આ કલાકારને પદ્મશ્રી મળ્યો, કેમ કે…

તાજેતરમાં જે પદ્મ એવોર્ડ્ઝ જાહેર થયા તેમાં ગુજરાતના લવજીભાઈ પરમારનું નામ પદ્મશ્રી માટે જાહેર કરવામાં આવ્યું છે. ‘ટાંગલિયા’ હસ્તકળામાં નોંધપાત્ર યોગદાન બદલ એમની પસંદગી થઈ છે. લવજીભાઈ અને તેમનો પરિવાર સુરેન્દ્રનગરના વઢવાણમાં રહે છે. લવજીભાઈના દાદાજી, તેમના પિતાજી પણ ‘ટાંગલિયા’ હસ્તકળા સાથે જોડાયેલા હતા. આ જ હસ્તકળાને જીવંત રાખવાનું બિરૂદ લવજીભાઈએ ઉપાડ્યું હતું. છેલ્લાં ચાલીસેક વર્ષથી તેઓ ‘ટાંગલિયા’ હસ્તકળા સાથે જોડાયેલા છે. આજે લવજીભાઈના પત્ની જીવુબેન, ત્રણ પુત્રો મુકેશ, અનિલ, દિનેશ અને પુત્રવધુઓ પણ આ હસ્તકળા સાથે જોડાયેલા છે. એટલું જ નહીં આ GI ટેગ ધરાવતી કળા લવજીભાઈએ તેમની દીકરી દક્ષાને અને પૌત્રીને પણ શીખવી છે.

તો, આવો આજે છોટી સી મુલાકાત’ વિભાગમાં આપણે લવજીભાઈ પાસેથી આ કળા અને તેને જીવંત રાખવાના તેમના પ્રયાસો વિશે જાણીએ…

ચિત્રલેખા.કોમ: આપને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે, ત્યારે આ વિશે આપનું શું કહેવું છે?

લવજીભાઈ પરમાર: મેં આઠ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. મારા પિતાજી, મારા દાદાજી આ કળા સાથે જોડાયેલા હતા. તે સમયે આજના જેવાં ઓટોમેટિક મશીનો ન હતા. જૂના સમયની શાળ રહેતી. જેના પર શાળાએથી પાછા આવ્યા બાદ હું વણાટ કામ કરવા માટે બેસતો હતો, એમ કહેવાય કે દાણો પાડવા માટે બેસતો હતો. મારા પિતાજીને અસ્થમાની બીમારી હતી. આથી ખૂબ જ નાની ઉંમરે આ કામ મારા માથા પર આવી ગયું હતું.

મારા પિતાજી નાગજીભાઈને 2002ના વર્ષમાં રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો હતો. આજે મારો આખો પરિવાર તેમજ અમારા સમાજના અનેક પરિવારો આ કળા સાથે જોડાયેલા છે. આથી હું તો કહી શકું આ એ દરેક વ્યક્તિનું સન્માન કહેવાય, જેમણે આ કળાને જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે એવોર્ડ આપવાની જાહેરાત કરી ત્યારે મને અમારા ગામમાંથી, આખા જિલ્લામાંથી, આખા સમાજમાંથી તેમજ રાજ્યમાંથી અભિનંદન માટેના ફોન આવવા લાગ્યા. અમારા સમાજમાં ખાસ કરીને આ સન્માનના કારણે ખુશીની લાગીણી જોવા મળી રહી છે. આ કળાને જીવંત રાખવામાં અમારા સમગ્ર પરિવારે જે મહેનત કરી છે તેની સરકારે નોંધ લીધી એનો આનંદ છે.

ટાંગલિયા હસ્તકળા એટલે શું?

ટાંગલિયા એ 700 વર્ષ જૂની પરંપરાગત હાથવણાટની ટેકનીક છે, જે સુરેન્દ્રનગરની ડાંગસિયા જ્ઞાતિ દ્વારા વિકસાવવામાં આવી છે. આ વણાટને દાણાવણાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વણાટના આ પ્રકાર માટે ખૂબ કુશળતા ઉપરાંત ચોકસાઈ માટે તેજ દ્રષ્ટિની જરૂર હોય છે. ટાંગલિયા શબ્દ ગુજરાતી શબ્દ ‘ટાંગલિયો’ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે “નીચલું શરીર”. ખાસ કરીને માલધારી સમુદાયની મહિલાઓના કમર પર પહેરવાના વસ્ત્રો તરીકે પરંપરાગત રીતે આ પ્રકારના વણાયેલા કાપડનો ઉપયોગ થતો હતો. આ કળામાં વણાટ માટે મૂળ કાચા માલ તરીકે પહેલાં ઘેટાના ઊનનો ઉપયોગ થતો હતો. પરંતુ હવે મેરિનો ઊન અને સિલ્ક તેમજ એક્રેલિક, વિસ્કોઝ અને કોટન જેવી ઓછી ખર્ચાળ સામગ્રીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

 

આ હસ્તકળાને જીવંત રાખવા માટે કેવાં પ્રયત્નો કર્યા?

ટાંગલિયા કળાના કારીગરોને વર્ષોથી એક્સપોઝર, માન્યતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ન હતા મળી રહ્યા. જેના કારણે તે મૃતપ્રાયઃ થઈ રહી હતી. પ્રાચીન સમયમાં માલધારી સમુદાયની સ્ત્રીઓ જ આ પ્રકારના કપડાં પહેરતી હતી. પરંતુ હવે આ પરંપરાગત કપડાં આજની સ્ત્રીઓ પહેરતી નથી. પરિણામે અમે તૈયાર કરેલા કપડાનું માર્કેટ ઓછું થઈ ગયું હતું. કારીગરોની અછત હોય, આર્થિક સંકળામણ હોય કે પછી જગ્યાનો અભાવ, મેં કોઈ પણ સંજોગોમાં આ કળાને છોડવાનો વિચાર કર્યો ન હતો. મેં આ કળામાં નવું-નવું સંશોધન કરવાની શરૂઆત કરી.

1990માં મેં મેરિનો ઊનનો ઉપયોગ કરીને એક સાલ બનાવી હતી, જેના માટે મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. એ શાલમાં બન્ને તરફ ડિઝાઈન એક સરખી જ રહે. દોરા તમને જોવા મળે નહીં. વર્ષ 2007માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેક્નોલોજી (NIFT), ગાંધીનગરે ટાંગલિયા હસ્તકલા એસોસિએશન (THA)ની સ્થાપના કહી હતી. જેનાથી આ હસ્તકલાના પુનઃરુત્થાન અને જાળવણીની શરૂઆત થઈ. આ એસોસિએશનમાં હવે 200થી વધુ ટાંગલિયા કારીગરોનો સમાવેશ થાય છે. કારીગરોને પ્રોત્સાહન મળતાં આ વણાટનો ઉપયોગ કરીને હવે સાડીઓ, ડ્રેસ મટિરિયલ, કુર્તી, સ્પેશિયલ દુપટ્ટા અને અન્ય ઉપયોગ માટેના વસ્ત્રો પણ બની રહ્યા છે. 2009માં જ્યારે ભારત સરકાર દ્વારા ટાંગલિયા શાલને GI tag આપવામાં આવ્યો તે ક્ષણ આ હસ્તકળા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી.

પહેલાંના વણાટ અને અત્યારમાં શું ફેર છે? કિંમત કેવી મળે છે?

પહેલાંના સમયમાં ઘેંટાના ઊનનો ઉપયોગ થતો હતો, એટલે એને સરખું કરવામાં સમય જાય. પછી જે શાળ હતી, તે ટોટલી હાથથી જ ચાલતી હતી. તેમાં નળો બેસાડવાનું કામ, નળો ઠોકવાનું કામ બધું જ હાથથી જ થતું હતું. એટલે એક કાપડ બનાવવામાં લગભગ 15 દિવસ કરતા વધુ સમય જતો હતો. જ્યારે આજે ઊનની જગ્યાએ મેરિનો ઊન, સિલ્ક જેવું ફેબ્રિક વપરાય છે. જેના કારણે કામમાં ઝડપ આવી છે. લોકોને હંમેશા કંઈક નવું જ જોઈતું હોય છે એટલે અમે ડિઝાઈનમાં પણ ફેરફારો કરતા રહીએ છીએ. એક સાડી કે આખો ડ્રેસ મટિરિયલ બેથી ત્રણ દિવસમાં તૈયાર થાય છે. જેમાં સાડીની કિંમત લગભગ 12,000 રૂપિયાની આસપાસ રહે છે. જ્યારે ડ્રેસ મટિરીયલ તમને 8,000 રૂપિયાની આસપાસ તમને મળી જાય છે.લવજીભાઈ પરમારે 150થી વધુ કારીગરોને આ કળા શીખવાડી છે અને તેમને રોજગારીની તકો પણ પૂરી પાડી છે. આ રીતે તેમણે કળા અને રોજગારી બંનેનું સંરક્ષણ કર્યું છે. સરકારે પણ આ લુપ્ત થતી કળાના જતન માટે લવજીભાઈના યોગદાનની નોંધ લઈને તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવાનું નક્કી કર્યું છે તે ખરેખર ગુજરાતની સમૃદ્ધ કળા પરંપરા માટે એક ગૌરવની ક્ષણ છે.

(રાધિકા રાઓલ – અમદાવાદ)