નવલી નોરતાની રાત છે અને ચાંદલીયો આકાશમાં ચમકી રહ્યો છે નિશા પણ રોજની જેમ લાંબા લચક કેડીયા વાળી પ્યોર ગામઠી ચણિયાચોળી પહેરીને ગરબે રમવા તૈયાર થઈ રહી છે. ત્યાં જ એની પાડોશમાં રહેતી સખી સવી પણ આવી પહોંચે છે. નીશાને જોઈને કહે છે કે યાર આ શું આજે પણ તે તો બંધ ગળાનું કેડિયું પહેર્યુ છે? તને ગરબા રમતા ગભરામણ નથી થતી? ત્યારે નિશા હસીને કહે છે કે જો દોસ્ત દરેક વ્યક્તિની પોતાની પસંદ છે. સાચું કહું તો હું તો આ બંધ ગળાના કેડિયા અને પરફેક્ટ ઓઢણી ન નાંખુ ત્યાં સુધી ગરબા રમવામાં અનકમ્ફર્ટેબલ ફિલ કરું છુ. ત્યાં સવીએ એના વિચારોને ગામડિયા કહી ટકોર કરી કે શું યાર હવે તો બેકલેસનો યુગ છે, એમાં વળી તું ક્યાં આવી વાતો લઈને બેસી ગઈ.
ફરી નિશા બોલી યુગ ગમે એ હોય, વાત માતાની ભક્તિની અને સાથે જ ગરબા રમવાની છે. મને નથી સારું લાગતું કે હું ગમે એવા શરીર દેખાતા વસ્ત્રો પહેરીને ગરબા રમવા નીકળું, મે કહ્યુંને પોત પોતાના વિચારો છે. કોઈના વિચારોને હું કંટ્રોલ ન કરી શકું પણ હા, મને એટલું જરૂર થાય કે ગરબા રમવા વગર કામની ફેશન કરવાની કોઈ જરૂર નથી. તમે કેવા લાગો છો એના કરતા તમે કેટલા કમ્ફર્ટેબલ છો એ મારા માટે વધારે મહત્વનું છે.
હવે ચાલ મોડું થશે..એમ કહેતા બંને સખી ગરબે રમવા નીકળી..
જો કે સવાલ હજુ પણ એ જ છે કે ખરેખર બેકલેસ ચોલી, જીન્સની સાથે જુદી-જુદી રીતે શોર્ટ ટોપ, કે પછી શરીર દેખાતા વસ્ત્રો પહેરીને ગરબે રમવા જવું એ જરૂરી છે? કે પછી ફેશનના નામે કંઈ પણ પહેરવાની આ ખોટી રીત છે? હકીકતમાં નવરાત્રિ શક્તિની આરાધનાનું પર્વ છે. એમાં ગમે એવા વસ્ત્રો પહેરવા કેટલા યોગ્ય?
જો કે આ દરેક વ્યક્તિની અંગત પસંદ છે, કે એમને શું પહેરવું અને શુ ન પહેરવું.
નવલી નવરાત્રિ આદ્ય શક્તિની આરાધનાનું પર્વ
‘Reth the real ethnic ‘ (રીથ ધ રીયલ એથનિક) બુટીક ઓનર રેનાબહેન સુથાર ચિત્રલેખા.કોમને કહે છે, અમારા ત્યાં દરેક પ્રકારના ટ્રેડિશનલ ચણિયાચોળી મળે છે. જુદી-જુદી ફેશના બ્લાઉઝ, કેડિયા પણ રાખીએ છીએ. કારણ કે આજના યુથને કઇંક અલગ પહેરવું છે. એ એમના વિચારો છે. પણ મારા મંતવ્યની વાત કરું તો આજકાલ સ્વતંત્રતાના ઓઠા હેઠળ અંગ પ્રદર્શનને ખૂબ હળવાશ થી લેવામાં આવે છે. ઠીક છે એ બાબતે દરેક વ્યક્તિ પોતાના વિચારો સાથે સ્વતંત્ર છે. ફેશન આવે છે જાય છે. પણ એમાંથી કેટલું અપનાવવું અને કેટલું ત્યજવું તે આપણા સંસ્કાર પર આધારિત છે. તમે ક્લબમાં જાઓ છો, પાર્ટીમાં જાઓ છો ત્યારે વેસ્ટર્ન કલ્ચરને અનુસરીને પોશાક પહેરો છો. તો આ ભારતીય સંસ્કૃતિની છબી રજૂ કરતાં નવરાત્રિના પર્વમાં બેકલેસ ચોલી જીન્સમાં અંગ પ્રદર્શન શું કામ? આ નવલી નવરાત્રિ જે આદ્ય શક્તિની આરાધનાનું પર્વ છે. જ્યાં સૌની આસ્થા જોડાયેલી છે. મા અંબા, જગદંબાને રીઝવવા તન મનથી માતાના ચોકમાં ગરબા રમતા રમતા તે શક્તિ સાથે એક્ય સાધવાનું પર્વ છે. ત્યાં આપણે ક્યાંક ને ક્યાંક આવા પરિધાનથી કોઈની આસ્થાને ઠેસ તો નથી પહોંચાડતા ને ? કારણ કે આ આપણી સંસ્કૃતિ તો નથી જ.
નવરાત્રિ માત્ર ફેશન અને મજા કરવાનો ઉત્સવ નથી
યો વુમનિયા ગ્રુપના ચેર પર્સન અને ટ્રેડિશનલ પરિધાનનો બિઝનેસ કરતા સોનલબહેન સોની ચિત્રલેખા.કોમને કહે છે કે, “નવરાત્રિ માત્ર ફેશન અને મજા કરવાનો ઉત્સવ નથી, પરંતુ શક્તિની આરાધના અને સંસ્કારને જીવંત રાખવાનું પર્વ છે. નવરાત્રિમાં આપણે માતાજીની પૂજા કરી એમને પ્રકૃતિ અને શક્તિના રૂપમાં બિરદાવીએ છીએ. ફેશનથી કશો જ વાંધો નથી, પરંતુ શારીરિક દેખાવ કરતાં સંસ્કૃતિનું જતન વધુ મહત્વનું છે. બેકલેસ ચોલી અથવા જીન્સ-કુર્તા જેવા વસ્ત્રો છે, જેમાં વ્યક્તિગત આરામ અને ફેશનનો પ્રભાવ હોઈ શકે છે, પરંતુ આવા વસ્ત્રો ગરબા અને માતાજીની આરાધનામાં યોગ્ય નથી. નવરાત્રિમાં જે પોશાક પહેરાય છે એ માત્ર ફેશન માટે જ નહીં, પણ સાંસ્કૃતિક મૂલ્યનું પ્રતિનિધિત્વ પણ કરે છે. પરંપરાગત ચણિયાચોળી કે સાડી એ માત્ર વસ્ત્રો નથી, એ શ્રદ્ધા અને ધાર્મિક ભાવના સાથે જોડાયેલાં છે. મારી દ્રષ્ટિએ ગરબામાં શિસ્ત અને શાલિનતા એ ખૂબ જ મહત્વનું છે. ફેશન અને આધુનિકતા ધાર્મિક પ્રસંગોમાં પરંપરા સામે ન આવવી જોઈએ.”
બેકલેસ ચોલી, ટુંકા બ્લાઉઝ, કમર દેખાતા કેડિયા કે પછી પરંપરાગત ટ્રેડિશનલના નામે જીન્સ પર પહેરવામાં આવતી ટૂંકી કુર્તી પહેરવી એમાં જરાય વાંધો નથી. પરંતુ ચણિયાચોળી એક ઉચ્ચ પસંદગી છે, જેમાં આધુનિક ડિઝાઇન ઉમેરવા કોઈ વાંધો નથી, પણ શાલીનતા જાળવી રાખવી જોઈએ. ફેશનમાં ગમે એ કરાય પણ ધાર્મિક પ્રસંગ અને માતાજીની આરાધના હોય, ત્યારે સંસ્કૃતિનું માન રાખવું આવશ્યક છે.
વ્યક્તિગત પસંદગી દરેકનો અધિકાર છે. પરંતુ આદર અને સંસ્કારનો સમાવેશ કરતા વસ્ત્રોની પસંદગી કરવી વધુ યોગ્ય છે.
હેતલ રાવ