કેન્સર નામ સાંભળતા જ કોઈ પણ વ્યક્તિમાં ડર જોવા મળે છે. વિશ્વમાં કેન્સર એ એક ગંભીર આરોગ્ય ચિંતાનો વિષય છે. આ રોગના વધતા કેસ અને એની જટિલતાના કારણે લોકોમાં એનો ભય છે. જો કે ઘણા કેન્સર એવા પણ હોય છે, જેમાં દર્દી પુનઃ સ્વસ્થ જીવન જીવી શકે છે. પરંતુ એના માટે કેન્સર પ્રત્યેની જાગૃતિ જરૂરી છે. માટે જ 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે.
WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) પ્રમાણે 2021માં કેન્સરથી અંદાજે 90 લાખ લોકોનું મૃત્યુ થયું હતું. આ રોગ શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે. તાજેતરના અહેવાલ પ્રમાણે કેન્સરના કેસોમાં 77 ટકાનો વધારો થવાની સંભાવના છે.આ પરિસ્થિતીને ધ્યામાં રાખીને લોકોમાં કેન્સરની જાણકારી અને જાગૃતિ લાવવી અત્યંત મહત્વપૂર્ણ છે.
ત્યારે જાણીએ વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ, કેન્સરના લક્ષણો, આ ખતરનાક રોગથી બચવાના ઉપાયો અને અન્ય ઘણું બધુ.
વિશ્વ કેન્સર દિવસનો ઇતિહાસ
વિશ્વ આરોગ્ય સંસ્થાની પહેલ પર 1933માં સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં પ્રથમ કેન્સર દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ વર્ષ 1999માં, પેરિસમાં કેન્સર સામે વિશ્વ સમિટમાં આ દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પછી, વર્ષ 2000માં વિશ્વ કેન્સર સંઘ (UICC) દ્વારા 4 ફેબ્રુઆરીએ વિશિષ્ટ રીતે વિશ્વ કેન્સર દિવસ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. દર વર્ષે કેન્સર ડે નવી થીમ સાથે ઉજવવામાં આવે છે. વર્ષ 2025-2027ની થીમ ‘યુનિક દ્વારા યુનાઇટેડ’ , એટલે કે લોકોની સંભાળના કેન્દ્રમાં અને એમની વાતને વાતચીતના કેન્દ્રમાં રાખે છે. દર વર્ષે આ રોગ લાખો લોકોને ભોગ બનાવે છે. આવી સ્થિતિમાં એના લક્ષણોને સમયસર ઓળખીને જીવ બચાવી શકાય છે.
કેન્સરના પ્રકાર
કેન્સરના પ્રકારની વાત કરીએ તો એ કોઈ એક ચોક્કસ પ્રકારનો રોગ નથી. કેન્સરમાં પણ જુદા-જુદા અનેક પ્રકાર છે. એટલું જ નહીં દરેક પ્રકારના સ્નાયુઓના કોષોની અનિયંત્રિત રીતે વૃદ્ધિથી થાય છે. વધારે જોવા મળતા હોય એવા કેન્સરમાં સ્તન કેન્સર, લંગ કેન્સર, કોલોરેક્ટલ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લિમ્ફોમા, સ્કિન કેન્સર, બ્રેઈન કેન્સર, કિડની કેન્સર, બ્લેન્ડર (મૂત્રાશય)નું કેન્સર, પેન્ક્રિયાટિક કેન્સર આ ઉપરાંત પણ મેલાનોમા, ઓવરિયન, એસ્કોફેઘીયલ, લારિંજિયલ અને ઓરલ કેન્સર જેવા બીજા પ્રકારના કેન્સર પણ છે, જે આરોગ્ય માટે ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે.
મહિલાઓમાં આ કેન્સર વધારે જોવા મળે છે
બ્રેસ્ટ કેન્સરઃ શહેરી મહિલાઓમાં આ કેન્સર સૌથી વધુ જોવા મળે છે. ગ્રામીણ મહિલાઓમાં આ બીજું સામાન્ય રીતે જોવા મળતું કેન્સર છે. આજકાલ નાની ઉંમરમાં જ બ્રેસ્ટ કેન્સરના કિસ્સાઓ સામે આવવા લાગ્યાં છે. આ બ્રેસ્ટમાં અસામાન્ય રૂપથી કોશિકાઓના ફેરફાર અને વૃદ્ધિ થવાથી થાય છે, તેમજ કોશિકાઓ મળીને ટ્યૂમર બનાવે છે. લક્ષણોની વાત કરીએ તો દૂધ જેવો પદાર્થ અથવા લોહી આવવું, બ્રેસ્ટની સ્કિન પર નારંગી રંગના સ્પોટ દેખાવા. કોઈ ગાંઠ, આકારમાં ફેરફાર.
ગર્ભાશયનું કેન્સરઃ આ કેન્સરને સર્વાઇકલ કેન્સર પણ કહેવાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર સર્વાઇકલ રિસર્ચ મુજબ સર્વાઇકલ કેન્સરથી ભારતમાં દર વર્ષે લગભગ 50 હજારથી વધારે મહિલાઓનું મૃત્યુ થાય છે. આ હ્યૂમન પેપિલોમા નામના વાયરસથી થાય છે, જે યૌન સંબંધથી ફેલાય છે. આ કેન્સર ગર્ભાશય ગ્રીવાથી શરૂ થાય છે, જે ગર્ભાશયનો સૌથી નીચેનો ભાગ હોય છે. અહીંથી આ કેન્સર ધીમે-ધીમે શરીરના અન્ય ભાગમાં ફેલાય છે. લક્ષણોમાં રજોનિવૃતિ પછી બ્લીડિંગ થવું, સામાન્ય કરતા વધુ બ્લીડિંગ થવું, અસામાન્ય ડિસ્ચાર્જ ચેતવણીના સંકેત છે.
કોલોરેક્ટલ કેન્સરઃ મહિલાઓમાં આ ત્રીજું સૌથી સામાન્ય કેન્સર છે. આ મોટા આંતરડાને પ્રભાવિત કરે છે. મોટાભાગના કિસ્સાઓમાં તેની શરૂઆત કોશિકાઓના નોન કેન્સરસ ટ્યૂમરના રૂપમાં થાય છે, જેને નજરઅંદાજ કરવામાં આવે તો આ કેન્સર બની શકે છે. આ કેન્સરના લક્ષણની વાત કરીએ તો ડાયરિયા અથવા કબજિયાત સહિત પેટ સંબંધિત પરેશાની, 4 વીક કરતા વધુ સમય સુધી મળમાં ફેરફાર, મળદ્વારથી લોહી આવવું, પેટમાં દુઃખાવો રહેવો, વજન ઘટવું અને નબળાઇ તથા થાક લાગવો.
ઓવેરિયન કેન્સરઃ ઓવેરિયન કેન્સર 30થી 65 વર્ષની ઉંમરની મહિલાઓમાં વધુ જોવા મળે છે. જેમના પરિવારમાં પેટ, ઓવેરિયન, બ્રેસ્ટ અથવા ગર્ભાશયના કેન્સરનો કોઈ ઇતિહાસ રહ્યો છે તેમને આ કેન્સરનો જોખમ વધી જાય છે. લક્ષણની વાત કરીએ તો પેલ્વિક અથવા પેટના નીચેના ભાગમાં દુઃખાવો, અપચો, વારંવાર યૂરિન આવવું, ભૂખ ન લાગવી, પેટમાં સોજા આવવા અથવા પેટ ફૂલવું.
યોનિ અને વલ્વર કેન્સરઃ માત્ર મહિલાઓમાં થતું આ દુર્લભ કેન્સર છે. જે યોનિ અને વલ્વા (બાહ્ય અંગો) પર અસર કરે છે. મુખ્ય કારણની વાત કરીએ તો HPV સંક્રમણ અને લાંબા ગાળાના સ્કિન ઇન્ફેક્શન હોઈ શકે.
બાળકોમાં જોવા મળે છે આ કેન્સર
ભારતમાં દર વર્ષે લગભગ 60 હજાર બાળકોને કેન્સર થાય છે. જે દેશમાં વયસ્ક કેન્સર દર્દીઓની સંખ્યાના અંદાજે પાંચ ટકા જેટલું છે, જ્યારે વિકસિત દેશોમાં બાળકોમાં કેન્સરનું પ્રમાણ એકથી બે ટકા છે. જો યોગ્ય સમય પર નિદાન અને સારી સારવાર મળે તો બાળકોમાં થતા કેન્સરના 80 ટકા કેસો સંપૂર્ણ રીતે મટાડવામાં આવે છે. બ્લડ કેન્સર એ બાળકોમાં સૌથી સામાન્ય કેન્સર છે. તેમાં મુખ્ય પ્રકારે અક્યૂટ લિમ્ફોસાયટ્સ લ્યુકેમિયા (ALL) અને અક્યૂટ લિમ્ફોઇડ લ્યુકેમિયા છે. લિમ્ફોસાયટ્સ લ્યુકેમિયાની 90 ટકા સુધીની સારવાર શક્ય છે, જ્યારે લિમ્ફોઇડ લ્યુકેમિયા આ દર 40થી 50 ટકા સુધીનો છે. રેટિનોબ્લાસ્ટોમાં કેન્સર આંખમાં થાય છે અને એ નવજાત શિશુમાં એક મહિનાની ઉંમરે શરૂ થાય છે. ધીમે ધીમે કેન્સર આંખોને ખરાબ કરીને મગજ સુધી પહોંચે છે. તત્કાલ નિદાન કરીને આંખોને બચાવી શકાય છે. શરૂઆતના લક્ષણોને કેટ આઈ રિફ્લેક્સ કહેવામા આવે છે, જેમાં શિશુની આંખ અંધારામાં સફેદ દેખાય છે. બાળકોના મગજમાં ટ્યુમર પણ થઈ શકે છે. અથવા મગજના અલગ અલગ પ્રકારના કેન્સર પણ થઈ શકે છે. ન્યૂરોબ્લાસ્ટોમા એડ્રીનલ ગ્લેન્ડમાં થતું એક પ્રકારનું ટ્યુમર છે. ઓસ્ટિયોસરકોમા અને ઈવિંગ્સ સરકોમા હાડકામાં થતું કેન્સર છે. આ ઉપરાંતવિલ્મ્સ ટ્યુમર નામનું કેન્સર બાળકોની કિડનીમાં થાય છે. જો કે સમયસર ઉપચારથી આ કેન્સરનું નિદાન થઈ શકે છે. |
પુરુષોમાં થતા મુખ્ય કેન્સર
પ્રોસ્ટેટ કેન્સરઃ પુરુષોમાં જોવા મળતું સૌથી સામાન્ય કેન્સર છે. આ પ્રોસ્ટેટ નામના અંગમાં થતું કેન્સર છે. પ્રોસ્ટેટ એ એક નાની ગ્રંથિ છે જે પુરુષોના શરીરમાં સ્થિત છે. શુક્રાણુ આ ગ્રંથિમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રોસ્ટેટમાં કેન્સરને કારણે, આ અંગ યોગ્ય રીતે કામ કરી શકતું નથી અને તે ખૂબ જ ગંભીર સ્થિતિ બની જાય છે. લક્ષણની વાત કરીએ તો પેશાબ કરતી વખતે બળતરા અથવા દુખાવો, વારંવાર પેશાબ કરવો અને રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડે, પેશાબમાં લોહી, પેશાબ કરતી વખતે સંપૂર્ણપણે પેશાબ પસાર કરવામાં અસમર્થતા, અચાનક પેશાબને નિયંત્રિત કરવામાં અસમર્થતા.
ફેફસા(લંગ) કેન્સરઃ લોકો આ કેન્સરને ટીબી સાથે પણ જોડી દે છે, કારણ કે દર્દીને ઉધરસની વધુ ફરિયાદ રહે છે. ફેફસાંનું કેન્સર એ દુનિયામાં જોવા મળતાં કેન્સરમાં મોખરે છે. બહારના દેશોમાં કેન્સરથી થતા મૃત્યુનું સૌથી મોટું કારણ ફેફસાંનુ કેન્સર છે. આ કેન્સરના લક્ષણોમાં લાંબા સમયની ખાંસી જે મટે નહીં અને વધતી જાય, છાતીમાં દુખાવો, ગળફામાં લોહી આવવું, શ્વાસમાં તકલીફ થવી, અવાજમાં ફેરફાર થવો,ભૂખ ન લાગવી, થાક લાગવો, વજન ઘટતું જોવા મળે છે.
લિમ્ફોમાં કેન્સરઃ એ લિમ્ફેટિક સિસ્ટમમાં થતું કેન્સર છે, જે લિમ્ફ નોડ્સ (લિમ્ફ ગ્રંથિ) અને લિમ્ફોસાઇટ્સ (લિમ્ફ લોહીના કોષો) પર અસર કરે છે. લિમ્ફ સિસ્ટમ એ શરીરનો મહત્વપૂર્ણ ભાગ છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર હોય છે અને શરીરમાંથી વિકારોને દૂર કરવામાં મદદ કરે છે. લિમ્ફોમા બે પ્રકારના હોય છે, એક હોજકિન લિમ્ફોમા અને બીજુ છે નોન હોજકિન લિમ્ફોમા. લિમ્ફોમાના લક્ષણની વાત કરીએ તો લસિકાગ્રંથિની ગાંઠો મુખ્ય લક્ષણ છે. જેમાં ગરદન, બગલ અથવા પેઢાની આજુબાજુમાં ગાંઠો થવી. આ ઉપરાંત ઉધરસ આવવી, હાંફ ચઢવી, તાવ આવવો, રાત્રે ખૂબ પરસેવો વળવો, પેટમાં દુખાવો થવો, થાક લાગવો, વજનમાં ઘટાડો થવો, ખંજવાળ આવવી. જો કે, આમાંનાં ઘણાં લક્ષણો અન્ય બીમારીઓની ચેતવણીનાં ચિહ્નનો પણ હોઈ શકે છે. લિમ્ફોમા છે કે નહીં એની ખાતરી કરવા કેન્સરના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
હોઠ, જડબા અને મોંનું કેન્સરઃ હોઠ અને જડબાનું કેન્સર 90 ટકા તમાકુનું સેવન કરનારા લોકોમાં જોવા મળે છે. આ કેન્સર થવાનું મુખ્ય કારણ તમાકુ (કોઈ પણ સ્વરૂપમાં) અને દારૂ છે. આ કેન્સર મોંની અંદર ગાલ, જીભ, જીભની નીચે, તાળવું જેવી અલગ અલગ જગ્યાએ થઈ શકે છે. અહીં અલ્સર અથવા ફોલ્લો બને છે અને તે દવાઓ લીધા પછી પણ ઠીક થતો નથી. જો જીભ કપાઈ ગઈ હોય અથવા મોઢાનો કોઈ ભાગ દાંતથી કપાઈ જાય અને દવા લીધા પછી પણ તે ત્રણ અઠવાડિયાં સુધી ઠીક ન થાય તો તે ચિંતાનું કારણ બની જાય છે. ક્યારેક દાંત ઢીલા થઈને તૂટી જાય તો ત્યાં ઘાવ થઈ શકે છે. મોંમાં કોઈ ગ્રોથ જોવા મળે તો એ જરૂરી નથી કે તે કૅન્સર જ હોય, પરંતુ તેની તપાસ કરાવવી જરૂરી છે. આ ઉપરાંત, જો ઘણી વખત મોં ખોલવામાં તકલીફ થતી હોય તો તે પણ આ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.
હેતલ રાવ