હાલમાં જ પેરિસ ઓલિમ્પિકની સમાપ્તિ થઈ. દેશવાસીઓને એથ્લિટ પાસેથી ખુબ જ આશાઓ હતી, ખેલાડીઓએ તેમનો બેસ્ટ પ્રયત્ન પણ કર્યો. છતાં ભારતના ભાગે એકપણ ગોલ્ડ મેડલ આવ્યો નથી. 1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે ભારત 71મા ક્રમ પર રહ્યું છે. ત્યારે હવે સૌને પેરા એથ્લિટ પાસેથી ખુબ જ અપેક્ષાઓ છે. ખાસ કરીને ગુજરાતીઓને ભાવિના પટેલ પાસેથી… ભાવિના હસમુખભાઈ પટેલ એટલે આપણા ગુજરાતનું ગૌરવ. મહેસાણાના વડનગર તાલુકાના સૂંઢિયા ગામના વતની. વર્ષ 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ જીતીને ભાવિનાબેને ઈતિહાસ રચી દીધો હતો. કોમનવેલ્થ ગેમ્સ એ ઓલિમ્પિક પછીની બીજી સૌથી મોટી ઈવેન્ટ છે જેમાં 72 દેશો ભાગ લેતાં હોય છે. આજના દીવાદાંડી વિભાગમાં દિવ્યાંગોની સાથે સામાન્ય લોકોને પણ પ્રેરિત કરનારા ભાવિનાબેન પટેલ વિશે કરીએ વાત…
વર્ષ 2021માં ટોકિયો પેરાલિમ્પિક દરમિયાન ભાવિનાબેને ઐતિહાસિક સિલ્વર મેડલ જીતીને ભારત સહિત સમગ્ર વિશ્વમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી હતી. ત્યારે જ તેમણે કહ્યું હતું કે આ વર્ષે ગોલ્ડ ચૂકી ગઈ છું તે વાતનો અફસોસ છે. પરંતુ 2024માં રમાનારી પેરિસ પેરાલિમ્પિકસમાં ગોલ્ડ ચોક્કસથી જીતીશ. 37 વર્ષીય ભાવિનાબેન હાલમાં પેરિસ પેરાલમ્પિકની તૈયારીઓ કરી રહ્યા છે. જે આગામી 28 ઓગષ્ટથી શરૂ થવાની છે.
સંઘર્ષમય સફર વિશે વાત કરીએ તો 6 નવેમ્બર 1986માં જન્મેલા ભાવિના હસમુખભાઈ પટેલને માત્ર એક વર્ષની ઉંમરે પોલિયો થઈ ગયો હતો. તેમની સાથે માતા-પિતાના જીવનનો સંઘર્ષ શરૂ થઈ ગયો. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હતી છતાં પિતાએ દીકરીની સારવાર માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. વ્હિલચેર પર જીવન વિતાવવા મજબૂર બનેલા ભાવિનાબેને 12મા ધોરણ સુધીનો અભ્યાસ સૂંઢિયા ગામમાંથી કર્યો હતો. ત્યાર બાદ ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિસ્ટન્સ લર્નિંગ અંતર્ગત સ્નાતકની ડિગ્રી મેળવી હતી. શોખથી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું અને હવે તે ભાવિનાબેનનું પેશન બની ગયું છે.
ટેબલ ટેનિસ માટે પરિવારે કરેલાં સહયોગ વિશે વાત કરતાં ભાવિનાબેને કહ્યું, “મમ્મી-પપ્પાએ ખૂબ સહકાર આપ્યો છે. મારા પપ્પા એક નાનાકડા ગામના મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. મારે ઇન્ટરનેશનલ મેચ રમવા જવાનું હોય તો એના માટે ખૂબ ખર્ચ થાય. મારા પપ્પાએ ક્યારેય મને રમવા જતાં રોકી નથી. ક્યારેક તો દેવું કરીને પણ મને રમવા મોકલી છે. માતા-પિતાએ મારા કૅરિયરને આગળ ધપાવવામાં ખૂબ મદદ કરી છે.”
ભાવિનાબેનને માતા-પિતાએ જેટલો સાથ આપ્યો તેટલો જ લગ્ન બાદ પતિ નિકુલ પટેલનો મળ્યો છે. નિકુલભાઈ પોતે પણ સ્પોર્ટસ પર્સન છે. ૨૦૦૨માં જ્યારે અંડર-19 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ શૉટલિસ્ટ થઈ હતી ત્યારે એમાં નિકુલ પટેલનું પણ નામ હતું. ત્યારની ભારતીય અંડર-19 ટીમમાં કૅપ્ટન પાર્થિવ પટેલ સાથે ઇરફાન પઠાણ, સ્ટુઅર્ટ બિન્ની વગેરે જાણીતા ખેલાડીઓનો સમાવેશ થયો હતો. નિકુલ પટેલ પોતે પણ રાજ્ય સ્તરના પૂર્વ ક્રિકેટર છે. નસીબે ઓછો સાથ આપ્યો અને ફૅમિલી બિઝનેસ સંભાળવાને કારણે નિકુલભાઈએ ક્રિકેટ રમવાનું છોડી દીધું હતું. ભાવિનાબેન અને નિકુલભાઈની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા અમદાવાદમાં થઈ હતી. બંન્નેનો રસનો વિષય સ્પોર્ટ્સ એટલે વાતોચીતો થતી રહેતી. ધીમે-ધીમે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. શરૂઆતમં બંન્નેના સંબંધોને નજીકના લોકો સ્વીકારી શક્યા નહીં. જો કે ધીમે-ધીમે બધું જ સ્મૂથ થઈ ગયું અને ત્યારબાદ થયા લગ્ન.
સંઘર્ષ, આખી સફર અને આગળના ધ્યેય વિશે ચિત્રલેખા.કોમએ ભાવિનાબેન સાથે વાત કરી. ત્યારે તેમણે સૌપ્રથમ પરિવારનો અને ખાસ કરીને પતિનો આભાર વ્યક્ત કર્યો. ભાવિનાબેને કહ્યું કે “આ વ્યક્તિગત રમત છે, છતાં ટીમવર્ક જરૂરી છે. કારણ કે બધાંનો સપોર્ટ મળે તો વ્યક્તિ શ્રેષ્ઠ ક્ષમતાથી રમે છે. સદભાગ્યે મને એ સાથ-સહકાર મળ્યો છે. જેનાથી મારામાં આત્મવિશ્વાસ આપોઆપ આવી જાય અને બેસ્ટ પર્ફોર્મ કરવાનું મારા માટે સરળ થઈ જાય. મારા પતિએ મને ક્યારેય ઘર કામ વિશેનું ભારણ આપ્યું જ નથી. આથી હું મારી રમત પર પૂરેપૂરું ધ્યાન આપી શકું છું.”
લગ્ન પછી પતિના સતત સપોર્ટ વિશે વાત કરતાં ભાવિનાબેને કહ્યું, “નિકુલ વગર હું કશું નથી. તેમનાથી મને ખૂબ આત્મવિશ્વાસ મળે છે. હું ક્યારેય પણ, ક્યાંય પણ જઉં તો નિકુલ મારા માટે સૌથી પહેલા આવશે. મને લાગતું હતું કે લગ્ન પછી કદાચ મારે ટેબલ ટેનિસ છોડવું પડશે. પરંતુ નિકુલ જ્યારથી મને મળ્યા છે ત્યારથી મને અનુભવ થયો છે કે તેમને સ્પોર્ટસ પ્રત્યે અપાર પ્રેમ છે. “
“મારે કોઈ પણ ટુર્નામેન્ટમાં રમવા જવાનું હોય ત્યારે નિકુલ અગાઉ જે પ્લેયર્સ લિસ્ટ આવે તે પ્લેયરની રમતમાં શું ખાસિયત છે અને શું નબળાઈ છે તેની તમામ વિગતો તૈયાર કરીને આપે છે. જેથી મને રમતમાં સપોર્ટ મળે. તે મારા ઇનડાયરેક્ટ કોચ છે. તેમને પણ ક્રિકેટ ખૂબ ગમે છે અને સારું રમે છે. ઘર, ઑફિસ કે સ્પોર્ટ એવું કોઈ પણ ક્ષેત્ર નથી જેમાં નિકુલ મારી પડખે ન ઊભા હોય.”
પોતાની ટેબલ ટેનિસની શરૂઆત વિશે વાત કરતાં ભાવિનાબેને કહ્યું, “વર્ષ 2004-2005માં ITIનો કોર્સ કરવા અમદાવાદમાં આવેલા અંધજન મંડળ હું પહોંચી. ત્યાં ગયા પછી જ મારા જીવનમાં મહત્વનો વળાંક આવ્યો હતો. અંધજન મંડળમાં મેં મારા જેવાં લોકોને ટેબલ ટેનિસ રમતાં જોયાં. એ અગાઉ મને ખબર જ ન હતી કે ટેબલ ટેનિસ નામની કોઈ રમત પણ છે. એ વખતે મને એવું થયું કે મારે પણ ટાઇમપાસ માટે આવું કંઈક કરવું જોઈએ. એ વખતે ત્યાં સુપરિન્ટેન્ડેન્ટ તેજલ લાખિયા હતા. તેમણે મને પ્રોત્સાહિત કરી કે તું સરસ રીતે રમી શકીશ.”
વધુમાં ભાવિનાબેને કહ્યું,“ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યા પછી ભાગ્યે જ કોઈ એવો દિવસ હશે કે જ્યારે હું એ ન રમી હોઉં. એ પછી મારા પર ભૂત સવાર થયું કે એક દિવસ ભોજન ન મળે તો ચાલે પણ ટેબલ ટેનિસ રમવા ન મળે તો એમ થાય કે જીવનમાં કંઈક ખૂટે છે. વર્ષ 2007થી મેં વિધિવત્ ટેબલ ટેનિસની ટ્રેનિંગ શરૂ કરી. એ જ ગાળામાં અમદાવાદની અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં મને ક્લાર્ક તરીકે નોકરી મળી હતી. એ વખતે અમદાવાદમાં હું પેઇંગગેસ્ટ તરીકે રહેતી. આર્થિક પરિસ્થિતિના કારણે નોકરી તો કરવી જ પડતી. બધાં જ પડકારો સાથે મેં ટેબલ ટેનિસ રમવાનું ચાલુ રાખ્યું હતું. કારકિર્દીના શરૂઆતના તબક્કામાં એક વખત દિલ્હી નેશનલ ચૅમ્પિયનશિપ રમવા જવાનું થયું. ત્યાં મને કાંસ્ય પદક મળ્યો હતો. બસ ત્યારથી પાક્કું થઈ ગયું કે હવે તો ટેબલ ટેનિસમાં જ કેરિયર બનાવવું છે. પછી પાછું વળીને જોયું નથી.”
હાલમાં ભાવિનાબેન પેરિસ પેરાલિમ્પિક માટે ખુબ જ તન તોડ મહેનત કરી રહ્યા છે. તેમના કોચ લાલન દોશી સાથે સવારે 4:00 વાગ્યાથી લઈને સાંજે 7:00 વાગ્યા સુધીનું શિડ્યુલ ખુબ જ વ્યસ્ત હોય છે. રોજની સાતથી આઠ કલાકની પ્રેક્ટિસ કરીને ભાવિનાબેન ગોલ્ડ પર નિશાન સાધવા માંગે છે.
ભાવિનાબેને પૅરા ટેબલ ટેનિસમાં 26 જેટલા દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ 22થી વધુ મેડલ મેળવ્યા છે. આ યાદીમાં ટૂંક સમયમાં જ પેરાલિમ્પિક ગોલ્ડનો ઉમેરો થાય તો નવાઈ નહીં.
(રાધિકા રાઓલ – અમદાવાદ)