સગીર માટે નો-સોશિયલ મીડિયાઃ કેટલું યોગ્ય?

દુનિયાના કોઇપણ ખૂણે બેઠલાને એકબીજા સાથે જોડતી કડી એટલે સોશિયલ મીડિયા. એક રીતે આ સોશિયલ મીડિયા લોકો માટે આશીર્વાદરૂપ છે, તો સામે એના સતત વધતા વ્યાપ અને દૂરૂપયોગથી એની વિપરીત અસરો પણ જોવા મળી રહી છે. આ જ સોશિયલ મીડિયાના કારણે બાળક મેદાનની રમત ભૂલી રહ્યા છે, એમની સ્લીપ પેર્ટન બદલાઇ ગઈ છે. માનસિક રોગનો શિકાર બની રહ્યા છે.

આવી નકારાત્મક અસરોથી બાળકોને દૂર રાખવા માટે કેન્દ્ર સરકાર જે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રુલ્સ તૈયાર કરી રહી છે એનો મુસદ્દો હમણાં જાહેર કરાયો છે. આ મુસદ્દા પ્રમાણે, ભારતમાં 18 વર્ષથી નાના બાળકો સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલે એ માટે એમના માતા-પિતાની મંજૂરી લેવી પડશે. આમ તો ઓસ્ટ્રેલિયા સહિતા અન્ય દેશોમાં આ નિર્ણય ઓલરેડી અમલી બની ચૂક્યો છે.

અલબત્ત, ભારતમાં તો હજુ એનો અમલ થવાનો બાકી છે અને આ માટે લોકો પાસેથી સૂચનો મગાવાઇ રહ્યા છે ત્યારે આ વખતે ઓપિનિયન વિભાગમાં જાણીએ કે, આ મુદ્દે અલગ અલગ વર્ગના લોકોનું શું કહે છે…

ડૉ. અજય ચૌહાણ, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ, અમદાવાદ

આમ જોઇએ તો બાળકોમાં બ્રેઈન ડેવલપમેન્ટનો સમય 0 થી 17 ની ઉંમર વચ્ચે હોય છે. આ માટે સરકારનો આ નિર્ણય સૌથી સારો છે. આ સમયગાળા દરમિયાન બાળકનું મન ચંચળ હોય છે એટલે એ 18 વર્ષે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તો તેને ઘણા અનિષ્ટોથી બચાવી શકાય છે.

18 વર્ષથી નીચેનું બાળક કે કિશોર આ સમયગાળામાં પરિપક્વ ન હોય. તે દરેક વસ્તુમાં તે રોલ મોડેલ શોધે. ઘણી એવી માહિતી હોય છે, જેનાથી બાળકોને નુકસાન થઈ શકે છે. નાની ઉમરમાં અયોગ્ય કન્ટેન્ટ જોવાથી બાળક હિંસક અને સેક્સ્યુઅલ મટિરિયલથી પ્રેરીત થાય છે. સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ માનસિક સ્વાસ્થ્ય, ઊંઘની પેટર્ન અને શૈક્ષણિક પ્રદર્શન પર નકારાત્મક અસર કરી શકે છે. આ ઉપરાંત, શરીર પ્રત્યે અસંતોષ, ઓછા આત્મવિશ્વાસ અને ખોરાક સંબંધિત ખોટી ટેવો જેવી સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે.

એવું નથી કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ છે. તેના ફાયદા પણ થઈ શકે છે. જેમ કે, સોશિયલ મીડિયા સગીરોને મિત્રો, પરિવાર અને સમાન વિચારધારા ધરાવતા વ્યક્તિઓ સાથે જોડાવામાં મદદ કરી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શિક્ષણ, આરોગ્ય અને વર્તમાન ઘટનાઓ સહિત વિવિધ વિષયો પર મૂલ્યવાન માહિતી પ્રદાન કરી શકે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા માઈનર્સને પોતાની કલા, મ્યુઝિક, રાઇટિંગ, અને બીજા ટેલેન્ટ બતાવવાનો મોકો પણ આપે છે. પણ ઓવરઓલ, આ નિર્ણય બાળકોના અને સમાજના હિતમાં છે.

આકાંક્ષા તિવારી, એડવોકેટ, હાઇકોર્ટ એન્ડ સેશન્સ કોર્ટ, અમદાવાદ

હાલમાં સરકાર દ્વારા 18 વર્ષથી ઓછી વયના યુવાન માટે સોશિયલ મીડિયા પર તેના પેરેન્ટ્સની પરવાનગી વગર વપરાશ બાબતે નિયંત્રણ લાવવા જઇ રહી છે જે ખૂબ સારી બાબત છે, આવા પ્રકારના નિયંત્રણો ઘણા દેશમાં છે. હાલ સોશિયલ મીડિયા પર રીલ, વિડિયો, ફોટો વગેરે દ્વારા મળતી માહિતી જેટલી સરળ, મદદરૂપ અને ઉપયોગી લાગે છે. તેટલા જ પ્રમાણમા એડલ્ટ કન્ટેન્ટ અને સંવેદનશીલ માહિતી પણ પબ્લિશ થતી હોય છે. જો 18 વર્ષથી નાની વયના બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય, ત્યારે તે કન્ટેન્ટમાં કેટલું સાતત્ય છે, નક્કી કરી શકતા નથી. દરેક માહિતી સાચી છે કે ખોટી છે અથવા કોઈપણ કૃત્ય કરીશું તો તેનું પરિણામ શું આવશે તે બાળકોમાં વિચાર કરવાની ક્ષમતા ન હોય. બાળક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ ક્રાઈમ કરી બેસે છે તેમજ ડેટિંગ એપ્લિકેશન, ઓનલાઇન બેટિંગ, સાયબર ફ્રોડ, ફેસ મોરફિગ, ઓનલાઇન ગેમ એડીકશન વગેરેનો શિકાર બની શકે છે. તદઉપરાંત ખૂબ મોટા પ્રમાણમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો યુઝ કરતા બાળકો માનસિક તણાવ, સુસાઈડ વગેરે જેવી સમસ્યાઓ વધી રહી છે. તેમજ શારીરિક શ્રમ ઘટતો જતો હોય એટલા માટે આરોગ્ય જોખમાઇ રહ્યું છે. અને જો આવા પ્રકારના નિયંત્રણો ન રાખવામાં આવે તો બાળકોનું ભવિષ્ય જોખમાઇ શકે છે. તેમજ કારકિર્દીના ગોલ્ડન સમયમાં ખોટી દિશામાં તેની શક્તિનો વ્યય થાય છે. માટે બાળકો તથા પેરેન્ટ્સને પણ ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકો પર સોશિયલ મીડિયાના વપરાશ ઉપર નિયંત્રણ લેવું ખૂબ જરૂરી છે.

ડૉ.પ્રશાંત પારીક, એસોસિયેટ પ્રોફેસર, શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદ

સોશિયલ મીડિયા પર સંપૂર્ણ પ્રતિબંધ ન લગાવવો જોઈએ. બાળકને માતા પિતાની દેખરેખમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા દેવો  જોઈએ. સાચી વાત તો એ છે કે સોશિયલ મીડિયાને આપણે ગુનેગાર સાબિત કરી દીધું છે, જ્યારે સોશિયલ મીડિયા માહિતી અને જ્ઞાનનો ભંડાર પણ છે. જો શાળાના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરે તો તેમણે ઘણી ઉપયોગી માહિતી મળી શકે છે. મારું માનવું છે કે બાળક પોતાના સારા ભવિષ્ય માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તે સુનિશ્ચિત કરવું એ માતા પિતાની ફરજ છે. શાળા કોલેજમાં સોશિયલ મીડિયા લગતા અલગથી સેશન્સ થવા જોઈએ, જેમાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરવાના સાચા રસ્તાઓ બતાવી શકાય.

ભૂમિ ખટવાણી, ગૃહિણી, અમદાવાદ

જે નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે તે બરાબર જ છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ સારો અને ખરાબ બંને રીતે થઈ શકે. જો કે એ વાત એનો ઉપયોગ કરનાર પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી થતા ફાયદા અને નુકસાન બંને પ્રકારના ઉદાહરણ આપણે જોઈએ જ છીએ. એક બાળક ક્યારે નજર ચૂકવીને ન કરવાનું કરી લેતો હોય એ વાતની જાણ કોઈને પણ થતી નથી. દરેક માતા પિતાએ તેના બાળકને સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરતાં શીખવવું જોઈએ. સાચા અને ખોટાની સમજ જો બાળકમાં હશે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ બરાબર જ કરશે.

મીત બારોટ, વિદ્યાર્થી, કલોલ

સોશિયલ મીડિયા એ એક વિશાળ દરિયો છે, જેમાં જેટલા ઊંડા ઉતરીએ એટલું ઓછું લાગે છે. એમાં પણ આજકાલ તો મોટા ભાગનો સમય ટીવી સ્ક્રીન અથવા ડિજિટલ મીડિયા પર પસાર થતો હોય છે, જેના કારણે ચશ્માનું સંકટ વધતું જાય છે. મનોરંજન માટે આ મીડીયા યોગ્ય અને રોમાંચક હોઈ શકે છે, પરંતુ હવે એના કારણે ધ્યાન પણ ભટકે છે. સોશિયલ મીડિયા વપરાશને સાવ ખોટું કહેવું યોગ્ય નથી. પરંતુ હા, જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો જરૂરથી બાળ માનસ પર ખોટી અસર પાડે છે. ખાસ કરીને અમારા જેવા વિદ્યાર્થીઓ કેટલો સમય સોશિયલ મીડિયા પર પસાર કરવો એનું ટાઈમ ટેબલ હોવું અનિવાર્ય છે. જો એમ ન કરવામાં આવે તો અભ્યાસ પર અસર પડશે. સાથે જ ખોટી સામગ્રી જોવાથી માનસિક અસર પણ થાય છે.

(તેજસ રાજપરા- અમદાવાદ)