ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. સ્કૂલ-કોલેજોમાં વેકેશન શરૂ થઇ ગયા છે એટલે સ્વાભાવિક રીતે જ ગુજરાતીઓ ફરવા માટે ઠંડા અને મનમોહક સ્થળોએ ઉપડવાની તૈયારીમાં છે. સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં લોકો ગરમીથી છુટકારો મેળવવા હિલ સ્ટેશન અને ઠંડા સ્થળોની મુલાકાત લેવાનું વધુ પસંદ કરે છે.
ભારતમાં અનેક સ્થળો છે, જ્યાં ઉનાળાના મહીનાઓમાં તાપમાન 10 ડિગ્રીથી 30 ડિગ્રી વચ્ચે રહે છે, જે પ્રવાસીઓને શીતળતા અને શાંતિનો અહેસાસ કરાવે છે. આવો જાણીએ, દેશના ટોચના દસ સ્થળ વિશે જે ઉનાળાના વેકેશનમાં ફરવા માટે ભારતીયોની પહેલી પસંદ છે.
કાશ્મીર
ઉનાળામાં કાશ્મીર એટલે એક સ્વર્ગ જેવો અનુભવ. અહીં તાપમાન સામાન્ય રીતે 10 ડિગ્રીથી 25 ડિગ્રી રહે છે, જે પ્રવાસીઓ માટે પરફેક્ટ છે. શ્રીનગરમાં ડાલ લેક પર શિકારા રાઇડ, ગુલમર્ગમાં ગોંડોલા રાઇડ અને પહલગામના શાંત દ્રશ્યો સહેલાણીઓને એક અનોખી શાંતિ આપે છે. તાજા સફરજનના બગીચા અને ટ્યૂલિપ ગાર્ડન પણ ઉનાળાના પ્રવાસ માટે બેસ્ટ પ્લેસ છે. અહીંનું તાપમાન 10 ડિગ્રીથી 25 ડિગ્રી સુધી રહે છે.
લેહ-લદ્દાખ
લદ્દાખએ એડવેન્ચર લવર માટે શ્રેષ્ઠ સ્થળ છે. ઉનાળામાં અહીંનું તાપમાન 5 ડિગ્રીથી 25 ડિગ્રી સુધીનું રહે છે. પેંગોંગ તળાવ, નુબ્રા વેલી અને હેમિસ મઠ જેવી જગ્યાઓ શાંતિપ્રેમીઓ માટે હોલ્માર્ક છે. બાઇક રાઇડિંગ અને ટ્રેકિંગ માટે પણ લેહ-લદ્દાખ શ્રેષ્ઠ છે.
મનાલી, હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશના મનાલીમાં 10 ડિગ્રીથી 25 ડિગ્રી તાપમાન રહે છે. મનાલી ભારતના સૌથી જાણીતા હિલ સ્ટેશનોમાંથી એક છે. પીર પંજાલ અને ધૌલાધાર પર્વતમાળાના બરફથી ઢંકાયેલા રસ્તાઓ વચ્ચે આવેલા મનાલીના કુદરતી વાતાવરણ, લીલાછમ જંગલો, ઘાસના મેદાનો, વાદળી રંગની નદીઓ અને શુદ્ધ હવાઓ માટે બેસ્ટ છે. ઉપરાંત મનાલીમાં સંગ્રહાલયોથી લઈને મંદિર, નાના હિપ્પી ગામો, શેરીઓમાં ફરવાની સાથે વોટર સ્પોર્ટ, ટ્રેકિંગ ટ્રેલ્સ અને પેરાગ્લાઈડિંગની મજા પણ માણી શકાય છે.
શિમલા, હિમાચલ પ્રદેશ
શિમલા ગુજરાતીઓ માટે હંમેશા માટે પ્રિય રહ્યું છે. અહીં ઉનાળામાં 15 ડિગ્રીથી 30 ડિગ્રી તાપમાન રહે છે. માલ રોડ, કૂફ્રી અને ગ્રીન વેલીમાં ફરવું એક શાંતિપ્રદ અનુભવ આપે છે. અહીં હિમાલયની શુધ્ધ હવામાં ચાલવું એ એક અદભૂત અનુભૂતિ છે.
નૈનીતાલ, ઉત્તરાખંડ
ઉત્તરાખંડના નૈનીતાલ પ્રવાસીઓની પહેલી પસંદ છે. જ્યાં 14 ડિગ્રીથી 27 ડિગ્રી તાપમાન રહે છે. નૈની તળાવમાં બોટિંગ, ટીફિન ટોપ અને સ્નો વ્યુ પોઇન્ટ સનસેટ જોવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. કુદરતી દ્રશ્યો અને તળાવોની આ નગરી સહેલાણીયો માટે યાદગાર બની રહે છે. નૈનીતાલનું પ્રખ્યાત નૈની તળાવ બોટિંગ માટે પ્રખ્યાત છે. અહીંનું નૈના દેવી મંદિર પણ ખૂબ જ આકર્ષક છે. ઉનાળાના મહિનાઓમાં ફરવા માટે આ શ્રેષ્ઠ સ્થળ છે. નૈનીતાલનું સૌથી ઊંચું શિખર નૈના પીક છે જે 2615 મીટર ઊંચું છે.
ગંગટોક, સિક્કિમ
ગાંગટોક, સિક્કિમનું રાજધાની શહેર, એના હિલ સ્ટેશનો માટે જાણીતું છે. ઉનાળામાં અહીં 12 ડિગ્રી થી 25 ડિગ્રી તાપમાન રહે છે. પ્રાચીન બૌદ્ધ મઠો અને ચાના બગીચા અહીંના મુખ્ય આકર્ષણો છે. શિવાલિક ટેકરીઓ ગંગટોકથી 1437 મીટરની ઉંચાઈ પર આવેલી છે. બાબા હરભજન સિંહ મેમોરિયલ ટેમ્પલ, નાથુલા પાસ, ઝાકરી ફોલ્સ, ઝૂઓલોજિકલ પાર્ક પણ ખુબ જાણીતા છે. ગંગટોક ઉત્તર ભારતમાં સફેદ પાણીના રાફ્ટિંગ માટે ત્રીજું સૌથી સારું સ્થળ છે.
ઋષિકેશ અને મસૂરી
ઉત્તરાખંડમાં ઋષિકેશ અને મસૂરી ઉનાળાના શ્રેષ્ઠ વિકલ્પો છે. ઋષિકેશમાં 20 ડિગ્રીથી 35 ડિગ્રી તાપમાન રહે છે, જ્યાં ગંગા નદીના ઘાટ પર આરતીનો લહાવો લઈ શકાય છે.
જ્યારે મસૂરીમાં 15 ડિર્ગીથી 28 ડિગ્રી તાપમાન રહે છે, જે કેમ્પિંગ, રિવર રાફ્ટિંગ અને ટ્રેકિંગ માટે શ્રેષ્ઠ સ્થળ છે.
કુર્ગ, દક્ષિણ ભારત
કુર્ગ, કર્ણાટકમાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. જેને દક્ષિણ ભારતનું સ્કોટલેન્ડ કહેવામાં આવે છે. અહીં ઉનાળામાં 15 ડિગ્રીથી 30 ડિગ્રી સુધીનું તાપમાન રહે છે. કોફી પ્લાન્ટેશન, અભયારણ્ય અને ઝરણાંઓ કુર્ગના મુખ્ય આકર્ષણો છે. અહીંની હરિયાળી અને ઠંડક શાંત અનુભવ આપે છે.
માઉન્ટ આબુ, રાજસ્થાન
માઉન્ટ આબુ ઉનાળામાં ફરવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જ્યાં 17 ડિગ્રીથી 32 ડિગ્રી તાપમાન રહે છે. નક્કી લેક, ગુરુ શિખર અને દેલવાડા જૈન મંદિરો અહીંની સુંદરતા વધારે છે. ગુજરાતીઓ માટે માઉન્ટ આબુ ઓલ ટાઈમ ફેવરીટ પ્લેસ છે.
દાર્જિલિંગ
પશ્ચિમ બંગાળનું દાર્જિલિંગ ઉનાળામાં 11 ડિગ્રીથી 24 ડિગ્રી તાપમાન સાથે શીતળ અને મનોરંજક હવામાન ધરાવે છે. ટોય ટ્રેન સફર, ચાના ખેતરો અને ટાઇગર હિલથી સનસેટ જોવો એ એક અદભૂત અનુભવ છે. મનમોહક પહાડીઓ સાથે દાર્જિલિંગ એના ચાના બગીચા માટે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. દાર્જિલિંગની કુદરતી સુંદરતાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રીઓ અહી ફરવા માટે આવે છે.
હેતલ રાવ
