યાદ કરીએ, કૃષ્ણનું દૂતકાર્ય, જ્યારે દ્વારકાધીશ પોતે પાંડવોના દૂત બની ભીષ્મપિતામહ અને કૌરવસભાને મળવા સામે ચાલીને ઉપસ્થિત થયા હતા. તમે પણ કોઈના મધ્યસ્થી બનો તો બે વસ્તુ ખ્યાલ રાખો:
પહેલી, જેના વતી મધ્યસ્થી કરો છો તે વ્યક્તિ તમે જે નક્કી ક૨શો તે સાથે સંમત થશે જ અને ફરી નહીં જાય તે સુનિશ્ચિત કરો. શ્રીકૃષ્ણને આ વિશ્વાસ પાંડવો માટે હતો. બીજું, જરૂર પડ્યે તમારી કૂનેહ અથવા કરડાકી સામા પક્ષને તમારી શક્તિનું ભાન કરાવનાર હોવી જોઈએ. દુર્યોધન જ્યારે અત્યંત ક્રોધિત થઈ કૃષ્ણને કેદ પકડવા સૈનિકોને આદેશ કરે છે ત્યારે ભગવાન વિરાટ સ્વરૂપના દર્શન દુર્યોધનને કરાવે છે. પોતે એ શક્તિ છે, જે આવી કોઈ ધમકીથી ડરે તો નહીં જ પણ એ ધમકી આપનારનું પણ માથું ભાંગી નાખવાની ક્ષમતા રાખે એટલું સામર્થ્ય ધરાવે છે, એ વજન સામા પક્ષે પણ તમારું પડવું જોઈએ.
વાત આગળ વધારીએઃ શ્રીકૃષ્ણે પોતાની પાસેની સત્તાની રૂએ એક અત્યંત સામાન્ય અને છેલ્લી દરખાસ્ત મૂકી. પાંડવોને અડધું રાજ્ય નહીં આપો તો ચાલશે. એમને માત્ર પાંચ ગામડાં આપો તો પણ વાત પતી જશે. પોતાની શક્તિ ઉપર આંધળા થયેલા દુર્યોધનને એનો અહંકાર બોલાવે છેઃ ‘પાંચ ગામડાં તો શું સોયના ટોચકા પર ચઢે એટલી જમીન પણ પાંડવોને નહીં મળે.’
કોઈ પણ પરિસ્થિતિમાં નેગોસિએટેડ સોલ્યૂશન એટલે કે થોડુંઘણું જતું કરવું પડે તો જતું કરીને પણ સર્વસંમત ઉકેલ એ શ્રેષ્ઠ વસ્તુ છે. યુદ્ધ એ છેલ્લો ઉપાય છે. સમાધાન શાંતિ અને પ્રગતિનો માર્ગ મોકળો કરે છે જ્યારે યુદ્ધ તબાહી નોતરે છે. માત્ર મહાભારત જ નહીં બીજા વિશ્વયુદ્ધથી માંડીને આજે પણ ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ કે હમાસ-ઇઝરાયલ યુદ્ધના દાખલાઓ આપણી સામે છે. વિયેતનામની ખુમારી અને ખુવારી, અમેરિકા-ઇરાક યુદ્ધ – આ બધા ગઈકાલના દાખલાઓ છે.
યુદ્ધ થકી કોઈ જગ્યાએ કંઈ મેળવી શકાયું હોય એવું ભાગ્યે જ થયું છે. તમે કોઈ પણ સરકાર, સંસ્થા, કુટુંબ કે કંપનીના વડા અથવા મેનેજર હોવ તો યાદ રાખો યુદ્ધ કે ટકરાવ છેલ્લો રસ્તો છે. તમે ગમે તેટલા મોટા છો, સામેનો માણસ મરણિયો થશે તો તમારે પણ વેઠવાનું આવશે જ. વાસ્તવિકતાવાદી બનો, પૂર્વગ્રહ અને અહંકારને નકારો, મહાભારત ટળી જશે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી‘ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ‘ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)
