ઐતિહાસિક ઈમારતો અને વેપાર-ઉધોગના ભવ્ય વારસાથી ધમધમતા અમદાવાદ શહેરમાં એક જ કિલોમીટરના એરિયામાં હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, યહુદી જેવા તમામ ધર્મના પવિત્ર સ્થાનો આવેલા છે. પાનકોર નાકા, ગાંધી રોડ, માણેકચોકને આવરી લેતા આ વિસ્તારમાં એક પવિત્ર જામા મસ્જિદ આવેલી છે, જે અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદ છે.
અમદાવાદ શહેરને વિકસાવવામાં જેનું મહત્વનું યોગદાન છે એવા અહમદશાહ બાદશાહે ઈ.સ. 1442માં આ મસ્જિદ બંધાવેલી. મસ્જિદની પૂર્વમાં અહમદશાહ બાદશાહ, એમના પુત્રો અને પૌત્રોની કબરો છે. મસ્જિદમાં એક સાથે મોટી સંખ્યામાં લોકો નમાજ અદા કરી શકે એટલી વિશાળ જગ્યા છે. ઈદ સમયે નમાઝ અને ઈફ્તારી માટે મોટી સંખ્યામાં મુસ્લિમો અહીં એકત્ર થાય છે.
જામા મસ્જિદથી એકદમ નજીક આવેલી કલાત્મક ઈમારતો બાદશાહનો હજીરો અને રાણીનો હજીરો તરીકે ઓળખાય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)