ભારતમાં દિવાળી માત્ર ઉત્સવ જ નહી પરંતુ એનાથી પણ કંઇક વિશેષ છે. માટે જ ઘણીવાર વાત વાતમાં લોકો કહે પણ છે કે તારા કરતા વધારે દિવાળી જોઈ છે. પ્રકાશના આ પર્વની ઉજવણી સમગ્ર દેશમાં
ગુજરાત
આમ તો ગુજરાતીઓ દરેક તહેવારની ઉજવણી રંગેચંગે કરે છે. પરંતુ દિવાળી એમના માટે વિશેષ તહેવાર છે. પ્રકાશના આ પર્વની ઉજવણી ગુજરાતમાં અગિયારસથી લઈને છેક લાભપાંચમ સુધી ચાલે છે. ગુજરાતમાં દરેક વ્યક્તિ દિવાળીની આગલી રાત્રે પોતાના ઘરની સામે રંગોળી બનાવે છે. આખા ઘરને દિવાથી ઝગમગાવે છે, ઘરની સાફ સફી કરવી, નવો સામાન ખરીદવાનો, નવા કપડા, ફરસાણ અને મિષ્ટાન બનાવવા એ ગુજરાતીઓની આગવી ઓળખ છે. અહીં દિવાળી દરમિયાન દેવી લક્ષ્મીના સ્વાગતનું વિશેષ મહત્વ છે. ખાસ કરીને દિવાળી પછી પડવાના દિવસે ગુજરાતીઓનું નવુ વર્ષ શરૂ થાય છે. લોકો એકબીજાના ઘરે જઈને નવા વર્ષની શુભેચ્છા આપે છે.
ઓરિસ્સા
ઓરિસ્સામાં, પ્રથમ દિવસે ધનતેરસ, બીજા દિવસે મહાનિષા અને કાલી પૂજા, ત્રીજા દિવસે લક્ષ્મી પૂજા, ચોથા દિવસે ગોવર્ધન અને અન્નકૂટ પૂજા અને 5માં દિવસે ભાઈદૂજ ઉજવવામાં આવે છે. આદ્ય કાલી પૂજાનું અહીં વિશેષ મહત્વ છે.
બિહાર
બિહારના કોશીમાં હુક્કાપાતીનો અનોખો રિવાજ છે. શણની મજબૂત સળીમાંથી બનેલી લાકડીમાંથી હુક્કાપાતી બનાવ્યા વગર રીવાજ અધૂરો છે. દિવાળીના દિવસે આ ઘરોમાં હુક્કાપાતી રમે છે. પરંપરા મુજબ હુક્કાપાતીને લોકો પોતાના ઘરના ખૂણામાં પ્રગટાવીને લક્ષ્મી ઘર દરિદ્ર બહાર એવા શબ્દો ઉચ્ચારે છે. આ હુક્કાપાતીને ઘરે ઘરે ધૂમાવવામાં આવે છે. હુકકાપાતી બહાર કાઢયા વગર લોકો બહાર નિકળતા નથી. ઘરની બહાર કે ખેતર કે સડક પર હુકકાપાતી રાખીને પાંચ વાર તેને લાંઘવમાં આવે છે. દિવાળીના દીવા,પૂજા પાઠ અને હુક્કાપાતિને જરુર ખરીદે છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં દિવાળીનો તહેવાર 4 દિવસ સુધી ચાલે છે. વસુ બારસ પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે જે દરમિયાન આરતી ગાતી વખતે ગાય અને વાછરડાની પૂજા કરવામાં આવે છે. ધનતેરસનો તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વેપારી લોકો એમના પુસ્તકો અને હિસાબની પૂજા કરે છે. આ પછી નરક ચતુર્દશી પર સૂર્યોદય પહેલા સ્નાન કરવાની પરંપરા છે. સ્નાન કર્યા પછી આખો પરિવાર મંદિર જાય છે. દિવાળી ચોથા દિવસે ઉજવવામાં આવે છે, જ્યારે દેવી લક્ષ્મીની પૂજા કરતા પહેલા પરંપરાગત વાનગીઓ જેમ કે કરંજી, ચકલી, લાડુ, સેવ વગેરે બનાવવામાં આવે છે.
હરિયાણા
હરિયાણાના ગામડાઓમાં લોકો જુદી જ રીતે દિવાળી ઉજવે છે. આ તહેવારના થોડા દિવસો પહેલા લોકો એમના ઘરમાં કલર કામ કરાવે છે. ઘરની દીવાલ પર અહોઈ માતાની તસવીર બનાવવામાં આવે છે. જેના પર ઘરના દરેક સભ્યનું નામ લખેલું હોય છે. એ પછી આખા આંગણાને મીણબત્તીઓ અને દીવાઓથી શણગારવામાં આવે છે. દરેક ઘરમાંથી 4 દીવા ચાર રસ્તા પર મુકવામાં આવે છે જેને ટોના કહેવામાં આવે છે.
તમિલનાડુ
ભારતીય હિંદુ સંસ્કૃતિ હજુ પણ દક્ષિણ ભારતમાં એના મૂળ સ્વરૂપમાં ટકી રહી છે. અહીં દિવાળીના એક દિવસ પહેલા ઉજવાતી નરક ચતુર્દશીનું વિશેષ મહત્વ છે. અહીં તહેવાર માત્ર 2 દિવસ ચાલે છે. આ દિવસે દીવો પ્રગટાવવો, રંગોળી બનાવવી અને નરક ચતુર્દશી પર પરંપરાગત સ્નાન કરવાનું વધુ મહત્વ છે.
આંધ્રપ્રદેશ
આંધ્રમાં, દિવાળી દરમિયાન, ઘણા વિસ્તારોમાં હરી કથાની સંગીતમય પ્રસ્તુતિ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણની પત્ની સત્યભામાએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, તેથી સત્યભામાની માટીની મૂર્તિની પ્રાર્થના કરવામાં આવે છે.
કર્ણાટક
કર્ણાટકમાં દિવાળી મુખ્યત્વે 2 દિવસે ઉજવવામાં આવે છે. પ્રથમ અશ્વિજા કૃષ્ણ અને બીજી બાલી પદયામી જેને નરક ચતુર્દશી કહેવામાં આવે છે. અહીં એને અશ્વિજ કૃષ્ણ ચતુર્દશી કહેવામાં આવે છે. આ દિવસે લોકો તેલ સ્નાન કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યા પછી, એમના શરીરમાંથી લોહીના ડાઘ દૂર કરવા માટે તેલ સ્નાન કર્યું હતું. દિવાળીના ત્રીજા દિવસને બાલી પદયામી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મહિલાઓ ઘરે રંગોળી બનાવે છે અને ઘરને ગાયના છાણથી ઢાંકે છે. આ દિવસે મહિલાઓ ઘરે રંગોળી બનાવે છે અને ઘરને ગાયના છાણથી લીપેછે. આ દિવસે રાજા બલી સાથે જોડાયેલી કથાઓ ઉજવવામાં આવે છે.
મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના રાજ્યોમાં દિવાળીનો તહેવાર 5 દિવસ સુધી ચાલે છે. અહીંના આદિવાસી વિસ્તારોમાં દીવાનું દાન કરવાનો રિવાજ છે. આ પ્રસંગે આદિવાસી સ્ત્રી-પુરુષો નૃત્ય કરે છે. અહીં ધનતેરસના દિવસથી યમરાજના નામનો દીવો પણ પ્રગટાવવામાં આવે છે. આ દીવો ઘરના મુખ્ય દ્વાર પર લગાવવામાં આવે છે જેથી ઘરમાં મૃત્યુ પ્રવેશ ન કરે. ઉપરાંત અહીંના ગામોમાં રંગોળીને બદલે માંડણે બનાવવાની પરંપરા પ્રચલિત છે.
રાજસ્થાન
રાજસ્થાનમાં કેટલાક સ્થળે દિવાળીએ શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. રાજસ્થાનના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં બિલાડીને લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવે છે. પૂજા કર્યા પછીનો પ્રથમ પ્રસાદ બિલાડીને ખવડાવવામાં આવે છે. એ દિવસે બિલાડીને ઘરમાં આવવા જવાની છૂટ હોય છે. એ ઘરમાં નુકસાન કરે તો પણ એને હાંકી કાઢવામાં આવતી નથી.
હિમાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ બુઢી દિવાળી મનાવવાની પરંપરા છે. દિવાળી વિતી ગયાના એક મહિના પછી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામ લંકાથી અયોધ્યા પધાર્યા એની જાણ હિમાચલપ્રદેશના અંતરિયાળ વિસ્તારના લોકોને મોડી થઇ હતી. આથી એમની દિવાળી એક મહિના પછી ઉજવાય છે .
તેલંગાના
તેલંગાનામાં ધામમૂમથી દિવાળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે. ધનતેરસ,નરક ચતુદર્શી,દીપાવલી, ગોવર્ધન પૂજા વગેરે મનાવવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં ગાયોની પૂજા કરવામાં આવે છે. ગાયને નદી નાળા કુવા અને સરોવર પાસે સવારે લઇ જઇને સ્નાન કરાવે છે. ત્યાર પછી ગાયને સજાવે છે. ગાયને શણગારવાનો કાર્યક્રમ બપોરે ૨ વાગ્યા સુધી ચાલે છે. ખેતરમાંથી ગાયને ઘરે લઇ જવામાં આવે છે. મહિલાઓ ગાયના પગ ધૂએ છે. પૂજા અને આરતી કરે છે અને નૈવેધ ધરાવે છે.
છત્તીસગઢ
છતીસગઢના બસ્તરમાં દિવાળીના તહેવારના સમયમાં દિયારી ઉજવાય છે. એનો મતલબ પશુધન અને પાકનું રક્ષણ અને વૃધ્ધિ એવો થાય છે. ઘમતરી જિલ્લાના સેમરા (સી)ગામમાં દરેક તહેવાર એક અઠવાડિયું વહેલા ઉજવવામાં આવે છે. ભારતનું એક માત્ર ગામ જયાં બધા જ તહેવારો વહેલા ઉજવાય છે. ભારતમાં દિવાળીનો તહેવાર શરુ થાય ત્યારે ગામ લોકો ઉજવીને પરવરી રહયા હોય છે. આ ગામ પોતાની વિશિષ્ટ પરંપરા અને સભ્યતા માટે જાણીતું છે.
હેતલ રાવ