વર્કપ્લેસ પર જરૂર છે ‘નો મીન્સ નો’ ની!

એ મારી સામે જ્યારે પણ જોવે છે ત્યારે મને લાગે છે કે જાણે એ આંખોથી મારો બળાત્કાર કરતો હોય. ઘણી વખત મેં એના તરફ તીક્ષ્ણ નજરે જોયું છે પણ ખરું. એને ખબર પણ છે કે એનું આ રીતે જોવું મને જરાય નથી ગમતું છતાં પણ જાણે ઓફીસના બોસ તરીકે એને કોઈએ અધિકાર આપી દીધો હોય એમ એની ગંદી હરકતમાંથી બહાર નથી આવતો.આ શબ્દો અમદાવાદની એક જાણીતી કંપનીમાં સારા હોદ્દા પર કામ કરતી 40 વર્ષીય જ્યોતિ કાદંબરી (નામ બદલ્યું છે)ના છે.

જ્યોતિ ચિત્રલેખા.કોમને કહે છે, વગર કારણે એ મને એની કેબિનમાં બોલાવે છે, માથાથી લઈને પગ સુધી એ ખૂબ ખરાબ નજરે મને વારંવાર જોવે છે, એટલું જ નહીં ઘણીવાર સામે આવી જાય તો અડકીને નિકળી જાય છે. હું એનાથી એટલી પરેશાન થઈ ગઈ હતી કે કંપનીના મુખ્ય સરને વાત કરી, એમણે મને કહ્યું કે આ તમારા મોઢે પહેલી વખત સાંભળ્યું, એના વિરોધમાં તો કયારેય ફરિયાદ જ નથી આવી. તમે નવા છો, એ તો વર્ષોથી આ કંપનીમાં કામ કરે છે, હા બની શકે, પહેલા મહિલા સ્ટાફ ઓછો હતો, માટે કોઈ ફરિયાદ ન આવી હોય. એક કામ કરો તમે એના મોઢા પર ચોખ્ખું સંભળાવી દો, જરૂર પડે તો હાથ પણ ઉપાડજો. અમે તમારી સાથે છીએ. મારા બોસની આ વાત મને યોગ્ય ન લાગી, કારણ કે પોતે એ નફ્ફટ માણસને કશું જ કહેવા તૈયાર ન હતા. પહેલા તો નોકરી છોડવાનો વિચાર કર્યો પણ પછી સમજાયું કે કાગડા તો બધે કાળા જ હશે. માટે મેં કાયદાકીય કાર્યવાહી કરી.

જ્યોતિએ તો હિંમત કરી અને અવાજ ઉઠાવ્યો, પરંતુ અનેક મહિલાઓ એવી છે જે વર્કપ્લેસ પર થતી જાતીય હેરાનગતિ સામે ચૂપકી સાધે છે. આખરે કેમ ? હરણફાળ ભરતા યુગમાં પણ મહિલાઓએ કામ કરવાના સ્થળે કેમ આવી યાતનાઓ સહન કરવી પડે છે?

ઈન્ડિયન નેશનલ બાર એસોસિએશન (આઈએનબીએ) દ્વારા કરવામાં આવેલા એક સરવે પ્રમાણે વર્કપ્લેસ પર જાતીય શોષણનો ભોગ બનેલી લગભગ 70 ટકા મહિલાઓ પોતાના અધિકારીને ફરિયાદ નથી કરતી. આઈટી કંપનીમાં જાતીય શોષણના સૌથી વધુ કેસ બને છે. કુલ કેસમાંથી 65 ટકા આઇટી અને કમ્પ્યુટર સર્વિસિસ કંપનીના હોય છે. એને બાદ કરતા બેન્ક અને ફાઇનાન્સિયલ કંપનીઓમાં મહિલાઓનું જાતીય શોષણ વધુ થાય છે. જેનું પ્રમાણ લગભગ 12 ટકા જેટલું છે. જોકે અન્ય એક વાત એ પણ સામે આવી છે કે 40 ટકા આઈટી કંપનીઓમાં ફરિયાદ કરવા માટે ઈન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી જ નથી.

મહિલાએ ના કહેવું જ પડશે

મહિલાઓ માટે કામ કરતી સંસ્થા ઇસાર (ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એક્શન એન્ડ રિસર્ચ)નું નેતૃત્વ કરતા ચિન્મયી જોશી (સેજલ) ચિત્રલેખા.કોમને કહે છે, “વર્કપ્લેસ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ થાય છે એ વાત નવી બાબત નથી. કારણ કે સ્ત્રી અને પુરુષનું ઘડતર જ એ રીતે થયું છે. પુરુષ એવું સમજે છે કે આવું તો હું કરી શકું અને એમાં કોઈ વાંધો ન હોય, સામે મહિલાને એમ છે કે મારી સાથે આવું કઇં થાય તો મારે ચૂપ રહેવાનું, સહન કરવાનું અને કઈ બોલવાનું નહીં. કારણ કે હું કંઈ બોલીશ તો મારી અને મારા કુટુંબની આબરૂ જશે. પરંતુ આ માનસિકતા બદલવી જોઈએ. મહિલાઓએ સમજવું પડશે કે તમને ન ગમે તો ના કહી શકો છો અને કહેવું જ જોઈએ. એની માટે આંખો નીચી કરવાની કોઈ જરૂર નથી. અન્ય એક વાત એ પણ છે કે સ્ત્રીઓ માટે કોઈ નિશ્ચિત સુરક્ષિત જગ્યા નથી. મહિલાએ જાતે જ એ જગ્યા બનાવી પડશે. પરુષોએ સમજવાની જરૂર છે કે તમે ઇચ્છો એની સાથે તમારી ઇચ્છા પ્રમાણેનું વર્તન ન કરી શકો, જો સામેની વ્યક્તિ પોતાની આંખોથી કે પોતાના બિહેવિયરથી ના કહી રહી હોય તો સમજવું પડે. આટલું બંને પક્ષે થશે તો ગંભીર ગુનાહ નહીં થાય. પરિવારે પણ આવા સમયે ઘરની દિકરી કે મહિલાને કશુ કહેવા કરતા એને સપોર્ટ કરવો પડે.”

વર્કપ્લેસ પર યૌન શોષણ કે જાતિય સતામણી માત્ર નૈતિક રીતે જ નહી પરંતુ કાયદાની દ્રષ્ટિએ પણ ગુનો છે. જેને માટે દેશમાં કડક કાયદાનું ઘડતર કરવામાં આવ્યું છે.  1997માં સુપ્રીમ કોર્ટે વિશાખા ગાઇડલાઇન આપી હતી. જે પછી 2013ના ડિસેમ્બર મહિનામાં બદલીને પ્રિવેન્શન ઓફ સેક્સુઅલ હરેસમેન્ટ ઓફ વુમન એટ વર્ક પ્લેસ એક્ટ લાગુ કરાયો હતો. આ સાથે ક્રિમિનલ લો એમેન્ડમેન્ટ એક્ટ 2013 પણ જાતિય સતામણી વિરૂદ્ધ સખત કાયદો છે. આ કાયદા હેઠળ આવતા ગુનામાં સજાની અલગ-અલગ જોગવાઈ કરવામાં આવી છે.

મહિલાએ સેફ્ટી સાઈડ સમજવી જરૂરી

અમદાવાદની ફેમિલી કોર્ટના વકીલ ઉન્નતી એ.ઠાકર ચિત્રલેખા.કોમને કહે છે, મહિલાઓ પોતાની સેફટી સાઈડ સમજવી જરૂરી છે, સહેજ પણ કઇં લાગે તો પોતાની લાલ આંખ કરીને સામેવાળાને સમજાવું પડે. જરૂર પડે તો કાયદાકીય કાર્યવાહી કરવી જ જોઈએ. પોતાની સુરક્ષા ન લાગે એ જગ્યા છોડી દેવી જોઈએ. મહિલાઓની આ સમસ્યા તો લગભગ દરેક જગ્યાએ રહેવાની જ કામ નાનું હોય કે મોટું કોર્પોરેટ જગત હોય કે પછી રસ્તા પર કામ કરતી મહિલા આ સિચ્યુએશન તો ક્યારેક ને ક્યારેક કોઈને ફેસ કરવી જ પડે છે. માટે પહેલેથી જ એની માટે સજાગ બની જરૂર પોતાનું પ્રોટેક્સન  જાતે જ કરવું જોઈએ.

વર્કપ્લેસ પર મહિલાઓની જાતીય સતામણીનો કાયદો શું છે?

‘POSH ACT 2013’ એટલે કે ઓફિસમાં મહિલાઓને જાતીય સતામણીથી બચાવવા માટે ‘પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્ક પ્લેસ ‘ બનાવવામાં આવ્યો છે. જો કોઈ ઓફિસમાં ખોટું કરે છે તો આ એક્ટ હેઠળ ફરિયાદ કરી શકાય છે. આ કાયદા હેઠળ ફરિયાદની તપાસ 90 દિવસમાં પૂર્ણ કરવી જરૂરી છે. જેની માટે દરેક કંપનીમાં કમિટીની રચના કરવી ફરજીયાત છે. એટલું જ નહીં આ કમિટીમાં ઓછામાં ઓછી ચાર મહિલાઓનો સમાવેશ કરવામાં આવે છે.

પોતાની બાઉન્ડ્રી જાતે નક્કી કરો

 

અમદાવાદના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ ડો. ઉષ્મા અધ્યારુ ચિત્રલેખા.કોમને કહે છે જયારે પણ ઓફિસમાં કામ કરીએ ત્યારે ઘણી બધી સિચ્યુએશન માંથી પસાર થવું પડે છે. માટે આવા સમયે માત્ર કામ પર ફોક્સ રાખવું જરૂરી છે. ઓફિસમાં બોસ હોય કે પછી કલીગ પોતાની બાઉન્ડ્રી જાતે જ નક્કી કરી લેવાની હોય છે. એક લીમીટથી બહારની છૂટ કોઈને પણ આપવી જોઈએ નહીં. ખાસ કરીને જ્યારે ઓફીસના કામથી ટૂર પર જવાનું થાય ત્યારે સેફ્ટી ટૂલ્સ જેવા કે મીની ફ્લેસ લાઈટ, પેપર સ્પ્રે હોય અવશ્ય સાથે રાખવા. ઓફિસથી ઘરનું અંતર વધારે હોય કે પછી ટૂરમાં હોવ ત્યારે પોતાનું લોકેશન ઓન રાખવું જોઈએ. જેથી પરિવારનું કોઈ પણ સદસ્ય તમારો સંપર્ક કરી શકે અને તમે કોઈ પરિસ્થિતીમાં ફસાયા હોય તો મદદ પણ કરી શકે. મક્કમ તો મહિલાઓએ જ થવાનું છે.

નોંધનીય બાબત છે કે ભારત જેવા દેશમાં આ મામલે કડક કાયદા હોવા છતાં એમની જાણકારીના અભાવે પીડિતા પોતાની સાથે થઇ રહેલા અન્યાયનો વિરોધ કરી શકતી નથી કે એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં અસમર્થ રહે છે.

હેતલ રાવ