હેરિટેજ સિટી પાટણ રાણ કી વાવથી પ્રસિદ્ધ છે. અહીંના પટોળાં પણ પ્રખ્યાત છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, આ ઐતિહાસિક નગરી પાટણમાં રામનગર ખાતે એક અનોખું પદ્મનાભ ભગવાનનું મંદિર આવેલુ છે.
મંદિરમાં બિરાજમાન ભગવાન પદ્મનાભ ચાંદી ,પથ્થર કે કોઈ મૂર્તિ સ્વરૂપે નથી, પણ માટીના ઢગલા સ્વરૂપે, એ પણ નિરાકાર, પૂજાય છે. મંદિરના સંકુલમાં પદ્મનાભના મુખ્ય મંદિરની સાથે અનેક દેવી દેવતાઓના મંદિર છે અને આ તમામના સ્થાનકમાં માટીના આકાર જોવા મળે છે.
પદ્મનાભ ભગવાનનું આ મંદિર 620 વર્ષ જુનો ઇતિહાસ ધરાવે છે. કહેવાય છે કે, ભગવાન પદ્મનાભનો જન્મ પાટણના કર્ણ પ્રજાપતિને ત્યાં થયો હતો. પાટણમાં મોગલોના સામ્રાજ્ય દરમિયાન શહેરીજનોની પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવા સરોવરનું નિર્માણ કાર્ય હાથ ધરી પાટણના તમામ સમાજના લોકોને ખોદકામ માટે બોલાવાયા હતા. પદ્મનાભ ખોદકામ માટે ગયા નહીં એટલે બાદશાહે એમને દરબારમાં બોલાવી સરોવરના ખોદકામ માટે ના આવવાનુ કારણ પૂછતાં પદ્મનાભ ભગવાને સાત ટોપલીઓ અને ખોદકામના સાધનોની માંગણી કરી. પોતાની આધ્યાત્મિક શક્તિ વડે સરોવરનું ખોદકામ એક રાતમાં પૂર્ણ કર્યું હતું. આ ચમત્કાર બાદ બાદશાહના શરીર ઉપર પડેલા પાઠા મટાડવામાં પદ્મનાભજીએ મદદ કરી. આથી પ્રસન્ન થયેલા બાદશાહે પદ્મનાભને કઈ માંગવાનું કહેતાં ભગવાને વાડીની રચના કરવા માટે ખેડયા વગરની અને કુંવારી જગ્યાની માંગણી કરી હતી. બાદશાહે અનેક શોધખોળ બાદ સરસ્વતી નદીના પટમાં એક વિશાળ જગ્યા આપી હતી.
એ પછી ભગવાન પદ્મનાભે વાડીની રચના કરી સ્વયં માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા. ભગવાન પદ્મનાભની આ પવિત્ર ભૂમિ ઉપર 33 કોટી દેવતા છપ્પન કોટી યાદવો અને અઠ્યાસી હજાર ઋષિમુનિઓ માટીના ઢગ સ્વરૂપે બિરાજમાન થયા હોવાની એક લોકવાયકા છે.
આ પવિત્ર ભૂમિ પર મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે. મંદિર પરિસરમાં કારતક મહિનામાં સપ્તરાત્રી મેળો યોજાય છે. આ મેળામાં લગ્ન થઈ ગયેલ નવદંપતીઓ પુનઃ સાત ફેરા ફરવા મંદિર પરિસરમાં આવે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
