લીડરશિપમાં ધૈર્ય અને મૌનનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે અને શ્રીમદ ભગવદ્ ગીતા, અધ્યાય 10, શ્લોક 38માં શ્રીકૃષ્ણે ‘मौनं चैवास्मि गुह्यानां ज्ञानं ज्ञानवतामहम्’ કહીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મૌન જ્ઞાનીઓનું આભૂષણ છે. નેતૃત્વમાં મૌન માત્ર ચૂપ રહેવાનું નામ નથી, પરંતુ પરિસ્થિતિને ધ્યાનથી સાંભળવી, સમજવું, બાહ્યજગતનું અવલોકન કરવું અને યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવા એ પણ એક કળા છે.
સારો નેતા હંમેશાં વધુ સાંભળે છે અને ઓછું બોલે છે કારણ કે સાંભળવાથી તેમને ટીમની સાચી પરિસ્થિતિ અને જરૂરિયાતો સમજાય છે, જ્યારે બોલવાથી માત્ર પોતાના વિચારો જ વ્યક્ત થાય છે. ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધીજીએ આઝાદીના આંદોલનમાં અનેક વખત મૌન અને ધૈર્યથી પરિસ્થિતિનું અવલોકન કરીને યોગ્ય સમયે અહિંસક સત્યાગ્રહ જેવાં પગલાં ભર્યા અને વિશ્વને બતાવ્યું કે મૌન અને ધૈર્યનું નેતૃત્વ કેવું પરિવર્તન લાવી શકે છે.
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના જીવનમાં આપણે જોઈએ તો તેઓ મોટાભાગે મૌન અને ધૈર્યપૂર્વક વિજ્ઞાનીઓ, વિદ્યાર્થી અને સહકર્મીઓની વાત સાંભળતા અને પછી ખૂબ જ સરળ પરંતુ અસરકારક રીતે પ્રતિભાવ આપતા, જેનાથી લોકોમાં વિશ્વાસ અને પ્રેરણા વધતી.
આજે પણ મોટી કંપનીઓમાં એવા નેતાઓની જરૂર છે જે માત્ર આદેશ ન આપે પરંતુ મૌન રહીને ટીમની વાતો સાંભળી પછી સમજદારીથી નિર્ણય લે. ઉદાહરણ તરીકે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ જ્યારે કંપનીનો ભાર સંભાળી લીધો ત્યારે સૌપ્રથમ સંગઠનમાં ‘સાંભળવાની સંસ્કૃતિ’ વિકસાવી, કર્મચારીઓના વિચારોને સમજ્યા અને ત્યારબાદ ધૈર્યપૂર્વક વ્યૂહરચના ઘડીને માઈક્રોસોફ્ટને નવા યુગમાં આગળ ધપાવી.
આ દર્શાવે છે કે નેતૃત્વમાં મૌન એટલે આંતરિક શક્તિ અને ધૈર્ય એટલે સંજોગોને સ્વીકારીને યોગ્ય સમયે કાર્ય કરવાની ક્ષમતા હોવી જોઈએ. જો નેતા દરેક સમયે ઉતાવળથી બોલી દે તો ટીમમાં ભય અને ગૂંચવણ ઊભી થાય. પરંતુ જો તે મૌન રહી સાંભળી શાંતિથી નિર્ણય લે તો ટીમમાં વિશ્વાસ અને એકતા વિકસે છે. મહાભારતમાં પણ આપણે જોઈએ છીએ કે વિપત્તિના સમયે યૂધિષ્ઠિર ધૈર્ય રાખીને મૌનપૂર્વક વિચારીને નિર્ણય લેતો હતો. અને એ જ કારણથી તે પાંચ ભાઈઓમાં સંતુલનનો આધાર બની શક્યો. આ રીતે આજના સંચાલનમાં પણ નેતા માટે ધૈર્ય અને મૌન એ સફળતા માટેનાં મુખ્ય હથિયાર છે, કેમ કે મૌન મનુષ્યને આંતરિક શક્તિ આપે છે, ધૈર્ય તેને સંજોગોને જીતવાની તાકાત આપે છે અને બંને સાથે મળે તો નેતૃત્વમાં વિશ્વાસ, શાંતિ અને સિદ્ધિનો પાયો મજબૂત થાય છે.
છેવટે નેલ્સન મંડેલાને યાદ કરીએ જે કહે છે:
‘બર્ન ટુ સીટ બેક એન્ડ ઓબ્ઝર્વ એવરીથીંગ ડઝનોટ નીડ અ રીએક્શન’
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
