એક ઘર દરેક વ્યક્તિ માટે સૌથી મૂલ્યવાન મિલ્કત ગણાય છે. એ માત્ર રહેવા માટેનું સ્થાન નથી, પણ એના રહેવાસીઓની સામાજિક સ્થિતિ અને વૈભવી જીવનશૈલીને દર્શાવતું એક પ્રતિબિંબ છે. આજના સ્પર્ધાત્મક યુગમાં, માનસિક સંતોષ માટે પણ ભૌતિક સુખ-સુવિધાઓ મહત્વપૂર્ણ બની ગઈ છે, કેટલાક લોકો માટે વિશાળ મહેલનું માલિકી એ ગૌરવ અને પદપ્રતિષ્ઠાનું પ્રતીક બની જાય છે.
મોટાભાગના લોકો માટે જરૂરીયાત પ્રમાણેનું ઘર પર્યાપ્ત હોય છે, પરંતુ કેટલાંક માટે જિંદગીના સપનાને પૂર્ણ કરવા માટે ભવ્ય અને વિશાળ હવેલીઓ જરૂરી બની જાય છે. આ વિશાળ મહેલો માત્ર અદ્ભૂત આર્કિટેક્ચર માટે જાણીતા નથી, પરંતુ એમાં રહેલી અતિઆધુનિક સુવિધાઓ, આલીશાન બગીચા, અનંત પૂલ અને કેટલીક હવેલીઓમાં ગોલ્ફ કોષ જેવા વૈભવી સાધનો એને અનન્ય બનાવે છે.
આ ભવ્ય હવેલીઓની મહિમાને માત્ર દ્રશ્યરમ્યતા દ્વારા જ નહિ, પણ એમાં રહેલી હાઇ-એન્ડ ટેક્નોલોજી અને અસાધારણ શૈલી દ્વારા પણ માપી શકાય. ક્યારેક આ હવેલીઓની ભવ્યતા એટલી વિશાળ હોય છે કે આપણે કલ્પના પણ કરી શકતા નથી. તો ચાલો, વિશ્વના સૌથી ભવ્ય અને વિશાળ ઘરોની દુનિયામાં એક સફર કરીએ અને ટોચના 10 ઘર વિશે જાણીએ..
ઇસ્તાના નુરુલ ઇમામ પેલેસ, બ્રુનેઇ
વિશ્વનું સૌથી વિશાળ ઘર, ઇસ્તાના નુરુલ ઇમામ, જેનો અર્થ છે “ધ લાઇટ ઓફ ફેઇથ” પેલેસ, એ બ્રુનેઈના સુલતાનનું સત્તાવાર નિવાસસ્થાન અને સરકારની મુખ્ય બેઠક છે. આ ભવ્ય મહેલ બ્રુનેઈ નદીની ટેકરીઓ પર વસેલું છે અને 2.15 મિલિયન ચોરસ ફૂટના વિસ્તાર સાથે વિશ્વનું સૌથી મોટું ખાનગી નિવાસસ્થાન ગણાય છે. આ મહેલની શાનદાર રચના અને વિશાળતા અદ્ભૂત છે. જેમાં કુલ 1,788 રૂમ, 257 બાથરૂમ અને 5,000 મહેમાનોની ક્ષમતા ધરાવતો ભવ્ય બેન્ક્વેટ હોલ છે. મહેલમાં 1,500 લોકો માટેની વિશાળ મસ્જિદ પણ આવેલી છે. વાહન શોખીન માટે, 110-કાર ગેરેજ અને 200થી વધુ પોલો ટટ્ટુઓ માટે એર-કન્ડિશન્ડ સ્ટેબલ અહીં ઉપલબ્ધ છે. મહેલની વૈભવી સુવિધાઓમાં પાંચ વિશાળ સ્વિમિંગ પૂલ પણ શામેલ છે.
આ મહેલ સામાન્ય રીતે જાહેર જનતા માટે ખુલ્લો રહેતો નથી, પરંતુ દર વર્ષે ઈદ-ઉલ-ફિત્રના તહેવાર દરમિયાન ત્રણ દિવસ માટે મુલાકાતીઓ માટે પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. મહેલના શાનદાર આર્કિટેક્ચર પાછળ ફિલિપિનો વિસાયન આર્કિટેક્ટ લિએન્ડ્રો વી. લોકસિનનું દિગ્દર્શન છે, જ્યારે એનું નિર્માણ યુનાઇટેડ કિંગ્ડમની એક ખ્યાતનામ ફર્મ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહેલ 1984ના સમયગાળામાં પૂર્ણ થયો હતો અને આજે પણ વૈભવી વસાહત અને શાહી ગૌરવનું પ્રતિક છે.
બકિંગહામ પેલેસ – લંડન, યુનાઇટેડ કિંગડમ
બકિંગહામ પેલેસ વિશ્વની સૌથી જાણીતી અને વિશાળ શાહી હવેલીઓમાંની એક છે. જો કે એ ખાનગી માલિકીની મિલકત નથી, કારણ કે એ ક્રાઉન એસ્ટેટનો ભાગ છે. પરંતુ એ કિંગ ચાર્લ્સ ત્રીજાના સત્તાવાર નિવાસસ્થાનોમાંથી એક છે. લંડનના વેસ્ટમિન્સ્ટરમાં આવેલો આ મહેલ 1837થી યુકેના શાસકોનું સત્તાવાર નિવાસસ્થાન તરીકે કાર્યરત છે.
આ ભવ્ય પેલેસમાં કુલ 775 રૂમો છે, જેમાં 78 બાથરૂમ, 19 સ્ટેટ રૂમ અને વિશાળ ભવ્ય હોલ્સ શામેલ છે. ઉનાળાના મહિનાઓમાં મુલાકાતીઓ માટે 19 સ્ટેટ રૂમ ખુલ્લા રહે છે, જોકે એના માટે અગાઉથી બુકિંગ કરાવવું પડે છે. પેલેસની આસપાસ 42 એકર વિસ્તાર ધરાવતો સુંદર બગીચો પણ છે, જેનું નિર્માણ શાહી ભવ્યતાને વધુ ઉજાગર કરે છે.
બકિંગહામ પેલેસની ખાસિયતોમાં એક અનોખી ભૂગર્ભ ટનલ સિસ્ટમ શામેલ છે, જે એને સંસદ ભવન અને ક્લેરેન્સ હાઉસ સાથે જોડે છે. 1703માં આ મહેલનું નિર્માણ વિલિયમ વિન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું અને જોન નેશ દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. 828,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો આ મહેલ માત્ર રાજાશાહી પ્રભાવનું પ્રતિક જ નહીં, પણ એક ઐતિહાસિક વારસો પણ છે. એની અંદાજિત કિંમત આશરે $3.2 બિલિયન છે. આ પેલેસની શાનદાર સુવિધાઓમાં ડોક્ટરનું ક્લિનિક, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ, મૂવી થિયેટર અને ટેનિસ કોર્ટનો પણ સમાવેશ થાય છે, જે એને એક સ્વતંત્ર શહેર સમાન બનાવે છે.
બિલ્ટમોર એસ્ટેટ, એશવિલ
બિલ્ટમોર એસ્ટેટ, જે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઘર ગણાય છે, યુનાઈટેડ સ્ટેટ્સના ઉત્તર કેરોલિનાના એશવિલ ખાતે સ્થિત છે. એ માત્ર અમેરિકાનું સૌથી મોટું ખાનગી રહેઠાણ જ નથી, પરંતુ એક ઇતિહાસથી ભરપૂર સંગ્રહાલય અને આજે એક લોકપ્રિય પ્રવાસી આકર્ષણ પણ છે.
આ હવેલી જ્યોર્જ વોશિંગ્ટન વેન્ડરબિલ્ટ દ્વારા 1889થી 1895 વચ્ચે બાંધવામાં આવી હતી. એની ભવ્યતા અને વિશાળતાને જોતા, એમાં 250 શાનદાર રૂમ, 43 બાથરૂમ, 65 ફાયરપ્લેસ, 3 વિશાળ રસોડા અને કેટલીક નાયાબ એન્ટિક એલિવેટર્સ પણ છે. હવેલીના સૌથી મહત્વના રૂમો ગ્રાઉન્ડ ફ્લોર પર છે, જેથી ત્યાં સરળ પ્રવેશ મળી શકે. બિલ્ટમોર એસ્ટેટની એક ખાસિયત એ છે કે એ ઉત્કૃષ્ટ પાર્ક અને હરિયાળાભર્યા ખેતરોથી ઘેરાયેલું છે. આ હરિયાળીની જાળવણી માટે સમર્પિત પાણીના બે સ્ત્રોત બનાવવામાં આવ્યા છે, જે એને એક અનન્ય વૈભવી હવેલી બનાવે છે. દુનિયાના સૌથી મોટા ઘરોની યાદીમાં તેનો સમાવેશ થતો હોવાને કારણે, એ એક ભવ્ય ઈમારત ગણાય છે.
એન્ટિલિયા રેસિડેન્સ, મુંબઈ
વિશ્વની બીજી સૌથી મોટી ખાનગી રહેણાંક ઈમારત ગણાતી એન્ટિલિયા માત્ર એક ઘર નહીં, પરંતુ એક આધુનિક ગગનચુંબી ભવ્યતા છે. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની માલિકીની આ ઈમારતની સમગ્ર રચના વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત છે
મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર આવેલું આ 4,00,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું 27 માળનું ભવ્ય નિવાસ છે, જેનું બાંધકામ 2006માં શરૂ થયું હતું અને 2010માં પૂર્ણ થયું. પર્કિન્સ એન્ડ વિલ અને હિર્શ બેડનર એસોસિએટ્સના નિષ્ણાત આર્કિટેક્ટ્સ દ્વારા ડિઝાઇન કરાયેલ આ ઇમારતનું નામ ફેન્ટમ આઇલેન્ડ “એન્ટિલિયા” પરથી પ્રેરિત છે.
ઘરની સેવાસુવિધાઓને સંચાલિત કરવા માટે અંદાજે 600 સ્ટાફ સભ્યો કાર્યરત છે. એન્ટિલિયામાં અહીં 3 હેલિપેડ, એર ટ્રાફિક કંટ્રોલ, 168 કારની ગેરેજ, એક વિશાળ બોલરૂમ, 9 એલિવેટર, મૂવી થિયેટર, ટેરેસ ગાર્ડન, સ્વિમિંગ પુલ, સ્પા, હેલ્થ સેન્ટર, શાહી મંદિર, સ્નો રૂમ, આઈસ્ક્રીમ પાર્લર અને અનેક વૈભવી સુવિધાઓ શામેલ છે, જે આ ઈમારતને માત્ર એક ઘર નહીં, પરંતુ વૈભવ અને શક્તિનું એક પ્રતિક બનાવે છે.
જેમિની મેન્શન
જેમિની મેન્શન એક અદભૂત બીચફ્રન્ટ હવેલી છે, જે આશરે 696,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. ટેક બિલિયોનેર લેરી એલિસન દ્વારા 2022માં ખરીદાયેલ આ ભવ્ય નિવાસ 2,500 ફૂટ લાંબા બીચફ્રન્ટ સાથે સુશોભિત છે, જેમાં લેક વર્થ પર 1,300 ફૂટ અને એટલાન્ટિક મહાસાગર પર 1,200 ફૂટ વિસ્તારનો સમાવેશ થાય છે.
આ મહેલસમાન હવેલીની ડિઝાઇન 1940ના દાયકામાં પ્રખ્યાત આર્કિટેક્ટ મેરિયન સિમ્સ વાયથ દ્વારા કરવામાં આવી હતી. મૂળરૂપે, આ નિવાસ લેમ્બર્ટ ફાર્માસ્યુટિકલ પરિવારનું પ્રાઈવેટ હોમ હતું, જો કે હવે ઝિફ પરિવાર એની માલિકી ધરાવે છે. આ વૈભવી હવેલીમાં કુલ 33 બેડરૂમ છે, અને એ લક્ઝરી સુવિધાઓથી સમૃદ્ધ છે, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ટેનિસ કોર્ટ, ગોલ્ફ ફેસિલિટી, બાળકો માટે ટ્રીહાઉસ અને અનેક અનન્ય સુવિધાઓ શામેલ છે. આ હવેલી એની ભવ્યતા અને અનન્યતા માટે વિશ્વભરમાં પ્રશંસિત છે.
મેનોર
મેનોર જેને સ્પેલિંગ મેનોર તરીકે પણ ઓળખવામાં આવે છે, એક અદ્ભુત શાહી હવેલી છે. એ પહેલાં જાણીતા ટીવી નિર્માતા એરોન સ્પેલિંગની માલિકી હેઠળ હતી, જે પછી પેટ્રા એક્લેસ્ટોનએ ખરીદી હતી. હાલમાં, હવેલીના વર્તમાન માલિક અજ્ઞાત છે.
આ ભવ્ય હવેલી વ્હાઈટ હાઉસ કરતા પણ વિશાળ છે અને એક સામાન્ય અમેરિકન ઘરના કદ કરતા 20 ગણી મોટી છે. લોસ એંજલસના હોલ્મ્બી હિલ્સમાં સ્થિત, મેનોર અગાઉ બિંગ ક્રોસબીના જૂના ઘરની સાઇટ પર બાંધવામાં આવ્યું હતું. આજે, એ પ્રખ્યાત પ્લેબોય મેન્શનની બાજુમાં એક ભવ્ય ઇમારત તરીકે ઉભરી આવ્યું છે. એની વિશાળતા, વૈભવી ડિઝાઇન અને ઐતિહાસિક મહત્વને કારણે, મેનોર વિશ્વની એક પ્રખ્યાત હવેલી ગણાય છે.
સફ્રા મેન્શન, બ્રાઝિલ
સફ્રા મેન્શન, બ્રાઝિલની એક ભવ્ય હવેલી, જે 117,000 ચોરસ ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. આ મહેલ જેવા ઘરમાં 130થી વધુ શાનદાર રૂમો અને અનેક ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પૂલ સામેલ છે.
આ ભવ્ય હવેલી બ્રાઝિલના એક અગ્રણી પરિવારની માલિકી છે, જે અત્યંત ખાનગી જીવન જીવવાનું પસંદ કરે છે. ફોર્બ્સના અહેવાલ મુજબ, સફ્રા પરિવાર બ્રાઝિલમાં બીજા સૌથી ધનિક અને વૈશ્વિક સ્તરે એક સફળ બેંકિંગ ઉદ્યોગપતિઓમાંથી એક છે. સફ્રા મેન્શન એની વૈભવી સુખ-સગવડો અને શાનદાર આર્કિટેક્ચર માટે પ્રખ્યાત છે. જો કે, કુટુંબની ગોપનીયતા અને સુરક્ષાને કારણે આ ભવનના ઘણા ચિત્રો અથવા વિગતો જાહેર રૂપે ઉપલબ્ધ નથી, જે એને વધુ રહસ્યમય અને આકર્ષક બનાવે છે.
વિટનહર્સ્ટ, લંડન
વિટનહર્સ્ટ, લંડનની બીજી સૌથી મોટી ખાનગી હવેલી તરીકે ઓળખાય છે, જે આશરે 90,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. આ શાનદાર ઇમારતમાં ત્રણ માળ પર કુલ 65 રૂમો છે, જેમાં 25 વિશિષ્ટ શયનખંડો છે. આ હવેલીનો સૌથી મોટુ આકર્ષણ એનું ભવ્ય બોલરૂમ છે, જે એના વૈભવી આર્કિટેક્ચરની છાપ મૂકે છે. 1774માં આ મિલકત ‘પાર્કફિલ્ડ’ તરીકે ઓળખાતી હતી, અને પછીના વર્ષોમાં એના માલિકોમાં ઘણીવાર ફેરફાર થયા.
2008માં, એક રશિયન અબજોપતિએ વિટનહર્સ્ટ હવેલી ખરીદી, અને ત્યારથી એ વ્યક્તિગત માલિકીના ભાગરૂપે રહેલી છે. સમયાંતરે, આ મહેલ એની વૈભવી ડિઝાઇન અને ઐતિહાસિક મહત્તવને કારણે ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
આધુનિક વર્સેલ્સ, ફ્લોરિડા
આધુનિક વર્સેલ્સ એ એક વૈભવી હવેલી છે, જે 85,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી છે. આ અદ્ભુત ઈમારત વેસ્ટગેટ રિસોર્ટના માલિકની માલિકીની છે અને એનું નિર્માણ ફ્રાન્સના પ્રખ્યાત પેલેસ ઓફ વર્સેલ્સથી પ્રેરિત છે. આ ભવ્ય હવેલી 2004માં બાંધકામ માટે પ્રારંભ થઈ અને 2019 સુધી એનું કામ ચાલુ રહ્યું. એમાં 14 વિશાળ શયનખંડ, 11 સુસજ્જ રસોડા, ઇન્ડોર અને આઉટડોર સ્વિમિંગ પૂલ, એક વિશાળ વાઇન ભોંયરું અને બે ટેનિસ કોર્ટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. આ વિશાળ મહેલની ડિઝાઇન અને વૈભવી સુવિધાઓ એને વિશ્વની સૌથી ભવ્ય ખાનગી રહેઠાણોમાં સ્થાન અપાવે છે.
લા રેવરી, પામ બીચ
લા રેવરી એ એક ભવ્ય અને વૈભવી હવેલી છે, જે પામ બીચમાં સૌથી સુંદર અને ભવ્ય ઘરોમાંની એક ગણાય છે. મેટ્રિક્સ એસેન્શિયલ્સના સહ-સ્થાપક સિડેલ મિલર એ 1990માં આ મિલકત માટે જમીન એકત્રિત કરી હતી અને ત્યારથી આ હવેલી એક મહાન ગૌરવ સમાન બની ગઈ છે.
આ ત્રણ માળની વિશાળ હવેલીમાં 10 વૈભવી શયનખંડ અને એક વિશાળ ભોંયરું છે. આ ઉપરાંત, એનું સૌથી મોટું આકર્ષણ એ છે કે એ 350 ફૂટ લાંબા સમુદ્ર કિનારે ફેલાયેલું છે, જે એને વધુ સુંદર અને શાનદાર બનાવે છે. લા રેવરી માત્ર એક હવેલી નહીં, પણ એક વૈભવી અને શાંતિપૂર્ણ જીવનશૈલીનું પ્રતિક છે, જે પામ બીચના અગ્રણી સેલિબ્રિટી ઘરોમાં સ્થાન મેળવે છે.
હેતલ રાવ
