અનામત મુદ્દે NDAમાં જ ઘમસાણ

નવી દિલ્હીઃ આરક્ષણને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે NDAની અંદર જ મતભેદો સામે આવવા લાગ્યા છે. દલિત આરક્ષણમાં ‘ક્રીમી લેયર’ના મુદ્દે કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પલટવાર કર્યો છે. તેમણે કેન્દ્રમાં મંત્રી માંઝી અને બિહાર સરકારમાં મંત્રી તેમના પુત્ર સંતોષ સુમનના રાજીનામાની માગ કરી છે. ચિરાગે કહ્યું છે કે જ્યારે દલિત અને મહાદલિત વચ્ચે વિભાજન કરવાનો પ્રયાસ થયો હતો, ત્યારે પણ તેમણે તેનો વિરોધ કર્યો હતો. ચિરાગ પાસવાને કહ્યું હતું કે હું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને આરક્ષણ આપવાની વાત કરી રહ્યો છું. તેમના વિશે લોકો પૂછે છે કે તેમાં ક્રીમી લેયરની જોગવાઈ કેમ નથી? તો ઠીક છે, તેઓ આ વાત છોડી દે અને આરક્ષણનો લાભ લેવાનું બંધ કરી દે. જો જીતન રામ માંઝીને લાગે છે કે આ ઉપાય લાગુ થવા જોઈએ, તો શું તેમણે પહેલાં રાજીનામું ન આપવું જોઈએ?

હિંદુસ્તાની આવામ મોર્ચા (સેક્યુલર)ના અધ્યક્ષ અને બિહાર સરકારમાં મંત્રી સંતોષકુમાર સુમને કોટા નીતિની સમીક્ષા કરવાની માગ કરીને નવી ચર્ચા છેડી છે. તેમણે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)માં સબ-કેટેગરાઇઝેશન એટલે કે ‘કોટાની અંદર કોટા’નું સમર્થન કર્યું છે. હિંદુસ્તાની આવામ મોર્ચા (સેક્યુલર) બિહાર અને કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળા NDAની સહયોગી પાર્ટી છે.

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

1 ઓગસ્ટ 2024ના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે રાજ્યોને SC/STને સબ-ક્લાસિફાઇ કરવાની મંજૂરી આપી હતી, જેથી આ સમુદાયોમાં વધુ પછાત જાતિઓને અનામતનો લાભ આપી શકાય. કેન્દ્ર સરકાર અને મોટા ભાગના રાજકીય નેતાઓએ સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું સમર્થન કર્યું છે. આ ચુકાદા હેઠળ રાજ્યોને કોટાની અંદર કોટા આપીને પછાત ઉપ-જાતિઓ માટે સમાનતા સુનિશ્ચિત કરવાની મંજૂરી આપવામાં આવી છે, જોકે ક્રીમી લેયરને બહાર કરવાની બાબતનો વિરોધ પણ થયો છે.

માંઝીની પાર્ટીએ શું કહ્યું?

હિંદુસ્તાની આવામ મોર્ચા (સેક્યુલર)ના પ્રવક્તા દાનિશ રિઝવાને  જણાવ્યું હતું કે અમે હંમેશાં SC/ST વચ્ચે સબ-કેટેગરાઇઝેશનનું સમર્થન કર્યું છે. કોટાનો લાભ (દલિતોમાં) રવિદાસ અને પાસવાન જેવા મોટા SC સમુદાયોથી આગળ પહોંચતો નથી. HAM (S) જાણવા માગે છે કે મુસહર સમુદાયમાંથી કોઈ IAS અધિકારી કેમ નથી?