ભારત પછી છેલ્લે ક્યા દેશો બ્રિટનથી આઝાદ થયા?

1947માં 15 ઓગસ્ટના રોજ ભારતે બ્રિટિશ શાસનની ગુલામીમાંથી મુક્તિ મેળવીને એક નવા યુગની શરૂઆત કરી એ વાતને આજે 78 વર્ષ થયાં.

પરંતુ ભારત એકમાત્ર દેશ નહોતો, જે બ્રિટિશ સામ્રાજ્યનો ગુલામ હતો. એક સમય એવો હતો જ્યારે બ્રિટીશરોનો સૂરજ તપતો હતો અને બ્રિટનના મહારાણી લગભગ પોણી દુનિયા પર રાજ કરતા હતા. લગભગ 160 દેશો એક સમયે બ્રિટનના તાબામાં હતા અને એટલે જ કહેવાતું હતું કે, એમના સૂર્યનો ક્યારેય અસ્ત નથી…

પરંતુ આજે, 2025માં એ સ્થિતિ નથી. બ્રિટીશ સામ્રાજ્યનો સૂર્ય લગભગ આથમી ચૂક્યો છે. એક સમયે જે બ્રિટન 160થી વધુ દેશો પર શાસન  કરતું હતું એ આજે નાનકડા યુનાઇટડ કિંગડમમાં સમેટાઇ ચૂક્યું છે. આજે યુનાઇટેડ કિંગડમ કોઈ સ્વતંત્ર રાષ્ટ્ર પર સીધું શાસન નથી કરતું, પણ હા, એનું નિયંત્રણ 14 બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીઝ પર છે, જે સ્વતંત્ર દેશો નથી પરંતુ બ્રિટનના અધિકારક્ષેત્ર હેઠળના પ્રદેશો છે.

ભારતની આઝાદી પછીના પાંચ દાયકાઓમાં આપણી જેમ બીજા અનેક દેશોએ બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી. આજે સ્વાતંત્ર્ય દિનના અનુસંધાને, આવો જાણીએ એવા દસ દેશ વિશે, જે બ્રિટનના તાબામાંથી છેલ્લે મુક્ત થયા…

બ્રુનેઈ ( 1 જાન્યુઆરી, 1984)

બ્રુનેઈનું સત્તાવાર નામ નેગારા બ્રુનેઈ દારુસલામ છે, દક્ષિણપૂર્વ એશિયામાં બોર્નિયો ટાપુના ઉત્તરીય કાંઠે આવેલું એક નાનું ઇસ્લામિક સુલતાનશાહી દેશ છે. જે 1888માં બ્રિટિશ પ્રોટેક્ટોરેટ બન્યું. 1984 સુધી, એટલે કે લગભગ 96 વર્ષ સુધી બ્રિટિશ શાસન હેઠળ રહ્યું.આ દેશે 1 જાન્યુઆરી, 1984ના રોજ બ્રિટિશ પ્રોટેક્ટોરેટમાંથી સ્વતંત્રતા મેળવી, જે એને બ્રિટિશ શાસનમાંથી આઝાદ થનારા છેલ્લા દેશોમાંનું એક બનાવે છે. વર્તમાનમાં બ્રુનેઈ એક સંપૂર્ણ સુલતાનશાહી શાસન છે. જેમાં સુલતાન હસનલ બોલ્કિયા (1967થી સુલતાન) રાજ્ય અને સરકારના વડા છે. એનું શાસન મલય ઇસ્લામિક મોનાર્કી (MIB) પર આધારિત છે. બ્રુનેઈ તેલ અને કુદરતી ગેસના વિશાળ ભંડારોને કારણે વિશ્વના શ્રીમંત દેશોમાંનું એક છે.

સેન્ટ કિટ્સ અને નેવિસ (19 સપ્ટેમ્બર, 1983)

સેન્ટ કિટ્સ અને નેવિસ કેરેબિયન સમુદ્રમાં આવેલો એક નાનું દ્વીપસમૂહ રાષ્ટ્ર છે. સેન્ટ કિટ્સ અને નેવિસ 1623માં બ્રિટિશ અધિકારીકરણથી શરૂ થઈને 1983 સુધી, એટલે કે લગભગ 360 વર્ષ સુધી બ્રિટિશ શાસન હેઠળ રહ્યું. આ દેશે 19 સપ્ટેમ્બર, 1983ના રોજ બ્રિટિશ વેસ્ટ ઇન્ડીઝમાંથી સ્વતંત્રતા મેળવી. 1623માં સેન્ટ કિટ્સ બ્રિટનની પ્રથમ કેરેબિયન વસાહત બન્યું. નેવિસ 1628માં વસાહતીકરણ હેઠળ આવ્યું. 19મી સદીમાં આ બંને ટાપુઓ બ્રિટિશ વેસ્ટ ઇન્ડીઝના ભાગરૂપે શાસન હેઠળ હતા. વર્તમાનમાં, સેન્ટ કિટ્સ અને નેવિસ એક સંસદીય લોકશાહી સાથેનું રાજાશાહી રાષ્ટ્ર છે અને કોમનવેલ્થ ઓફ નેશન્સનું સભ્ય છે. આ દેશ એના પ્રવાસન અને વિદેશી નાણાકીય સેવાઓને કારણે વિશ્વમાં જાણીતું છે. એના સુંદર બીચ, ઐતિહાસિક સ્થળો અને કેરિબિયન સંસ્કૃતિ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. મુખ્ય વ્યવસાયોમાં પ્રવાસન, કૃષિ અને નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે, જે દેશની અર્થવ્યવસ્થાને સ્થિર રાખે છે.

બેલીઝ (21 સપ્ટેમ્બર 1981)

બેલીઝ,  અગાઉ બ્રિટિશ હોન્ડુરાસ તરીકે ઓળખાતું, મધ્ય અમેરિકામાં આવેલું એક નાનું રાષ્ટ્ર છે. 21 સપ્ટેમ્બર 1981માં બ્રિટિશ હોન્ડુરાસ તરીકેના શાસનમાંથી આઝાદી મેળવી. બેલીઝ 17મી સદીના મધ્યભાગથી, લગભગ 1638માં, જ્યારે બ્રિટિશ વસાહતીઓએ આ વિસ્તારમાં પ્રવેશ કર્યો, ત્યારથી 1981 સુધી, એટલે કે લગભગ 343 વર્ષ સુધી બ્રિટિશ શાસન હેઠળ રહ્યું. વર્તમાનમાં એ વિશ્વના સૌથી મોટા કોરલ રીફ સિસ્ટમને કારણે ઇકોટૂરિઝમ અને ડાઇવિંગના કેન્દ્ર તરીકે પ્રખ્યાત છે, જે પર્યાવરણ પ્રેમીઓને આકર્ષે છે. મુખ્ય વ્યવસાય તરીકે પ્રવાસન, કૃષિ અને મત્સ્યઉદ્યોગ છે. જે એની અર્થવ્યવસ્થાને ટેકો આપે છે અને એને બ્રિટિશ પ્રભાવવાળા કોમનવેલ્થ સભ્ય તરીકે રાખે છે.

ઝિમ્બાબ્વે (18 એપ્રિલ, 1980)

આ દેશનું સત્તાવાર નામ રિપબ્લિક ઓફ ઝિમ્બાબ્વે છે. દક્ષિણ આફ્રિકામાં આવેલો આ દેશ ઝામ્બેઝી અને લિમ્પોપો નદીઓની વચ્ચે સ્થિત છે. ઝિમ્બાબ્વેએ 18 એપ્રિલ, 1980ના રોજ બ્રિટિશ વસાહત રોડેશિયા (અગાઉ સધર્ન રોડેશિયા)માંથી સ્વતંત્રતા મેળવી. 1890માં, જ્યારે બ્રિટિશ સાઉથ આફ્રિકા કંપનીએ આ દેશમાં પ્રવેશ કર્યો, ત્યારથી 1980 સુધી, એટલે કે લગભગ 90 વર્ષ બ્રિટિશ શાસન હેઠળ રહ્યું. વર્તમાનમાં, ઝિમ્બાબ્વે વિક્ટોરિયા ફોલ્સ (યુનેસ્કો વિશ્વ વારસો) અને વાઇલ્ડલાઇફ સફારીને કારણે પ્રવાસન માટે પ્રખ્યાત છે, જે આફ્રિકાના પ્રાકૃતિક સૌંદર્યને દર્શાવે છે. અર્થવ્યવસ્થા કૃષિ, ખાણકામ અને પ્રવાસન પર આધારિત છે. પરંતુ રાજકીય અસ્થિરતા અને આર્થિક પડકારો એને અસર કરે છે.

બહામાસ (10 જુલાઈ, 1973)

બહામાસ, જેનું સત્તાવાર નામ કોમનવેલ્થ ઓફ ધ બહામાસ છે. કેરેબિયન સમુદ્રમાં આવેલો એક દ્વીપસમૂહ રાષ્ટ્ર છે. જે ફ્લોરિડા (યુએસએ)ના દક્ષિણ-પૂર્વમાં અને ક્યુબાના ઉત્તરે સ્થિત છે.  10 જુલાઈ, 1973ના રોજ બ્રિટિશ વેસ્ટ ઇન્ડીઝમાંથી સ્વતંત્રતા મેળવી. બહામાસ 1670માં બ્રિટિશ વસાહત બન્યું, એટલે કે લગભગ 303 વર્ષ બ્રિટિશ શાસન હેઠળ રહ્યું. વર્તમાનમાં, એ સુંદર બીચ અને ક્રુઝ પોર્ટ્સને કારણે ખાસ કરીને અમેરિકી અને યુરોપીયન પ્રવાસીઓમાં લોકપ્રિય છે. મુખ્ય વ્યવસાયો પ્રવાસન, વિદેશી નાણાકીય સેવાઓ (ઓફશોર બેન્કિંગ) અને મત્સ્યઉદ્યોગ છે. જે અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે. બહામાસ કોમનવેલ્થનું સભ્ય છે.

યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) (2 ડિસેમ્બર, 1971)

યુએઈ, જેનું સત્તાવાર નામ યુનાઇટેડ આરબ અમીરાત છે, મધ્ય પૂર્વમાં પર્શિયન ગલ્ફના દક્ષિણ-પૂર્વ કિનારે આવેલું છે. સાઉદી અરેબિયા, ઓમાન અને કતારની નજીક છે.  2 ડિસેમ્બર, 1971ના રોજ બ્રિટિશ ટ્રુસિયલ સ્ટેટ્સમાંથી સ્વતંત્રતા મેળવી. યુએઈ 1820માં બ્રિટિશ સંરક્ષણ કરાર હેઠળ આવ્યું, એટલે કે લગભગ 151 વર્ષ બ્રિટિશ શાસન હેઠળ રહ્યું. વર્તમાનમાં, દુબઈ અને અબુ ધાબીના સ્કાયસ્ક્રેપર્સ અને વૈભવી જીવનશૈલીને કારણે એ પ્રવાસન અને વેપારનું કેન્દ્ર છે. મુખ્ય વ્યવસાયો તેલ અને ગેસ, વેપાર, પ્રવાસન અને નાણાકીય સેવાઓ છે. યુએઈ વિશ્વના ધનિક દેશોમાંથી એક છે.

ફીજી (10 ઓક્ટોબર, 1970)

ફીજી, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો દ્વીપસમૂહ દેશ છે, જે ન્યૂઝીલેન્ડના ઉત્તરે અને ઓસ્ટ્રેલિયાના ઈશાનમાં સ્થિત છે. 10 ઓક્ટોબર, 1970ના રોજ બ્રિટિશ વસાહતમાંથી સ્વતંત્રતા મેળવી. ફીજી 1874માં બ્રિટિશ વસાહત બન્યું. લગભગ 96 વર્ષ બ્રિટિશ શાસન હેઠળ આ દેશ રહ્યો. વર્તમાનમાં, પ્રાકૃતિક સુંદરતા અને ભારતીય મૂળની વસ્તીને કારણે  હનીમૂન અને બીચ વેકેશન માટે લોકપ્રિય છે. મુખ્ય વ્યવસાયો પ્રવાસન, કૃષિ અને મત્સ્યઉદ્યોગ છે. જે અર્થવ્યવસ્થાને ટેકો આપે છે. ફીજી કોમનવેલ્થનું સભ્ય છે.

ઇસ્વાટિની (6 સપ્ટેમ્બર, 1968)

ઇસ્વાટિની, જેનું સત્તાવાર નામ કિંગડમ ઓફ ઇસ્વાટિની છે (અગાઉ સ્વાઝીલેન્ડ), દક્ષિણ આફ્રિકામાં આવેલો દેશ છે. જે દક્ષિણ અને પશ્ચિમમાં દક્ષિણ આફ્રિકા અને પૂર્વમાં મોઝામ્બિકથી ઘેરાયેલું છે. 6 સપ્ટેમ્બર, 1968ના રોજ બ્રિટિશ પ્રોટેક્ટોરેટમાંથી સ્વતંત્રતા મેળવી. ઇસ્વાટિની 1903માં બ્રિટિશ શાસન હેઠળ આવ્યું, એટલે કે લગભગ 65 વર્ષ બ્રિટિશ શાસન હેઠળ રહ્યું. વર્તમાનમાં, પરંપરાગત સંસ્કૃતિ અને વન્યજીવનને કારણે એ આફ્રિકન સફારી અને સાંસ્કૃતિક પ્રવાસન માટે પ્રખ્યાત છે. મુખ્ય વ્યવસાયો કૃષિ ખાણકામ અને પ્રવાસન છે. રાજાશાહી શાસન (રાજા એમસ્વાતી ત્રીજા) વૈશ્વિક ચર્ચાનો વિષય છે. ઇસ્વાટિની કોમનવેલ્થનું સભ્ય છે.

યેમેન (30 નવેમ્બર, 1967)

યેમેન મધ્ય પૂર્વમાં અરેબિયન દ્વીપકલ્પના દક્ષિણ-પશ્ચિમ ખૂણે આવેલું છે. જે સાઉદી અરેબિયા અને ઓમાનની નજીક છે. 30 નવેમ્બર, 1967ના રોજ બ્રિટિશ એડન પ્રોટેક્ટોરેટમાંથી સ્વતંત્રતા મેળવી. યેમેન 1839માં બ્રિટિશ શાસન હેઠળ આવ્યું, એટલે કે લગભગ 128 વર્ષ બ્રિટિશ શાસન હેઠળ રહ્યું. વર્તમાનમાં, પ્રાચીન સંસ્કૃતિ અને યુદ્ધની સ્થિતિને કારણે એ માનવીય સંકટનું કેન્દ્ર છે. મુખ્ય વ્યવસાયો કૃષિ (કોફી, કપાસ), મત્સ્યઉદ્યોગ અને તેલ નિકાસ છે, પરંતુ રાજકીય અસ્થિરતા અર્થવ્યવસ્થાને અસર કરે છે.

બોત્સ્વાના (30 સપ્ટેમ્બર, 1966)

બોત્સ્વાના દક્ષિણ આફ્રિકામાં આવેલો દેશ છે. 1885માં એ બ્રિટિશ શાસન હેઠળ આવ્યું.  આ દેશે 81 વર્ષ સુધી બ્રિટિશ શાસનની ગુલામી કરી. 30 સપ્ટેમ્બર, 1966ના રોજ બ્રિટિશ પ્રોટેક્ટોરેટ બેચુઆનાલેન્ડમાંથી સ્વતંત્રતા મેળવી. વર્તમાનમાં, હીરા ખાણો અને વાઇલ્ડલાઇફ સફારીને કારણે એ આફ્રિકાના આર્થિક વિકાસનું મોડેલ છે. મુખ્ય વ્યવસાયો ખાણકામ (હીરા, કોપર), પ્રવાસન અને કૃષિ છે, જે એને આફ્રિકાની સૌથી સ્થિર લોકશાહીઓમાંનું એક બનાવે છે.

હેતલ રાવ