વિશ્વભરમાં દર વર્ષે 2 ફેબ્રુઆરીએ ‘વિશ્વ જળપ્લાવિત વિસ્તાર દિવસ’ એટલે કે ‘વર્લ્ડ વેટલેન્ડ્સ ડે’ની ઉજવણી
કરવામાં આવે છે. આ દિવસની શરૂઆત વર્ષ 1971માં ઈરાનના રામસર શહેરમાં એક ઐતિહાસિક સંધિથી થઈ હતી.
2 ફેબ્રુઆરીના રોજ કેસ્પિયન સમુદ્રના કિનારે દુનિયાના વિવિધ દેશોએ વેટલેન્ડ્સના સંરક્ષણ માટે હસ્તાક્ષર કર્યા હતા, જેને ‘રામસર કન્વેન્શન’ કહેવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ પૃથ્વી પર સતત ઘટતા જતાં ભીની જમીન કે જળપ્લાવિત વિસ્તારોને બચાવવાનો અને પર્યાવરણમાં એની મહત્વની ભૂમિકા વિશે જનજાગૃતિ ફેલાવવાનો છે. ત્યારે જાણીએ ગુજરાતની પાંચ રામસર સાઈટ વિશે..
શું છે રામસર સાઈટ અને ભારતની સ્થિતિ?

રામસર સાઈટ એટલે એવો જળપ્લાવિત વિસ્તાર કે જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણીય સુરક્ષા માટે મહત્વનો જાહેર કરવામાં આવ્યો હોય. આવા વિસ્તારો પૃથ્વી પર ‘કુદરતી ફિલ્ટર’ કે ‘પૃથ્વીની કિડની’ તરીકે ઓળખાય છે, કારણ કે એ પાણીને શુદ્ધ કરવાનું અને ભૂગર્ભ જળને રિચાર્જ કરવાનું કામ કરે છે. ભારતે વર્ષ 1982માં આ સંધિનો સ્વીકાર કર્યો હતો. વર્ષ 2014માં ભારતમાં માત્ર 26 રામસર સાઈટ્સ હતી, આજે 2026માં આ આંકડો 98 પર પહોંચ્યો છે. જેમાં ગુજરાતનો હિસ્સો ભારતની કુલ વેટલેન્ડ જમીનના 21 ટકાથી વધુ છે. રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારનો લગભગ 17.8 ટકા ભાગ વેટલેન્ડ્સ છે.
નળ સરોવર (અમદાવાદ અને સુરેન્દ્રનગર)

નળ સરોવર ગુજરાતની પ્રથમ રામસર સાઈટ છે, જેનો સમાવેશ વર્ષ 2012માં કરવામાં આવ્યો હતો. એ અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદે આશરે 120 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું રાજ્યનું સૌથી મોટું કુદરતી છીછરું જળાશય છે. જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ પાણીમાં ઉગતી વિશિષ્ટ વનસ્પતિઓ અને જળચર જીવો માટે એક આદર્શ નિવસનતંત્ર પૂરું પાડે છે. સાઇબિરીયા અને યુરોપથી આવતા લાખો યાયાવર પક્ષીઓ ઉપરાંત, આ સરોવર સ્થાનિક માછીમારોની આજીવિકા અને પ્રવાસન ક્ષેત્રે પણ મહત્વનું સ્થાન ધરાવે છે. એની વિશાળ જળરાશિ ભૂગર્ભ જળ સ્તર જાળવવામાં કીમતી ભૂમિકા ભજવે છે.
થોળ (મહેસાણા)

મહેસાણા જિલ્લામાં 7 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું થોળ વેટલેન્ડ વર્ષ 2021માં રામસર સાઈટ જાહેર કરાયું હતું. ભલે એ માનવ-નિર્મિત જળાશય હોય, પરંતુ એ આજે એક પરિપક્વ ઇકોસિસ્ટમ તરીકે વિકસી ચૂક્યું છે. અહીંનું શાંત વાતાવરણ અને આસપાસના કૃષિ વિસ્તારો એને વન્યજીવો માટે સુરક્ષિત આશ્રયસ્થાન બનાવે છે. સારસ ક્રેન અને ફ્લેમિંગો જેવા 150થી વધુ પક્ષીઓની હાજરી અહીંની જૈવવિવિધતા અને ખાદ્યશૃંખલાની સમૃદ્ધિ દર્શાવે છે.
વઢવાણા વેટલેન્ડ (વડોદરા)

વડોદરાના ડભોઈ તાલુકામાં આશરે 6.3 ચોરસ કિલોમીટરમાં પથરાયેલું વઢવાણા વેટલેન્ડ વર્ષ 2021થી રામસર સાઈટ તરીકે સુરક્ષિત છે. ગાયકવાડ શાસનકાળમાં સિંચાઈના હેતુથી બનેલું આ તળાવ હવે પર્યાવરણીય સંતુલનનું મોટું કેન્દ્ર બન્યું છે. મધ્ય એશિયાથી આવતા હજારો વિદેશી હંસ અને બતકો માટે આ એક મુખ્ય હોલ્ટિંગ સ્ટેશન છે. આ વેટલેન્ડ આસપાસના વિસ્તારની ખેતી અને જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પણ વરદાન સાબિત થયું છે.
ખીજડીયા વેટલેન્ડ (જામનગર)

જામનગર પાસેનું આ 6 ચોરસ કિલોમીટરનું ક્ષેત્ર વર્ષ 2022માં રામસર સાઈટ બન્યું હતું. એની ભૌગોલિક વિશેષતા અત્યંત અનોખી છે. અહીં એક તરફ ખારા પાણીનો દરિયો છે અને બીજી તરફ મીઠા પાણીના સરોવરો છે. આ મિશ્રિત ઇકોસિસ્ટમને કારણે અહીં 300થી વધુ પ્રજાતિના દરિયાઈ અને જમીની પક્ષીઓ તેમજ વિશિષ્ટ જળચર જીવો વસે છે. એક નાનકડા વિસ્તારમાં આવી અદ્ભુત કુદરતી વિવિધતા હોવાને કારણે એને આંતરરાષ્ટ્રીય મહત્વ મળ્યું છે.
છારી-ઢાંઢ કન્ઝર્વેશન રિઝર્વ (કચ્છ)

કચ્છના બન્ની વિસ્તારમાં રણ અને ઘાસના મેદાનોની વચ્ચે આવેલું આ 227 ચોરસ કિલોમીટરનું વિશાળ વેટલેન્ડ જાન્યુઆરી 2026માં ગુજરાતની પાંચમી રામસર સાઈટ બની છે. રણના શુષ્ક વાતાવરણની વચ્ચે આ જળાશય લાખો જીવો માટે ‘જીવનદોરી’ સમાન છે. અહીં માત્ર હજારો કુંજ અને ફ્લેમિંગો જ નહીં, પરંતુ રણ લોમડી અને હેણોતરા જેવા દુર્લભ પ્રાણીઓ પણ જોવા મળે છે. એની આસપાસના ‘બન્ની’ ઘાસના મેદાનો અને આ વેટલેન્ડ મળીને એશિયાનું સૌથી મોટું અને જટિલ નિવસનતંત્ર બનાવે છે. રણના શુષ્ક વાતાવરણમાં આ જળપ્લાવિત વિસ્તાર હજારો જીવો માટે જીવનદોરી સમાન હોવાથી એનો સમાવેશ રામસર સાઈટમાં થયો છે.
હેતલ રાવ


