ભારત એક કૃષિપ્રધાન દેશ છે. અહીં ખેડૂતને ‘અન્નદાતા’ કહીને પૂજવામાં આવે છે. દર વર્ષે ૨૩ ડિસેમ્બરના રોજ ભારતભરમાં ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.
આ દિવસ ભારતના પાંચમા વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ગણાતા ચૌધરી ચરણસિંહની જન્મજયંતિના માનમાં મનાવવામાં આવે છે.
ચૌધરી ચરણસિંહ પોતે એક ખેડૂત પરિવારમાંથી આવતા હતા. એમણે ખેડૂતોના ઉત્થાન માટે અનેક ક્રાંતિકારી નિર્ણયો લીધા હતા. ‘જય જવાન, જય કિસાન’ના નારાને સાર્થક કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ જ કારણ છે કે ભારત સરકારે વર્ષ 2001માં એમના જન્મદિવસને રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે જાહેર કર્યો. ત્યારથી દર વર્ષે આ દિવસની ભવ્ય ઉજવણી શરૂ થઈ.
આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ખેડૂતોના મહત્વ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને એમની મહેનતની કદર કરવાનો છે. ભારતની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ એ ખેતી છે, ત્યારે જાણીએ ભારતના એ રાજ્યો વિશે જ્યાં થાય છે સૌથી વધારે ખેતી…
ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી મોટું કૃષિ ઉત્પાદક રાજ્ય છે. આ રાજ્ય પાસે અંદાજે ૨૪૦ લાખ હેક્ટર ભૌગોલિક વિસ્તાર છે, જેમાંથી લગભગ ૧૬૫ લાખ હેક્ટર જમીન ખેતીલાયક છે. ગંગા, યમુના અને સરયુ જેવી પવિત્ર નદીઓના કાંપવાળી ફળદ્રુપ જમીન અને સિંચાઈની ઉત્તમ સુવિધાને કારણે અહીં વર્ષમાં ત્રણ પાક લેવામાં આવે છે. ઉત્તર પ્રદેશ ભારતનો 35 ટકાથી વધુ ઘઉં અને 40 ટકાથી વધુ શેરડી પેદા કરે છે. આ ઉપરાંત, બટાકા, કેરી અને દૂધના ઉત્પાદનમાં પણ આ રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. અહીંના પશ્ચિમ ભાગમાં આધુનિક ખેતી અને પૂર્વ ભાગમાં પરંપરાગત ખેતીનો સુંદર સમન્વય જોવા મળે છે.
મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશ, જેને ભારતનું હૃદય કહેવામાં આવે છે, એ ખેતી ક્ષેત્રે ઝડપથી વિકસતું રાજ્ય છે. આ રાજ્યનો કુલ વિસ્તાર 308 લાખ હેક્ટર છે, જેમાંથી અંદાજે 150 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. મધ્ય પ્રદેશ સમગ્ર ભારતમાં સોયાબીનના ઉત્પાદનમાં એકહથ્થુ શાસન ધરાવે છે, જેના કારણે એને ‘સોયા સ્ટેટ’ પણ કહેવામાં આવે છે. અહીં કઠોળ જેવા કે ચણા, તુવેર અને મસૂરનું વિપુલ ઉત્પાદન થાય છે. છેલ્લા એક દાયકામાં મધ્ય પ્રદેશે એની સિંચાઈ વ્યવસ્થા સુધારીને ઘઉંના ઉત્પાદનમાં પંજાબને પણ પાછળ છોડવાની તૈયારી કરી છે. અહીંના ‘શરબતી ઘઉં’ એની ગુણવત્તા અને સ્વાદ માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
પંજાબ

પંજાબ ભલે વિસ્તારની દ્રષ્ટિએ નાનું હોય (માત્ર 50 લાખ હેક્ટર), પરંતુ એની ઉત્પાદકતા અદ્ભુત છે. આ રાજ્યની 85 ટકાથી વધુ જમીન ખેતી હેઠળ છે, જે ભારતમાં સૌથી વધુ છે. પંજાબમાં પાંચ નદીઓનું નેટવર્ક અને કેનાલ સિસ્ટમ એટલી મજબૂત છે કે અહીં ભાગ્યે જ કોઈ જમીન બિન-પિયત રહે છે. ભારતની ખાદ્ય સુરક્ષામાં પંજાબનો ફાળો સૌથી મોટો છે. એ કેન્દ્રીય અનાજ ભંડારમાં સૌથી વધુ ઘઉં અને ચોખાનું યોગદાન આપે છે. અહીંના ખેડૂતો સૌથી વધુ ટ્રેક્ટર અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરે છે, જેના કારણે એને ‘બ્રેડ બાસ્કેટ ઓફ ઈન્ડિયા (ભારતની રોટલીની ટોપલી) કહેવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ

ભારતના પૂર્વ ભાગમાં આવેલું પશ્ચિમ બંગાળ એની ભૌગોલિક વિવિધતા માટે જાણીતું છે. આ રાજ્યનો કુલ વિસ્તાર 88 લાખ હેક્ટર છે, જેમાંથી લગભગ 55 લાખ હેક્ટર જમીન ખેતીલાયક છે. પુષ્કળ વરસાદ અને નદીઓના મુખત્રિકોણ પ્રદેશને કારણે પશ્ચિમ બંગાળ ચોખા (ડાંગર)ના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ ક્રમે છે. અહીં ખેડૂતો વર્ષમાં ચોખાના ત્રણ પાક (આમન, આઉસ અને બોરો) લે છે. એટલે કે આબોહવાની અનુકૂળતાને કારણે ચોખાની ત્રણ સિઝન લેવામાં આવે છે. ચોમાસામાં રોપાતા મુખ્ય પાકને ‘આમન’, ઉનાળાની શરૂઆતમાં વહેલા પાકતા પાકને ‘આઉસ’ અને શિયાળામાં સિંચાઈ દ્વારા લેવામાં આવતા પાકને ‘બોરો’ તરીકે ઓળખવામાં આવે છે. ચોખા ઉપરાંત, આ રાજ્ય વિશ્વમાં શણ ના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર છે. અહીંની માછલી-ભાતની સંસ્કૃતિ પાછળ પણ આ જ વિપુલ કૃષિ ઉત્પાદન જવાબદાર છે.
હરિયાણા

હરિયાણા પંજાબનું પડોશી રાજ્ય છે, એની કૃષિ પદ્ધતિઓ પણ અત્યંત આધુનિક છે. રાજ્યનો કુલ વિસ્તાર 44 લાખ હેક્ટર છે, જેમાંથી અંદાજે 37 લાખ હેક્ટર જમીન પર ખેતી કરવામાં આવે છે. હરિયાણા મુખ્યત્વે એના ઉચ્ચ ગુણવત્તાવાળા બાસમતી ચોખા માટે જાણીતું છે, જેની વિદેશોમાં મોટી નિકાસ થાય છે. ઘઉં, સરસવ અને કપાસ અહીંના મુખ્ય પાક છે. ખેતીની સાથે સાથે હરિયાણાએ પશુપાલનમાં પણ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અહીંની ‘મુરા’ ભેંસ અને દૂધનું ઉત્પાદન ખેડૂતોની આવકમાં મોટો વધારો કરે છે.
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ભારતનું એક એવું રાજ્ય છે, જેની ખેતી વૈવિધ્ય અને સાહસથી ભરેલી છે. આ રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર અંદાજે 308 લાખ હેક્ટર છે, જેમાંથી લગભગ 225 લાખ હેક્ટર જેટલી વિશાળ જમીન ખેતીલાયક છે. મહારાષ્ટ્રની સૌથી મોટી તાકાત એની ‘કાળી કપાસની જમીન’ છે, જે ભેજ જાળવી રાખવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. આ રાજ્ય કપાસ, શેરડી અને ડુંગળીના ઉત્પાદનમાં દેશમાં અગ્રણી સ્થાન ધરાવે છે. ભારતની સૌથી વધુ ખાંડની મિલો મહારાષ્ટ્રમાં આવેલી છે, જે અહીંની શેરડીની ખેતીની સમૃદ્ધિ દર્શાવે છે. માત્ર અનાજ જ નહીં, પરંતુ મહારાષ્ટ્ર ‘ભારતનું ફળોનું ઉદ્યાન’ પણ ગણાય છે; નાસિકની દ્રાક્ષ, નાગપુરની નારંગી અને રત્નાગીરીની હાફુસ કેરી આજે વિશ્વના બજારોમાં ભારતનું નામ રોશન કરી રહી છે. અહીંના ખેડૂતોએ સહકારી મંડળીઓ અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓ દ્વારા ખેતીને એક નફાકારક વ્યવસાયમાં પરિવર્તિત કરી છે.
ગુજરાત

ગુજરાત એના આધુનિક અભિગમ અને મહેનતકશ ખેડૂતોને કારણે ખેતી ક્ષેત્રે આખા દેશ માટે પથદર્શક રહ્યું છે. રાજ્યનો કુલ વિસ્તાર અંદાજે 196 લાખ હેક્ટર છે, જેમાંથી લગભગ 100 લાખ હેક્ટરથી વધુ જમીન પર અત્યંત આધુનિક પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. ગુજરાત સમગ્ર ભારતમાં કપાસ અને મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે બિરાજમાન છે, જેને કારણે અહીંના ખેડૂતો કપાસને ‘સફેદ સોનું’ કહે છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતમાં એરંડા અને જીરું-વરિયાળી જેવા મસાલાનું વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે. બાગાયતી ખેતીમાં પણ ગુજરાતે કાઠું કાઢ્યું છે. સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી, કચ્છના દાડમ અને ખારેક આજે વિદેશોમાં નિકાસ થઈ રહ્યા છે. ટપક સિંચાઈ અને જળ સંચયના સફળ પ્રયોગોએ ગુજરાતની ખેતીને બારેમાસ જીવંત રાખી છે. ખેતીની સાથે સાથે ડેરી ઉદ્યોગના સમન્વયે ગુજરાતના ખેડૂતોને આર્થિક રીતે સૌથી વધુ સદ્ધર બનાવ્યા છે.
હેતલ રાવ


