સેકન્ડ શિફ્ટઃ મહિલાની અવાજ વિહોણી લડત

સંસ્કૃતિ 35 વર્ષની મધ્યમવર્ગીય મહિલા સવારે નવ વાગ્યે ઓફિસે જાય છે. બેંકમાં ક્લાર્ક તરીકે આખો દિવસ ગ્રાહકોની ભીડ, કાગળોની ફાઇલો અને ડેડ લાઇન્સની દોડધામમાં પૂર્ણ થાય. સાંજે છ વાગે ઘરે પહોંચે ત્યારે એની બીજી શિફ્ટ શરૂ થાય. રસોડામાં રાત્રિનું ભોજન બનાવવું, બે નાના બાળકોના હોમવર્ક, ઘરની સફાઈ, સવારે ઉતાવળમાં બાકી રહેલા કામ, પરિવારની નાની-મોટી જરૂરિયાત પૂરી કરવી આ બધું એના શિરે.

સંસ્કૃતિનો પતિ સુજલ ઓફિસેથી આવીને ટીવી સામે બેસી જાય, પણ સંસ્કૃતિને આરામની એક ક્ષણ પણ નથી મળતી. એની બે વર્ષની દીકરી રીયા, એની સાથે રમવાની જીદ કરે, જ્યારે આઠ વર્ષનો દીકરો આરવ ગણિતના પ્રશ્નો પૂછે. સસરાને વહેલા જમવા જોઈએ. સાસુમાને જમતા પહેલાં દવા આપવાની. નાની બાબતોમાં એમની સલાહ લેવાની. આ બધું સંસ્કૃતિ ખામોશીથી નિભાવે છે. જેના માટે ન તો એને પગાર મળે છે, ન તો કોઈ પ્રશંસા, છતાં એ રોજ આ બીજી શિફ્ટ પૂરી કરે છે.

ઘણીવાર રાત્રે બધું પૂરું કરીને એ નવરી પડે ત્યારે ઘડિયાળમાં 12 ટકોરા થાય. એ સવારે પાંચનું એલાર્મ મૂકી આંખો મીચે. આ મહિલાની આંખોમાં થોડી નિરાશા અને થોડો સંતોષ હોય છે. નિરાશા એટલે કે પોતાનો થાક, પોતાની સ્થિતિ કોઈ જોઈ ન શક્યું, અને સંતોષ એટલે પરિવારની ખુશ જોવાનો.

સંસ્કૃતિ જેવી અનેક મહિલાઓની આ સેકન્ડ શિફ્ટ એક અવાજ વિહોણી લડત છે, જે તેઓ રોજ ખામોશીથી લડે છે, પોતાના પરિવાર માટે, પોતાની જવાબદારીઓ માટે. શું મહિલાઓની આ સેકન્ડ શિફ્ટ વિશે ક્યારેય કોઈ વિચારે છે?

 ..તો મહિલાઓને સેકન્ડ શિફ્ટનો બોજ ઉઠાવવો નહીં પડે

ડૉ. જાગૃતિ કોઠારી જણાવે છે કે, પહેલાંના સમયમાં પુરુષ બહારનું કામ સંભાળતો અને સ્ત્રી ઘરનું વ્યવસ્થાપન કરતી, જેથી ઘરની વ્યવસ્થા સુચારુ રહે. પરંતુ આજના સમયમાં આર્થિક જવાબદારી અને ખર્ચાઓ એટલા વધી ગયા છે કે એકલા પુરુષની કમાણીથી સંસાર ચાલતો નથી. આથી મહિલાઓએ પણ નોકરી કરીને આર્થિક રીતે પરિવારને ટેકો આપવો પડે છે. જોકે, આ નવી ભૂમિકા ઉમેરાયા પછી પણ ઘરના કામોની જવાબદારી મુખ્યત્વે મહિલાઓ પર જ રહે છે, જેનાથી તેમની ‘સેકન્ડ શિફ્ટ’ શરૂ થાય છે.

ડો. જાગૃતિ કોઠારી કહે છે કે, “જો પતિ-પત્ની બંને નોકરી કરતા હોય અને પતિ વહેલો ઘરે આવે, તો એ આરામ કરે છે. પરંતુ જ્યારે પત્ની ઘરે પહોંચે,  ત્યારે એને સૌથી પહેલા ચા બનાવવી પડે છે, અને પછી બંને સાથે ચા પીવે. જો પતિ વહેલા આવે, તો પણ એ ચા બનાવવાનું વિચારતો નથી. આનું કારણ એ છે કે સમાજે અને ખાસ કરીને માતાઓએ પુરુષોને ઘરકામમાં સહભાગી થવાનું શીખવ્યું નથી. જેમ મહિલા આર્થિક રીતે પરિવારને મદદ કરે છે, એમ પુરુષે પણ ઘરના કામમાં સહયોગ આપવો જોઈએ. આ પરિસ્થિતિ બદલવા માટે માતાએ પોતાના પુત્રોને નાનપણથી જ ઘરકામની તાલીમ આપવી જોઈએ. જો પુરુષ ઘરના કામમાં સમાન ભૂમિકા નિભાવે તો મહિલાઓને સેકન્ડ શિફ્ટનો બોજ ઉઠાવવો નહીં પડે.”

આ મુશ્કેલીનો હલ છે!

મહિલાઓ માટે સેકન્ડ શિફ્ટ એટલે ઓફિસ પછી ઘરના કામનો પડકારજનક તબક્કો. આત્મનિર્ભરતા માટે નોકરી કરતી મહિલાઓ ઘરે પહોંચે ત્યારે રસોડું, બાળકો અને પરિવારની જવાબદારીઓનો બોજ ઉઠાવે છે, જેનાથી શારીરિક-માનસિક થાક અનુભવાય. આ ઉપરાંત, પરિવાર અને મિત્રો સાથે સમય ઓછો મળવાથી સંબંધોમાં તણાવ આવે છે. સામાજિક પ્રસંગમાં હાજરી ઘટે છે. આ બધામાં પોતાના સ્વાસ્થ્યની અવગણના થાય છે, અને નારીવાદનો ટેગ જાળવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા નેઇલ આર્ટીસ્ટ જીનલ પટેલ કહે છે કે “મહિલાઓએ આ મુશ્કેલીનો ઉકેલ શોધી શકે છે.  આજની મહિલાઓ પતિ કે પરિવારના સભ્યોની મદદ લઈ, બાળકો માટે કેરટેકરનો ઉપયોગ કરી, કામના કલાકો ઘટાડતી સંસ્થાઓ સાથે જોડાઈને જવાબદારીઓ વહેંચે છે. બજેટ બનાવી આર્થિક તણાવ ઘટાડે છે, સ્વાસ્થ્ય માટે સારી આદતો અપનાવે છે. પારિવારિક સહયોગ અને ધૈર્યથી મહિલાઓ આ અવાજવિહોણી લડત જીતી શકે છે, જેનાથી તેઓ ઘર અને કાર્યસ્થળ બંનેમાં સંતુલન જાળવી, આત્મનિર્ભરતા અને નારીવાદને સાચા અર્થમાં ન્યાય આપે.”

મહિલાને સહયોગ આપવો પરિવારની જવાબદારી

મહિલાઓના જીવનમાં ઘરકામ, નોકરી અને જવાબદારીઓ અભિન્ન અંગ બની ગયા છે. આ બધું હસતા મોઢે કરવાનું દબાણ ઓફિસ, ઘર અને સમાજ તરફથી સતત રહે છે. ઓફિસના થાકેલા દિવસ પછી ઘરે પહોંચતા પણ રસોડું, બાળકોની સંભાળ અને ઘરના કામોની જવાબદારી મહિલા પર જ આવે છે. આધુનિક યુગમાં પણ ઘણી જગ્યાએ આ વિચારધારા બદલાઈ નથી, જે મહિલાઓની સેકન્ડ શિફ્ટને વધુ ભારે બનાવે છે.

એલઆઈસીમાં કામ કરતાં પલ્લવી મકવાણા ચિત્રલેખા.કોમને કહે છે કે, પરિવાર, ખાસ કરીને પતિએ એ  સમજવું જરૂરી છે કે ઘરની સ્ત્રી પછી એ દીકરી, માતા, બહેન, ભાભી કે પત્ની હોય. જ્યારે બહાર જઈને નોકરી કરે છે અને પરિવારને આર્થિક ટેકો આપે છે, ત્યારે એની સેકન્ડ શિફ્ટનો બોજ હળવો કરવો એ પરિવારની જવાબદારી છે. પુરુષ અને ઘરના અન્ય સભ્યોએ ઘરકામમાં સહયોગ આપવો જોઈએ. આ સહયોગથી મહિલાઓનો શારીરિક-માનસિક થાક ઘટશે. એમને પોતાના માટે સમય મળશે.”

જો પરિવાર સમાન જવાબદારી વહેંચે, તો સેકન્ડ શિફ્ટનો ખ્યાલ નાબૂદ થઈ શકે છે, અને મહિલાઓ ઘર-કાર્યસ્થળ બંનેમાં સંતુલન જાળવી, વધુ સશક્ત અને આનંદી જીવન જીવી શકશે.

હેતલ રાવ