્યો ‘તો.
આલાપ, જો ને આ વૃક્ષો પણ આપણા ભવ્ય ભૂતકાળ સાથે મને જોડી રાખવા કેવા લહેરાઈ રહ્યા છે.
કોણે કહ્યું કે મળવા માટે બે જણ જોઈએ?
બસ મનમાં ખાલી એનું ‘સ્મરણ’ જોઈએ.
આવો જ યાદોનો વૈભવ તારી પાસે પણ આમ જ અકબંધ છે, આલાપ?
-સારંગી.
(નીતા સોજીત્રા)