આ છે ભારતના બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ પ્લેસ

ભારતમાં લગ્ન એ માત્ર રિતી-રિવાજો સુધી મર્યાદિત નથી, એની સાથે એ ભવ્ય ઉજવણી પણ છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે એના લગ્ન યાદગાર બની રહે. છેલ્લા કેટલાક વર્ષોથી ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ પણ વધ્યો છે. પહેલા, દુલ્હનને એના ઘરેથી વિદાય આપવામાં આવતી, પરંતુ હવે લગ્ન એક ચોક્કસ જગ્યાએ યોજવામાં આવે છે, જ્યાં બંને પક્ષ સાથે મળીને લગ્નનું ભવ્ય આયોજન કરે છે. મોટાભાગે અન્ય શહેરમાં લગ્ન કરવામાં આવે છે, જેને ડેસ્ટિનેશન વેડિંગ કહેવાય છે.

આમ તો ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ બોલિવૂડને આભારી છે. જેના કારણે આજે ભારતના અનેક સ્થળ લગ્નપ્રસંગને યાદગાર બનાવવા માટે સજ્જ થઈ ગયા છે. તો ચાલો જાણીએ ભારતમાં ડેસ્ટિનેશન વેડિંગ માટે કયા સ્થળ બેસ્ટ છે.

જોધપુર, રાજસ્થાન

બેસ્ટ વેડિંગ પ્લેસ માટે ભારતમાં સૌ પ્રથમ નામ કોઈ હોય તો એ રાજસ્થાનનું જોધપુર છે. ઘણી ઐતિહાસિક ઇમારતો, કિલ્લાઓ સાથે અહીં રાજસ્થાની કલ્ચર અને રોયલ લાઈફની અસલી ઝલક પણ જોવા મળે છે. પોતાની અનોખી વિશેષતાઓના કારણે આ શહેરને બે ઉપનામ ‘સન સિટી’, અને ‘બ્લૂ સિટી’ આપવામાં આવ્યા છે. સન સિટી નામ જોધપુરના ચળકતા તડકાના કારણે આપવામાં આવ્યું છે, જ્યારે બ્લૂ સિટી નામ શહેરના મેહરાનગઢ કિલ્લાની આસપાસ સ્થિત વાદળી રંગના ઘરોના કારણે આપવામાં આવ્યું છે. જોધપુરને થારના પ્રવેશ દ્વારના રૂપમાં પણ ઓળખવામાં આવે છે, કારણ કે આ શહેર થાર રણની સરહદ પર સ્થિત છે. ભવ્યતાના સાથે અહીં એક યાદગાર લગ્નનું આયોજન કરી શકાય.

ઉદેયપુર, રાજસ્થાન

રાજસ્થામાં અનેક સ્થળ એવા છે જે ડેસ્ટિનેશ વેડિંગ માટે બેસ્ટ છે. જોધપુરની સાથે ઉદયપુર પણ રોયલ લગ્ન માટેનું એક સુંદર શહેર છે, જેને સરવોરોનું શહેર પણ કહેવામાં આવે છે. પોતાના શાનદાર કિલ્લા, મંદિરો, સુંદર સરોવરો, મહેલો, સંગ્રહાલયો, અને વન્યજીવ અભયારણ્યો માટે પ્રસિદ્ધ છે. મહારાણા ઉદય સિંહ દ્વિત્તિયએ વર્ષ 1559માં આ શહેરની સ્થાપના કરી હતી. આ સ્થળ ભારતનું એક પ્રમુખ પ્રવાસન સ્થળ પણ છે. પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરા માટે વિખ્યાત છે. અહીં આવેલા ઘણા મહેલો અને કિલ્લા છે જે રાજપૂતાના મહિમાનું પ્રતિકના રૂપમાં જોવામાં આવે છે. જ્યાં લગ્ન કરવા એ ડ્રિમ પુર્ણ થયા જેવો અહેસાસ આપે છે.

જયપુર, રાજસ્થાન

પિંક સીટીના નામે ઓળખાતુ જયપુર પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે રાજસ્થાનનું મોસ્ટ ફેવરીય પ્લેસમાંનું એક છે. જો તમારે લગ્નમાં રોયલ ફીલિંગ લાવવી હોય તો રાજસ્થાનમાં જયપુરથી સારી જગ્યા બીજી કોઈ નથી. આધુનિક શણગાર સાથે અહીં રાજા-મહારાજાઓ જેવા લગ્નની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ભારતીય લગ્નમાં દેશી તડકા ઉમેરવા માટે રાજસ્થાનના આ  શાહી સ્થાનો દરેકના ડેસ્ટિનેશન વેડિંગ લિસ્ટમાં સામેલ છે.

ગોવા

લગ્નો માટે ગોવા હંમેશા હોટ ડેસ્ટિનેશન રહ્યું છે. સમગ્ર વિશ્વમાં ગોવા પોતાના સુંદર દરિયા કિનારાઓ અને જાણીતા સ્થાપત્ય માટે ઓળખાય છે. દરિયા કિનારે વેડિંગ એન્જોય કરવા માટે ગોવા પર લોકો પસંદ ઉતારે છે. ગોવાનું નામ મોટાભાગના કપલ્સનું ડ્રિમ ડેસ્ટિનેશ વેડિંગમાં સામેલ છે.

કેરળ, દક્ષિણ-ભારત

ભગવાનનો દેશ કહેવામાં આવતા કેરળ પણ ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકોનું મનપસંદ સ્થળ છે. જો તમે ભીડભાડ અને શહેરના શોરથી દૂર જઈને પ્રાકૃતિક સુંદરતા અને શાંતિભર્યા વાતાવરણમાં લગ્ન કરવા માટે વિચારી રહ્યાં હોય તો કેરલ બેસ્ટ ઓપ્શન છે. અહીં લાંબો સમુદ્ર કિનારો, ખુબસુરત બગીચાઓ, નાળીયેરના ઝાડ વગેરે અદ્દભુત નજારો આપે છે. કેરલ ટ્રેડીશનલ હોવાની સાથે વેડિંગ બેસ્ટ માટે થીમ પણ છે. કહેવામાં આવે છે કે દક્ષિણ ભારતનું આ રાજ્ય જ્યાં દેવતાઓ વાસ કરે છે જે આધુનિક હોવા છતા પણ પ્રાચીન છે. ખાસ કરીને કપલ કેરળનું  કુમારકોમ, મુન્નાર અને કોચી ડેસ્ટિનેશન વેડિંગ માટે પસંદ કરે છે.

અંદમાન અને નિકોબાર દ્વીપ

ભારતની ખુબસુરત જગ્યાની યાદીમાં આ જગ્યાનું નામ ઉમેરવામાં આવે છે. વેડિંગને કંઇક અલગ રીતે પ્લાન કરવા ઇચ્છતા હોય અથવા ડિફરન્ટ ડેસ્ટીનેશન પ્લાન કરવા ઇચ્છતા હોય એ કપલ માટે આ બેસ્ટ ડેસ્ટીનેશન છે. અહીં શુદ્ધ પાણી, સોનેરી રેતી અને નાના નાના દ્વીપસમૂહ તેમજ આહલાદકતા ભરેલું વાતાવરણ વેડિંગ માટે પરફેક્ટ બને છે.

શિમલા, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના શિમલાને પહાડોની રાણી પણ કહેવામાં આવે છે. આમ તો શિમલા ફેમસ ટ્રાવેલ સ્પોર્ટ્સમાં સામેલ છે. પરંતુ સુંદર ખીણ અને ઉંચા પહાહોની વચ્ચે લગ્ન કરવાનું વિચારી રહ્યા હોય એ લોકો માટે શિમલા પરફેક્ટ પ્લેસ છે. હટકે ડેસ્ટિનેશનની શોધ શિમલામાં પૂર્ણ થાય છે.

ઋષિકેશ, ઉત્તરાખંડ

મોટાભાગે અહીં આધ્યાત્મિક કપલ વેડિંગ માટે આવતા હોય છે. પણ અહીં ડેસ્ટીનેશન વેડિંગ પણ કરી શકાય છે. અહીંનું વાતાવરણ પવિત્ર હોવાની સાથે ધાર્મિક અનુભૂતિ આપે છે. ગંગા નદીના કિનારે આવેલું ઋષિકેશ ભારતનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. એથી લગ્નની તમામ પવિત્ર વિધિ પણ અહીં થઇ શકે છે. ઋષિકેશમાં બેસ્ટ વેડિંગ પ્લાન કરી શકાય છે.

અયોધ્યા, ઉત્તરપ્રદેશ

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી લગ્નોની પેટર્નની સાથે ડેસ્ટીનેશન મેરેજ કરનારાઓની પસંદમાં પણ ફરક જોવા મળ્યો છે. સામાન્ય રીતે આગ્રા, ઝાંસી જેવા ઐતિહાસિક ઉપરાંત કાર્બેટ અને દુધવા જેવા વન્યજીવ અભ્યારણો પાસે ડેસ્ટીનેશન મેરેજ કરતા લોકોની પ્રથમ પસંદ અયોધ્યા, બની ગયું છે. ધાર્મિક શહેરોમાં લગ્ન માટે લોકોની પ્રથમ પસંદ હવે અયોધ્યા છે.

માંડું, મધ્યપ્રદેશ

હાર્ટ ઓફ મધ્યપ્રદેશ તરીકે ઓળખાતું ‘માંડું’ નાનું અને રળીયામણું શહેર છે. વેડિંગ માટે બેસ્ટ ડેસ્ટીનેશનની શોધ હોય તો આ લોકેશન ઓપ્શન બની શકે. માંડુંની અંદર ખુબસુરત પહાડો અને કિલ્લાઓ પણ આવેલા છે. એ બધું એકસાથે મળીને આ જગ્યાને ખુબસુરત બનાવે છે. ઓછા બજેટમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા ઈચ્છતા લોકો માટે આ જગ્યા વેડિંગ માટે પ્લાન કરી શકો છો.

ગુજરાતના બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ પ્લેસ

સાપુતારા

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એટલે સાપુતારા. અહીં વાતાવરણ એકમદ આહલાદક હોય છે. આંખને ટાઢક આપતી ગ્રીનરી જોરદાર ફીલિંગ આપે છે. જો ગુજરાતમાં જ પહાડોમાં લગ્ન કરવા ઈચ્છતા હોય તો સાપુતારા પર પસંદગી ઉતારી શકાય. અહીં ટેન્ટથી લઈ રિસોર્ટ્સ અને હોટેલ્સ ઘણા બધા છે, જેને રેન્ટ પર લઈને કુદરતી વાતાવરણમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી શકાય છે.

કચ્છનું સફેદ રણ

કચ્છનું સફેદ રણ ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન જ જોવા મળે છે. બાકીનો સમય અહીં પાણી હોય છે. માટે ગુજરાતનું આ સ્થળ શિયાળામાં લગ્ન માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન કહી શકાય. જ્યાં સુધી નજરપહોંચે ત્યાં સુધી સફેદ ચાદર પથરાઈ હોય એવા સુંદર નજારાની સાક્ષીએ લગ્ન કરવા કપલ માટે એક અનોખો અનુભવ બની રહે છે.

ગીર અભયારણ્ય

એશિયાટિક લાયન ધરાવતું એક માત્ર સ્થળ એટલે ગીરનું અભયારણ્ય. લીલી છમ્મ વનરાજીથી સજ્જ, સિંહની ડણકથી ગાજતું ગીરનું અભયારણ્ય તો ગુજરાતનું સૌથી જાણીતું પ્રવાસન સ્થળ છે. જો કે અભયારણ્ય હોવાને કારણે અહીં કેટલીક પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ છે. પરંતુ જો ટ્રેડિશનલ થીમ પર લગ્ન કરવા ઈચ્છો છો, તો ડેસ્ટિનેશન વેડિંગ તરીકે ગીર પર પસંદગી ઉતારી શકો છો. છેલ્લા બે એક વર્ષથી ગુજરાતનું ગીર અભયારણ્ય ડેસ્ટિનેશન વેડિંગ માટે લોકનું મનપસંદ સ્થળ બની રહ્યું છે.

શિવરાજપુર બીચ

ડેસ્ટિનેશન વેડિંગ માટે ઘણા લોકોની પસંદગી બીચ પણ હોય છે. ગુજરાત એવું રાજ્ય છે, જેની પાસે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો છે,  માટે અહીં ડેસ્ટિનેશન વેડિંગ માટે બીચ પણ મળી શકે છે. દ્વારકા નજીક આવેલો શિવરાજપુર બીચ આ માટે હોટ ડેસ્ટિનશન બની રહ્યો છે. અહીંની સફેદ રેતી અને બ્લૂ પાણી, ખુલ્લુ આકાશ તમારા પ્રસંગમાં ચાર ચાંદ લગાવી દેશે.

લક્ષ્મીવિલાસ પેલેસ વડોદરા

ગુજરાતમાં પણ ઘણા મહેલો છે, જો કે વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ સૌથી બેસ્ટ છે. આ વિશાળ મહેલમાં ઘણી બધી ઈવેન્ટ્સ થાય છે અને લગ્ન માટે પણ એને રેન્ટ પર રાખવામાં આવે છે. અહીંના શાહી લગ્ન રાજા-મહારાજ જેવી જ ફીલિંગ આપે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટીનો સમાવેશ થયો છે. ત્યારે પહાડીઓની વચ્ચે નર્મદા કાંઠે આવેલા આ ડેસ્ટિનેશનની ખાસિયતમાં ચાર ચાંદ લાગી ગયા છે. કેવડિયામાં નર્મદા કાંઠે બનાવાયેલ ભવ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટેન્ટ સિટી  સૌથી બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બનીને ઉભર્યું છે.

 

હેતલ રાવ