ગુજરાતમાં દેશની પ્રથમ રાજ્યસ્તરીય BSL-4 લેબ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબ અને એનિમલ બાયો-સેફ્ટી લેવલ સુવિધાનો શિલાન્યાસ કર્યો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિજ્ઞાન તેમજ પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા.આ સમારોહ દરમિયાન ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ની BSL-4 સુવિધાને “નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી” તરીકે નિયુક્ત કરવા માટે લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) જારી કર્યો હતો. આ સુવિધા BioE3 નીતિ હેઠળ વિકસિત થઈ રહી છે.આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું, “ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો-સેફ્ટી ક્ષેત્રમાં નવા યુગની શરૂઆત થઈ છે. પુણે પછી દેશની આ બીજી BSL-4 લેબ છે, પરંતુ રાજ્ય સરકારની પહેલથી રૂ. 362 કરોડના ખર્ચે બનનારી આ દેશની પ્રથમ રાજ્યસ્તરીય BSL-4 લેબ બનશે. આ લેબ જીવલેણ વાયરસો સામે ભારતનું મજબૂત કવચ બનશે અને પશુઓમાંથી માનવોમાં ફેલાતી બીમારીઓને અટકાવવામાં મદદ કરશે.”વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને યાદ કરતાં અમિત શાહે કહ્યું, “આ લેબ સંશોધકો અને યુવાનો માટે અનેક તકો ખોલશે. સાથે જ વન હેલ્થ મિશનને વેગ મળશે. ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ અને લમ્પી સ્કીન ડિસીઝ જેવા સંકટો સામે આ પ્રકારની સુવિધા અનિવાર્ય હતી.”બાયોટેકનોલોજી ક્ષેત્રની પ્રગતિ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું, “2014માં ભારતની બાયો-ઈકોનોમી 10 બિલિયન ડોલર હતી, જે 2024 સુધીમાં 166 બિલિયન ડોલરને વટાવી ગઈ છે. સ્ટાર્ટઅપ્સ 500થી વધીને 10,000થી વધુ થયા છે, ઇન્ક્યુબેટર્સ 6 થી 95 અને પેટન્ટ ફાઈલિંગ 125 થી 1300ને પાર થયા છે. પ્રાઈવેટ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 10 કરોડથી રૂ. 7000 કરોડ સુધી પહોંચ્યું છે.”અમિત શાહે BioE3 નીતિ હેઠળ ભારતને બાયોટેકમાં વિશ્વસ્તરે લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો. કોરોના કાળમાં ભારતે વેક્સિન બનાવીને વિશ્વને મદદ કરી. આ લેબથી વિદેશ પર નિર્ભરતા ઘટશે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ સિદ્ધ થશે તેમ પણ જણાવ્યું. તેમણે AMR (એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ) જેવા ‘સાયલન્ટ ડિઝાસ્ટર’ સામે ચિંતા વ્યક્ત કરી અને યુવાનોને સંશોધન માટે પ્રોત્સાહિત કર્યા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રોજેક્ટને વડાપ્રધાનના હેલ્થ કેર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિઝનનો ભાગ ગણાવ્યો. તેમણે કહ્યું કે, GBRC માત્ર સંશોધન કેન્દ્ર નહીં, પરંતુ રાજ્યનું નોડલ સેન્ટર છે. BSL-4 લેબથી સમયસર અને વિશ્વસનીય નિદાન મળશે, આરોગ્ય તંત્ર મજબૂત બનશે અને વિકસિત ભારત @2047ના લક્ષ્યમાં માઈલસ્ટોન સાબિત થશે. વિજ્ઞાન મંત્રી અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન અને ગૃહ મંત્રીના યોગદાનને બિરદાવ્યા કર્યું. આ સુવિધા વૈશ્વિક આરોગ્ય પડકારો સામે નિર્ણાયક બનશે તેમ પણ જણાવ્યું.