લગ્ન માટે બદલાતી અપેક્ષાઓ: સંસ્કાર કે સુવિધા?

આજના આધુનિક યુગમાં લગ્ન એ માત્ર બે પરિવારોનું મિલન મટીને અપેક્ષાઓનું એક લાંબુ અને જટિલ લિસ્ટ બની રહ્યું હોય તેવું લાગે છે. તાજેતરમાં એક જ્ઞાતિના સમૂહમાં જ્યારે યુવતીઓના બાયોડેટા પર નજર પડી, ત્યારે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી. નવાઈની વાત તો એ છે કે, 10માંથી 9 યુવતીઓની પ્રાથમિક પસંદગી માત્ર ‘NRI’ પાત્ર જ છે. બાયોડેટામાં અપેક્ષાની કોલમમાં યુએસ, યુકે અને કેનેડા જેવા દેશોના નામ એવી રીતે લખાયેલા જોવા મળે છે જાણે જીવનસાથી નહીં પણ કોઈ વિદેશી વિઝાની અરજી હોય!

જે યુવતીઓને દેશમાં જ લગ્ન કરવા છે, એમની અપેક્ષાઓનું લિસ્ટ પણ આસમાને છે. એમને માત્ર ડોક્ટર કે એન્જિનિયર જેવું ઉચ્ચ પ્રોફેશનલ સ્ટેટસ ધરાવતો અને મેટ્રો સિટીમાં સ્થાયી થયેલો યુવક જ જોઈએ છે. આ આર્થિક સધ્ધરતાની સાથે યુવક સ્વભાવે શાંત, અતિશય પ્રેમાળ અને કોઈ પણ પ્રકારના વ્યસન વગરનો હોવો જોઈએ એવી અનિવાર્ય શરતો મૂકવામાં આવે છે. આ ઉપરાંત, યુવક ખુલ્લા વિચારો ધરાવતો હોય અને જીવનમાં લેશમાત્ર રોકટોક ન કરે એવું આદર્શ પાત્ર શોધવામાં આવે છે. આ બદલાતું સામાજિક વલણ એ વાતની સાબિતી છે કે લગ્ન માટે આજની યુવતીઓની અપેક્ષાઓ માત્ર બદલાઈ નથી, પણ એટલી હદે વધી ગઈ છે કે જેમાં જીવનસાથીના મૂળભૂત ગુણો, સાદગી અને પરસ્પર સમર્પણની ભાવના ક્યાંક ગૌણ બની રહ્યા છે.

ઘણીવાર અપેક્ષાઓ અવાસ્તવિક અને માત્ર ભૌતિકતા પર આધારિત હોય છે

આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણને કારણે લગ્નના માપદંડમાં જે ફેરફાર આવ્યા છે એના બે પાસાં છે. સકારાત્મક રીતે જોઈએ તો, આજની યુવતીઓ શિક્ષિત અને આત્મનિર્ભર છે, તેથી તેઓ પોતાના વ્યક્તિત્વને અનુરૂપ અને આર્થિક રીતે સક્ષમ જીવનસાથીની અપેક્ષા રાખે છે જે એમની જરૂરિયાતો અને સુખ-સુવિધાઓનું ધ્યાન રાખી શકે. હવે તેઓ પહેલાની જેમ ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેવા કે કોઈ પણ પ્રકારનો અન્યાય સહન કરવા તૈયાર નથી, જે એમના આત્મસન્માનની નિશાની છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ફેમીલી કોર્ટના વકીલ પૂજા પ્રજાપતિ કહે છે “જોકે, આ સિક્કાની બીજી બાજુ એ છે કે ઘણીવાર આ અપેક્ષાઓ અવાસ્તવિક અને માત્ર ભૌતિકતા પર આધારિત હોય છે. જ્યારે યુવતીઓ પોતાની લાયકાત કરતાં ઘણું વધારે ઈચ્છે છે અથવા માત્ર NRI પાત્ર, બંગલો અને ગાડી જેવા માપદંડોને જ પ્રાધાન્ય આપે છે, ત્યારે સંસ્કાર અને પારિવારિક મૂલ્યો ગૌણ બની જાય છે. વિદેશ જવાની આંધળી દોટમાં યુવતીઓ ત્યાંના સંઘર્ષને સમજ્યા વગર માત્ર સ્ટેટસ માટે લગ્ન કરે છે, જે લાંબે ગાળે સંબંધોમાં તણાવ અને ભંગાણ લાવે છે. મારા મતે, આર્થિક સદ્ધરતા હોવા છતાં જો જીવનસાથી માન-સન્માન ન જાળવતો હોય તો એવો વૈભવ વ્યર્થ છે. માટે અપેક્ષાઓ વ્યવહારુ હોવી જોઈએ અને લગ્નનો પાયો ભૌતિકતાને બદલે પરસ્પર સુમેળ અને સમજણ પર હોવો જોઈએ.”

આજકાલ ફાયનાન્સ, મટીરિયલિસ્ટિક વસ્તુઓ અને સ્ટેટસ મેચ કરવામાં આવે

આજના સમયમાં માત્ર સંસ્કારી છોકરો હોવું પૂરતું નથી. અત્યારના સમયમાં માત્ર બાયોડેટા જોઈને દીકરીઓ યુવકની પસંદગી નથી કરતી, એમને ખાસ કરીને યુવકના ફાયનાન્શિયલ સ્ટેટસમાં ખૂબ જ રસ હોય છે. એમને સ્વતંત્ર અને લક્ઝરીયસ લાઈફસ્ટાઈલ ગમે છે, એટલે કે ભૌતિક માપદંડો ખૂબ વધી રહ્યા છે. આ અપેક્ષાઓ જરાય યોગ્ય નથી, કારણ કે જો સારું લગ્નજીવન જીવવું હોય તો કમ્પેટિબિલિટી હોવી જરૂરી છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા વિવાહ મેરેજબ્યૂરોના ઓનરક ચાંદની દલાલ કહે છેઃ “આજકાલ ફાયનાન્સ, મટીરિયલિસ્ટિક વસ્તુઓ અને સ્ટેટસ મેચ કરવામાં આવે છે. દીકરો અને દીકરી બંને કમાતા હોય એટલે બંનેની આવક અને ફેમિલી સ્ટેટસ મેચ થાય છે, પણ સંસ્કાર અને ફેમિલી વેલ્યુઝ વિસરાઈ જાય છે. આને કારણે લગ્ન પછી બહુ જલ્દી ભંગાણ, બ્રેકઅપ કે સંબંધોમાં સ્ટ્રેસ જોવા મળે છે અને બંને પક્ષો એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે. જરૂર છે કે જ્યારે તમે યોગ્ય જીવનસાથી પસંદ કરો ત્યારે કમ્પેટિબિલિટીની સાથે ફેમિલી વેલ્યુઝ, કલ્ચરલ વેલ્યુઝ અને એકબીજા સાથેનું મેચિંગ હોવું ખૂબ જરૂરી છે. આ માટે યોગ્ય સમય અને જ્યાં અટકો ત્યાં કાઉન્સેલિંગ સાથે આગળ વધવામાં આવે તો જીવનસાથીની શોધ સરળ બની શકે છે. જો આ સામાજિક વલણને માતા-પિતા અને મેરેજ બ્યુરો દ્વારા યોગ્ય સમયે અટકાવવામાં નહીં આવે, તો એ ભવિષ્યમાં ચિંતાનો મોટો વિષય બની શકે છે. હવે જે પૈસાનું ચલણ કે ભૌતિકતા જોવામાં આવે છે એને રોકવું અનિવાર્ય છે.”

સોશિયલ મીડિયા ઇફેક્ટ

ફોરેનમાં બધું જ ‘રોઝી પિક્ચર’  જેવું નથી હોતું, ત્યાં ખૂબ મહેનત કરવી પડે છે એ સમજીને હવે ઘણી યુવતીઓ વિદેશ જવા માટે એટલી એગ્રેસિવ નથી. પરંતુ, જે યુવતીઓ ત્યાં છે તેઓ ત્યાંના સિટિઝન, ગ્રીન કાર્ડ, બ્લુ કાર્ડ કે PR ધરાવતા યુવક-યુવતીઓને જ પસંદ કરે છે.  આજના સમયમાં યુવક-યુવતીની પસંદગીના માપદંડ ઘણા અંશે બદલાઈ ગયા છે.

ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા મલ્ટીમીડિયા કંપની હેડ ઘટા સરવૈયા કહે છે એ વાત સ્વીકારવી રહી કે આજના સમયમાં યુવતીઓની પસંદગીના માપદંડ બદલાયા છે, પરંતુ એનો અર્થ એ જરાય નથી કે દરેક યુવતી માત્ર આર્થિક સધ્ધરતા પાછળ જ આંધળી દોટ મૂકે છે. હકીકતમાં, આ પરિવર્તન પાછળ ઘણીવાર ‘સોશિયલ મીડિયા ઇફેક્ટ’ કામ કરી જતી હોય છે. જ્યારે કોઈ બહેનપણીને NRI પાત્ર મળે અને એ પરદેશ જઈને વૈભવી જીવનના સ્ટેટસ મૂકે, ત્યારે અન્ય યુવતીઓના મનમાં પણ અજાણતા જ વિદેશ જવાનું ઘેલું લાગે છે. જીવનમાં અપેક્ષાઓ હોવી ખોટું નથી, પણ એ વ્યવહારુ હોવી જોઈએ. જો અપેક્ષાઓનું લિસ્ટ એટલું મોટું હશે કે જેમાં માત્ર ભૌતિક સુખ જ કેન્દ્રમાં હોય, તો કદાચ આદર્શ યુવકની શોધમાં અડધી ઉંમર વીતી જાય અને અંતે હાથમાં માત્ર ખાલીપો જ આવે. સમજદારી એમાં છે કે આપણે જીવનસાથીના પાસપોર્ટ કરતાં એના પાત્રને વધુ મહત્વ આપીએ.”

હેતલ રાવ