ચોમાસાનો મિજાજઃ છેલ્લા દાયકામાં કેવોક બદલાયો?

ભારત જેવા કૃષિપ્રધાન દેશ માટે ચોમાસું એ માત્ર હવામાનની ઘટના નથી, પણ દેશના અર્થતંત્ર અને કરોડો ખેડૂતોની જીવાદોરી છે.દેશમાં દર વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આવતું નૈઋત્યનું ચોમાસું દેશના કુલ વરસાદનો લગભગ 75 ટકા ભાગ પૂરો પાડે છે. જો ચોમાસું સારું રહે તો બજારોમાં રોનક આવી જાય છે અને જો નબળું રહે તો મોંઘવારી આસમાને આંબી જાય.

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં છેલ્લા દસ વર્ષ (2016-2025) દરમિયાન ભારતીય ચોમાસાએ અનેક રંગ બદલ્યા છે. ક્યારેક ધોધમાર વરસાદે પૂરની સ્થિતિ સર્જી તો ક્યારેક કોરાધાકોર ઓગસ્ટ મહિને દુકાળના ડાકલા વગાડ્યા. આ દાયકામાં ભારતે પ્રકૃતિના બંને છેડા અનુભવ્યા છે. ચાલો જાણીએ છેલ્લા દાયકામાં ભારતમાં ચોમાસું કેવું રહ્યું.

વરસાદની સરેરાશ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં ચોમાસાની ગુણવત્તા અને વરસાદની સરેરાશ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા લોંગ પીરીયડ એવરેજ (LPA) ના માપદંડ પર નક્કી થાય છે. હાલમાં દેશમાં 1971થી 2020 સુધીના પચાસ વર્ષના સરેરાશ વરસાદ (જે આશરે 868.6 MM)છે) ને 100 ટકા માનીને ગણતરી કરવામાં આવે છે. જો દેશમાં વાસ્તવિક વરસાદ LPA ના 96 ટકાથી 104 ટકાની વચ્ચે પડે તો એને સામાન્ય ચોમાસું કહેવાય છે, જ્યારે 90 ટકાથી 95 ટકાની વચ્ચે રહે તો એને નબળું ચોમાસું કહેવામાં આવે છે. છેલ્લા એક દાયકાના ટ્રેન્ડ પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે ભારતમાં સરેરાશ વરસાદ એકંદરે સામાન્ય કે સામાન્યથી વધુ રહ્યો છે, પરંતુ એનું ભૌગોલિક વિતરણ ખૂબ જ અસમાન રહ્યું છે.

દાયકાની શરૂઆત અને ઉતાર-ચઢાવ:  2016થી 2020નો ટ્રેન્ડ

છેલ્લા દસ વર્ષના ચોમાસાની સફર પર નજર કરીએ તો, દાયકાની શરૂઆત એટલે કે વર્ષ 2016માં 97 ટકા  અને 2017માં 95 ટકા વરસાદ પડ્યો. જે ચોમાસું એકંદરે સામાન્ય રહ્યું હતું. પરંતુ વર્ષ 2018માં દેશને પ્રથમ નબળા ચોમાસાનો સામનો કરવો પડ્યો, જેમાં સરેરાશ કરતાં ઓછો એટલે કે માત્ર 91 ટકા વરસાદ નોંધાયો હતો. પૂર્વોત્તર રાજ્યો અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં વરસાદની ભારે અછત સર્જાઈ. ત્યારબાદ વર્ષ 2019 ભારતીય ચોમાસાના ઇતિહાસમાં અસાધારણ રહ્યું. વૈશ્વિક દરિયાઈ ઘટના ‘લા-નીના’ (La Nina) સક્રિય થવાને કારણે દેશમાં સરેરાશના 110 ટકા વરસાદ ખાબક્યો, જે છેલ્લા 25 વર્ષનો સૌથી વધુ વરસાદ હતો. આ સિલસિલો 2020 (109 ટકા)માં પણ ચાલુ રહ્યો. સતત બે વર્ષ ભારે વરસાદને કારણે દેશના જળાશયો છલકાઈ ગયા. અલબત્ત કેરળ અને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં વિનાશક પૂર પણ આવ્યું હતું.

અલ-નીનોનો ફટકો અને વાપસી: 2021થી 2025ની સ્થિતિ            

વર્ષ 2021માં ચોમાસું એકદમ સચોટ 99 ટકા એટલે કે સામાન્ય રહ્યું, જ્યારે 2022માં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા અને દેશમાં 106 ટકા સાથે સારું ચોમાસું નોંધાયું. વર્ષ 2023માં પ્રશાંત મહાસાગરમાં ‘અલ-નીનો’ (El Nino) પ્રવાહ સક્રિય થતાં ચોમાસાને મોટો બ્રેક વાગ્યો હતો. આ વર્ષે માત્ર 94 ટકા વરસાદ નોંધાયો અને ઓગસ્ટ મહિનો ભારતીય હવામાન ઇતિહાસનો 100 વર્ષનો સૌથી સૂકો મહિનો સાબિત થયો. બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ત્યારબાદ ચોમાસાએ ફરી ગતિ પકડી અને વર્ષ 2024માં 105 ટકા વરસાદ સાથે ચોમાસું ઘણું સારું રહ્યું, જ્યારે વર્ષ 2025માં પણ 102 ટકા વરસાદ સાથે સામાન્યથી વધુ અને સંતોષજનક ચોમાસું નોંધાયું છે.

ભૌગોલિક અસમાનતા અને ક્લાઈમેટ ચેન્જ: ક્યાં રેકોર્ડબ્રેક અને ક્યાં કોરુંધાકોર?

ભૌગોલિક દ્રષ્ટિએ વાત કરીએ તો, ભારતમાં સૌથી વધુ વરસાદ હંમેશાની જેમ પૂર્વોત્તર ભારતનું મેઘાલય (મૌસિનરામ અને ચેરાપુંજી) મેળવે છે, જ્યાં વાર્ષિક સરેરાશ દસ હજાર મિલીમીટર કરતાં પણ વધુ વરસાદ પડે છે. આ ઉપરાંત પશ્ચિમ ઘાટના વિસ્તારો જેવા કે કેરળ, તટીય કર્ણાટક અને ગોવા-કોંકણ પટ્ટીમાં વાર્ષિક સરેરાશ 3 હજાર મિલીમીટરથી 4 હજાર મિલીમીટર વરસાદ નોંધાયો છે. બીજી તરફ, સૌથી ઓછો વરસાદ પશ્ચિમ રાજસ્થાનના જેસલમેર અને બાડમેર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં નોંધાયો છે, જ્યાં વાર્ષિક સરેરાશ માંડ 100 મિલીમીટરથી 250 મિલીમીટરની આસપાસ રહે છે. ક્લાઈમેટ ચેન્જની સૌથી ચોંકાવનારી અસર એ રહી છે કે પરંપરાગત રીતે સુકા ગણાતા પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતના કચ્છ વિસ્તારમાં તાજેતરના વર્ષોમાં ભારે પૂરની ઘટનાઓ વધી છે, જ્યારે વધુ વરસાદવાળા બિહાર અને પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની તંગી જોવા મળી રહી છે.

ચોમાસાની બદલાતી ટાઈમલાઈન

છેલ્લા એક દાયકાના ચોમાસામાં નોંધાયેલો સૌથી મોટો બદલાવ એની વિદાયની ટાઈમલાઈન છે. હવામાન વિભાગ (IMD) ના અવલોકનો મુજબ, પહેલા જે ચોમાસું સામાન્ય રીતે 1 સપ્ટેમ્બરથી દેશમાંથી વિદાય લેવાનું શરૂ કરતું, એની વિદાય હવે ખૂબ મોડી એટલે કે ઓક્ટોબરના મધ્ય સુધી લંબાઈ ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં નવરાત્રિના ગરબા કે દિવાળીના તહેવારો દરમિયાન પડતો વરસાદ આ બદલાતા ક્લાઈમેટ ચક્રનું સીધું ઉદાહરણ છે. ચોમાસાની આ મોડી વિદાયના કારણે ખેડૂતોના તૈયાર થયેલા ખરીફ પાકની કાપણીના સમયે મોટું નુકસાન વેઠવું પડે છે, જે દેશના કૃષિ સેક્ટર માટે ચિંતાનો વિષય છે.

અતિવૃષ્ટિના ટૂંકા સ્પેલ

ગ્લોબલ વોર્મિંગની એક ચોંકાવનારી અસર એ જોવા મળી રહી છે કે હવે વરસાદના દિવસો (Rainy Days) ઘટી રહ્યા છે પરંતુ વરસાદની તીવ્રતા વધી રહી છે. પહેલાના સમયમાં ચોમાસું ચાર મહિના સુધી ધીમે-ધીમે અને સતત વરસતું, જ્યારે છેલ્લા 10 વર્ષમાં એવી પેટર્ન જોવા મળી છે કે આખા મહિનાનો કે આખી સિઝનનો 30 ટકાથી 40 ટકા વરસાદ માત્ર 24થી 48 કલાકના એક જ ‘શોર્ટ સ્પેલ’ (ટૂંકા ગાળા)માં પડે છે. આ બદલાવના કારણે શહેરોમાં અચાનક પૂર (Flash Floods) ની સ્થિતિ સર્જાય છે, નદીઓ ઓવરફ્લો થાય છે, પરંતુ જમીનને પાણી સોષવાનો પૂરતો સમયના મળવાને કારણે ભૂગર્ભ જળના સ્તરમાં ધાર્યો સુધારો થતો નથી.

હેતલ રાવ