અભિવ્યક્તિની આવડત અને સમજદારી

બાળક જન્મે છે ત્યારથી મોટા થવા સુધીની સફરમાં ઘણું બધું એટલે કે ચાલવું, દોડવું, લખવું, વાંચવું વગેરે શીખે છે. બાળક પોતાના મનના ભાવ જરાક સમજણું થાય એટલે વ્યક્ત કરવા માંડે છે. ક્યારેક એ ખડખડાટ હસે છે તો ક્યારેક રડે છે. ક્યારેક સૂનમૂન થઈને પડ્યું રહે છે. આ એની અભિવ્યક્તિ છે અને એટલે જ માનવજીવનની સૌથી અગત્યની ક્ષમતા છે બોલવું. અભિવ્યક્તિમાં આંખ, જીભ, શરીરના હાથ કે સંગીતના ઠૂમકે તાલ લેતા પગ અથવા ગુસ્સામાં પગ પછાડીને નીકળી જવું – આ બધા તમારા શારીરિક ભાષા એટલે કે બૉડી લેંગ્વેજના ભાગ છે.

આપણે જાણીએ છીએ કે બોલવું જે તે વ્યક્તિ નાનપણથી જ શીખી લે છે, પણ… ક્યાં, કેવું, કેટલું તેમજ કઈ પદ્ધતિથી બોલવું એ શીખતા વર્ષો નીકળી જાય છે. કહેવાય છે કે કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણવું હોય તો બે બાબતો ધ્યાનમાં લેવી: એક, એના મિત્રો કોણ છે અને બીજું એની કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવાની પદ્ધતિ એટલે કે કોમ્યુનિકેશન સ્કીલ કેવી છે. કોમ્યુનિકેશન સ્કીલ એટલે પોતાની વાત સામેવાળી વ્યક્તિને પોતે જે રીતે સમજે છે તે જ રીતે તે જ વાત સરળતાથી ગળે ઉતારવી.

કોઈપણ ચર્ચાનો કુનેહપૂર્વક, વાદવિવાદ વગર અંત કરવો. આજના આધુનિક યુગમાં દરેક ક્ષેત્રમાં કમ્યુનિકેશન સ્કીલ ખૂબ જ અગત્યની છે. એમાં પણ જો તમે કોઈ ટીમને અથવા કંપનીને લીડ કરતા હોવ કે જાહેર જીવનમાં હોવ તો એક લીડર તરીકે તો તે ખૂબ જ મહત્વની સ્કિલ બને છે. લીડર તરીકે તમે કોઈપણ સંસ્થામાં હોવ તો તમારે કેટલીક કઠિન પ્રક્રિયાઓ, ચર્ચાઓમાંથી પસાર થવું પડશે ત્યારે જો તમારી પાસે કુશળ કોમ્યુનિકેશન સ્કીલ નહીં હોય તો તમે ચર્ચાનો સુખદ અંત નહીં લાવી શકો.

આ માટે આપણે મહાભારતના ઉદ્યોગપર્વમાં ડોકિયું કરીએ તો શ્રીકૃષ્ણ શાંતિદૂત બનીને હસ્તિનાપુરમાં જાય છે ત્યાં તે નરમ સંવાદથી લઈને તીક્ષ્ણ/આકરા સંવાદો પણ કરે છે, જે દર્શાવે છે કે નેતાએ કઠિન સંજોગોમાં એ રીતે ચર્ચા કરવી કે સામેવાળો ગમે તેટલી વિરોધી દિશામાં હોય પણ મતભેદ વગર વાત આગળ વધે. તેથી જ તો કહેવાય છે કે ધ આર્ટ ઓફ કોમ્યુનિકેશન ઈઝ ધ લેંગ્વેજ ઓફ લીડરશીપ.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)