પુસ્તક મહોત્સવમાં શ્રીલંકન બાળસાહિત્યનાં બે ગુજરાતી પુસ્તકોનું લોકાર્પણ

અમદાવાદ: શહેરમાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવ- 2024માં શ્રીલંકાનાં બે બાળ-પુસ્તકોની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું. મૂળ સિંહલી ભાષામાં લખાયેલ સચિત્ર પુસ્તકોનો અંગ્રેજી માધ્યમે ગુજરાતી અનુવાદ ભાગ્યેન્દ્ર પટેલે કરેલ છે. જેનું પ્રકાશન નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા (એન.બી.ટી.) દ્વારા કરવામાં આવ્યું છે.પુસ્તક મહોત્સવના આંતરરાષ્ટ્રીય મંચ પર એન.બી.ટી.ના સંયુક્ત નિયામક રાકેશ કુમારના હસ્તે બંને પુસ્તકોનું લોકાર્પણ કરાયું. શ્રીલંકાનાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર અને આઈ.બી.એમ.સી. પ્રકાશન સંસ્થાનાં ડાયરેક્ટર વી. વી. પથમાસીલીએ મૂળ પુસ્તકોનો પરિચય આપ્યો હતો. ભાગ્યેન્દ્ર પટેલે ભારત અને શ્રીલંકા વચ્ચે સાહિત્યિક-સાંસ્કૃતિક સંબંધો પર પોતાના વિચાર રજૂ કર્યા હતા.ભાગ્યેન્દ્ર પટેલ એન.બી.ટી.માં છેલ્લાં ત્રીસ વર્ષથી ગુજરાતી ભાષાના સંપાદક તરીકે સેવારત છે અને દેશવિદેશના ઉત્તમ બાળસાહિત્યના ગુજરાતી અનુવાદનાં તેમનાં 100 ઉપરાંત પુસ્તકો પ્રકાશિત છે. એન.બી.ટી.ના મેનેજર અમિત કુમાર સિંહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.