એકલતાની નવી પરિભાષાઃ ‘સાઇલેન્ટ ડિવોર્સ’

સવારનો સૂરજ રોજની જેમ જ ઊગ્યો હતો, પણ સ્નેહા અને રાજેશના જીવનમાં પથરાયેલો પ્રકાશ જાણે બરફ જેવો ઠંડો હતો. લગ્નને પચ્ચીસ વર્ષ વીતી ગયા, બાળકો મોટા થઈને પોતપોતાની જિંદગી અને કેરિયરમાં વ્યસ્ત થઈ ગયા. ડાઈનિંગ ટેબલ પર બંને સામસામે બેઠાં હતાં, વચ્ચે માત્ર બે ફૂટનું અંતર હતું, પણ મન વચ્ચે જાણે જોજનો લાંબી ખાઈ પડી ચૂકી હતી. રાજેશ મોબાઈલમાં માથું નાખીને ઈમેલ ચેક કરી રહ્યો હતો અને સ્નેહા ચૂપચાપ ચાના કપમાંથી નીકળતી વરાળને તાકી રહી હતી. કોઈ ઝઘડો નહોતો, કોઈ બૂમાબૂમ નહોતી કે નહોતો કોઈ વાસણ પછડાવાનો અવાજ. હતો તો બસ એક વજનદાર સન્નાટો. આ મૌન એ શાંતિનું નહીં, પણ થાકનું હતું. બંનેના હાથમાં રહેલી ચા ગરમ હતી, પણ વર્ષો જૂના એ સંબંધમાં હવે હૂંફ ક્યાંક ઓસરી ગઈ હતી. જાણે બે અજાણ્યા મુસાફરો એક વેઈટિંગ રૂમમાં સમય પસાર કરી રહ્યા હોય એમ, તેઓ એકબીજાની હાજરીને માત્ર સહન કરી રહ્યા હતા.

“હું નીકળું છું, સાંજે મોડું થશે,” રાજેશે ચાવી લેતાં યંત્રવત કહ્યું,  સ્નેહાએ માત્ર માથું હલાવીને વગર કોઈ ભાવે સંમતિ આપી દીધી. આ એ જ સ્નેહા હતી જે ક્યારેક રાજેશના જવા પર એને લિફ્ટ સુધી મૂકવા આવતી, અને આ એ જ રાજેશ હતો જે સ્નેહાની સ્માઈલ જોયા વગર દિવસ શરૂ નહોતો કરતો. પણ આજે? આજે બધું રાબેતા મુજબ હતું, છતાં અંદરથી બધું તૂટેલું હતું. દુનિયાની નજરમાં તેઓ એક ‘પરફેક્ટ કપલ’ હતા, પણ ઘરની ચાર દીવાલો જ જાણતી હતી કે એમનો સંબંધ વેન્ટિલેટર પર છે. આ કોઈ વકીલ કે કોર્ટના કાગળ પર સહી કરીને લેવાયેલા ડિવોર્સ નહોતા, પણ રોજ થોડી-થોડી મરી પરવારતી લાગણીઓના ‘સાઈલેન્ટ ડિવોર્સ’ હતા, જ્યાં સાથે હોવું એ જ દુનિયાની સૌથી મોટી એકલતા બની ગઈ હતી.

સંબંધોની એક વરવી વાસ્તવિકતા

આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચાતો આ વિષય સંબંધોની એક વરવી વાસ્તવિકતા છે. જેની વ્યવસ્થિત વ્યાખ્યા બાંધીએ તો, જ્યારે પતિ-પત્ની કે જીવનસાથી વચ્ચેનું ભાવનાત્મક જોડાણ સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય, છતાં સામાજિક મર્યાદા, આર્થિક સુરક્ષા કે બાળકો સંબંધિત કારણોસર તેઓ એક જ ઘરમાં સાથે રહે છે, ત્યારે એને ‘સાઇલેન્ટ ડિવોર્સ’ કહેવાય છે. આ સંબંધ બહારથી સંપૂર્ણપણે સામાન્ય અને આદર્શ લાગે છે, પરંતુ અંદરથી એ તદ્દન ખોખલો હોય છે. એમાં હવે ન તો કોઈ મોટો ઝઘડો હોય છે કે ન તો કોઈ પ્રેમાળ વર્તન. એના બદલે, બંને વ્યક્તિઓ એકબીજાની પરવા કર્યા વિના માત્ર સમય પસાર કરે છે. ટૂંકમાં, આ એક એવી સ્થિતિ છે જ્યાં બે વ્યક્તિ માત્ર એક છત વહેંચે છે, પણ દિલના અંતરિયાળ ખૂણામાં વર્ષો પહેલાં જ એકબીજાથી અલિપ્ત થઈ ગઈ હોય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપાક અને સમાજશાસ્ત્રના અભ્યાસુ સંગીતા પટેલ કહે છે કે, “આજના સમયમાં સાઇલેન્ટ ડિવોર્સ વધવાનું મુખ્ય કારણ સમાજમાં વધતું જતું ‘સ્વ-કેન્દ્રિત વર્તન’ છે, જ્યાં વ્યક્તિ પોતાની પ્રાથમિકતાઓ અને આરામને જ સર્વોપરી ગણે છે. આજના યુગમાં મજબૂત સામાજિકરણના અભાવે જોડીદારો વચ્ચે જરૂરી સંવાદ કૌશલ્ય, સહનશક્તિ અને ભાવનાત્મક સંવેદનાનો અભાવ જોવા મળે છે, જે સંબંધોમાં ઈંધણનું કામ કરે છે. વળી, કાયદાકીય પ્રક્રિયાની કપરી આંટીઘૂંટીઓથી બચવા લોકો ખુલ્લેઆમ વિયોગ કરવાને બદલે ચુપચાપ ભાવનાત્મક અલગાવ તરફ વધુ ધકેલાય છે.”

લાગણી સાથે પ્રેમ અને હૂંફ ધીમે ધીમે ઓગળી જાય છે

આ સ્થિતિમાં સોશિયલ મીડિયાની આભાસી દુનિયા પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. અન્ય કપલ્સના આકર્ષક ફોટા, ટૂર અને સેલિબ્રેશન જોઈને લોકો પોતાના જીવનની તુલના કરવા લાગે છે, જેનાથી સ્પર્ધા, અસંતોષ અને અવાસ્તવિક અપેક્ષાઓ જન્મે છે. આમ, નાના મતભેદો પણ મોટા અંતરમાં ફેરવાઈ જાય છે અને અપેક્ષાઓ અધૂરી રહેતા ‘પહેલા જેવું હવે નથી રહ્યું’  એવી લાગણી સાથે પ્રેમ અને હૂંફ ધીમે ધીમે ઓગળી જાય છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ફેમિલી કોર્ટના વકીલ ઉન્નતિ ઠાકર કહે છે કે, “કોર્ટમાં આવતા અનેક કિસ્સાઓમાં દંપતી કાયદાકીય અરજી કરે એ પહેલાં જ વર્ષોથી ‘સાઇલેન્ટ ડિવોર્સ’ની સ્થિતિમાં જીવતા હોય છે. આમ છતાં, સામાજિક પ્રતિષ્ઠા અને બાળકોની જવાબદારીને કારણે ઘણા કપલ અલગ થવાને બદલે સાથે રહેવાનું જ પસંદ કરે છે. ખાસ કરીને મોટી ઉંમરના કપલના કિસ્સામાં કોર્ટ સૌપ્રથમ કાઉન્સેલિંગનો માર્ગ અપનાવે છે. આ પ્રક્રિયા ખૂબ જ અસરકારક નીવડે છે, કારણ કે એનાથી પરસ્પરના મનદુઃખ દૂર થાય છે અને અનેક દંપતીઓ છૂટાછેડાનો વિચાર માંડી વાળીને ફરીથી સાથે જીવન જીવવાનો હકારાત્મક નિર્ણય લે છે.”

સાથે રહેવું પણ સાથે જીવવું નહીં, રોજ એકબીજાને જોવા છતાં ન જોયા હોય તેમ વર્તવું આ સાઇલેન્ટ ડિવોર્સની પરાકાષ્ઠા છે. અહીં હસવા-રડવાના અને મન મૂકીને બોલવાના તમામ રસ્તા જાણે બંધ થઈ ગયા હોય છે. વર્ષોથી બે વ્યક્તિઓના મનમાં દબાયેલો આ અવાજ ક્યારેય બહાર આવતો નથી, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં આજે પણ ગમે તેવા સંજોગોમાં અલગ થવા કરતાં સાથે રહેવાને વધુ પ્રાધાન્ય અપાય છે. કદાચ લોકાપવાદના ડર કે સંસ્કારોને લીધે, આ મૌન સ્વીકારી લેવું એ જ ઘણા લોકો માટે જીવન જીવવાની રીત બની જાય છે.

ડોક્ટર કહે છે…

મનોચિકિત્સક અને સેક્સોલોજિસ્ટ ડો. કલરવ મિસ્ત્રી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે,  “સાઇલેન્ટ ડિવોર્સ એ રાતોરાત થતી ઘટના નથી, પણ ધીમે ધીમે ઘટતા સંવાદ અને સૂકાતી લાગણીઓનું પરિણામ છે. આ સંબંધ બચાવવા પારદર્શિતા, પરસ્પર સન્માન અને ‘વન-ટુ-વન’ કમ્યુનિકેશન અનિવાર્ય છે. પહેલી તિરાડ દેખાય ત્યારે જ જો ખુલ્લા મને વાત કરવામાં આવે, તો મોટાભાગના તણાવ દૂર થઈ શકે છે.

સંબંધમાં અંતર આવવાના મુખ્ય કારણોમાં કોર્પોરેટ કલ્ચરનું દબાણ, કરિયર સ્ટ્રેસ, આર્થિક ખેંચતાણ અને બહારના આકર્ષણો જવાબદાર હોય છે. મધ્યમ વયે પહોંચતા સમયના અભાવે દાંપત્યમાં ભાવનાત્મક ખાલીપો સર્જાય છે. સામાજિક પ્રતિષ્ઠા, આર્થિક નિર્ભરતા કે બાળકોના કારણે કપલ્સ સાથે તો રહે છે, પણ એમની વચ્ચે શારીરિક અને માનસિક જોડાણ તૂટી ગયું હોય છે. આ ઉપરાંત, પુરુષોમાં રહેલો ઈગો અને સ્ત્રીઓમાં મેનોપોઝ કે PCOD જેવા હોર્મોનલ ફેરફારો ભાવનાત્મક અસંતુલન પેદા કરે છે, જે આ સાઇલેન્ટ ડિવોર્સની સ્થિતિને વધુ ગંભીર બનાવે છે.”

 

હેતલ રાવ