શરીરનો આકાર મહિલાની પ્રતિભા કરતાં વધુ મહત્વનો?

ઓફિસમાં બધા સામાન્ય દિવસની જેમ જ વ્યસ્ત હતા. કેબિનમાંથી હાસ્યના પડધા પડતા સંભળાતા હતા. એ જ સમયે મીટિંગ માટે શ્લોકા રૂમમાં પ્રવેશી, જે માર્કેટિંગ ટીમમાં કામ કરતી હતી. એ ખૂબ જ હોશિયાર, સજાગ અને પોતાના કામ પ્રત્યે પ્રતિબદ્ધ હતી, પણ એની મેદસ્વિતાને લઇને ઓફિસના કેટલાક સહકર્મચારીઓ હંમેશા એની મજાક કરતા.

‘અરે શ્લોકા, તારા માટે તો બે ખુરશી જોડવી પડશે…’ આવી તો કંઇ કેટલીય ટિપ્પણીઓ હસતાં હસતાં કરી દેતાં. જવાબમાં એ બહારથી સ્મિત કરી દેતી, પરંતુ અંદરથી એ શબ્દો એના મનમાં ઘા કરતા. એ જાણતી કે એનું વજન એની પ્રતિભા માપવાનો માપદંડ નથી, છતાં એ શબ્દોનો ભાર એના આત્મવિશ્વાસ પર પડતો. જ્યારે એ જ વિભાગમાં કામ કરતો મીત પણ થોડો મેદસ્વી હતો, પણ એના વજન વિશે ક્યારેય કોઈ કંઈ કહેતું નહોતું. એને તો બધા મીતભાઈ કહીને બોલાવતા. એના જોક્સ પર બધા હસતા, એના નેતૃત્વને વખાણતા. શ્લોકા વિચારતી કે એક જ ઓફિસમાં, એક જ સ્થિતિ, પણ વ્યવહાર કેમ આટલો જુદો?

સમાજમાં મહિલાઓને મેદસ્વીતાના કારણે જે માનસિક અને સામાજિક દબાણોનો સામનો કરવો પડે છે, એ પુરુષોની તુલનામાં ઘણું વધારે છે. જો મહિલાનું વજન થોડું પણ વધે તો એને માત્ર ઘરમાં જ નહીં, પરંતુ પરિવાર, સગા-સંબંધીઓ, મિત્રો અને ઓફિસમાં પણ હાસ્યનો વિષય બનાવવામાં આવે છે. શરીરનો આકાર મહિલાની પ્રતિભા, વ્યક્તિત્વ કે કૌશલ્ય કરતાં વધુ મહત્વનો ગણાય છે, જે જાતીય અસમાનતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. અલબત્ત, મહિલાઓને મેદસ્વીતાનો ઉપહાસ નહીં, પણ સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને સ્વીકારને કેન્દ્રમાં રાખી સમાજને નવી દ્રષ્ટિથી વિચારવું જરૂરી છે.

આ પીડાને તમારી ઓળખ ન બનવા દો

આજના સમાજમાં મેદસ્વીતા (વજન વધવું)ને એક શરમજનક બાબત તરીકે જોવામાં આવે છે, જ્યારે હકીકતમાં એ શરીરનો સ્વાભાવિક તબક્કો છે. આ સત્યને સમજવું જરૂરી છે. એક મહિલાનું અસ્તિત્વ, લાગણીઓ અને શક્તિ એ આકારથી ક્યાંય ઓછા કે વધારે થતી નથી.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા શિક્ષિકા પિંકલ દેસાઈ કહે છે કે, “જ્યારે સ્ત્રીનું વજન વધે છે, ત્યારે સમાજ એના શરીર પર ટિપ્પણીઓ કરે છે, હાસ્ય બનાવે છે, પરંતુ કોઈ એની લાગણીઓની ઊંડાઈમાં નથી ઝાંખતું. દરેક સ્મિત પાછળ કદાચ અગણિત ટિપ્પણીઓની પીડા છુપાયેલી હોય છે. પણ હું તો એટલું જ કહીશ કે સ્ત્રીઓ, આ પીડાને તમારી ઓળખ ન બનવા દો. દુનિયા તમને તમારા શરીરથી નહીં, પણ તમારી હિંમત, આત્મવિશ્વાસ અને પ્રેમથી ઓળખે એવો દ્રઢ સંકલ્પ લો. મહિલાનું સૌંદર્ય એની આકૃતિમાં નહીં, પરંતુ એની આત્મવિશ્વાસભરી આંખોમાં, એની શાંતિભરી સ્મિતમાં અને એની સંવેદનાશીલ હૃદયમાં વસે છે.”

સ્ત્રીનું શરીર એની ઓળખ નથી

કોઈ પણ મહિલાને એ સમજવામાં ઘણાં વર્ષ લાગી જાય છે કે એનું શરીર એની ઓળખ નથી. એ જેટલી મેદસ્વી હોય છે, એટલી જ મહેનતુ, આત્મવિશ્વાસી અને સંવેદનશીલ પણ હોય છે. છતાં પણ સમાજ હજુ પણ સ્ત્રીને એના શરીરના આકારથી માપે છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અર્પિતા ક્રિશ્ચિયન કહે છે કે, “સ્ત્રીઓને જ કહેવામાં આવે છે કે તુ તો હવે જાડી થઈ ગઈ છે. જુદી-જુદી વ્યક્તિ પોતાની રીતી અભિપ્રાય આપે છે. કોઈ કહે કે થોડું વજન ઘટાડો તો વધુ સારી લાગશો, તો કોઈ પાછળથી હસે છે. એ વાતો સીધી હૃદયમાં ઘૂસી જાય છે. પુરુષો માટે એ જ વસ્તુ નેચરલ ગણાય છે, પણ મહિલાઓ માટે હંમેશા કસોટી  બની જાય છે. મને સમજાયું કે જો હું જ મારી જાતને સ્વીકારતી ન હોઉં, તો બીજાઓ પાસેથી સ્વીકારની અપેક્ષા રાખવી વ્યર્થ છે. માટે જ કોઈ પણ યુવતિ, મહિલાએ પોતાની જાતને જેવી હોય એવી જ સ્વીકારવી જરૂરી છે.”

સ્ત્રીની મેદસ્વિતાને સંપૂર્ણપણે સમર્થન નથી…

આજના સમયમાં પ્રસૂતિ બાદ સ્ત્રીમાં મેદસ્વિતા આવી જાય છે. જે સ્ત્રીની અનિચ્છા એ આવે છે. જેના કારણે સ્ત્રીએ ડગલેને પગલે સમાજના મ્હેણાં ટોણા સાંભળવા પડે છે. ઘરના  જ લોકો જાડી, ટૂન ટૂનને બીજા ઘણા નામોથી મજાક ઉડાવતા હોય છે.

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એન્કર અને વોઈસ એક્ટર શ્રેયા કહે છે કે, “જરૂરી નથી કે સ્ત્રીની મેદસ્વિતાનું કારણ ફક્ત આહાર પર જ નિર્ભર કરે છે. પણ સ્ત્રીના શરીરની રચના પુરુષ કરતા ખૂબ જટિલ છે. પીસીઓડિ, પીસીઓએસ, થાઇરોઇડ કે અનિયમિત માસિકના લીધે પણ મેદસ્વિતાનો સામનો સ્ત્રી કરે છે. સ્ત્રીને એના બહારી દેખાવને લઈને જજ કરવામાં આવે છે. પણ શું આ જજમેન્ટના કારણે સ્ત્રીઓની મનોસ્થિતિ કેવી થઈ જાય છે એ કોઈને ખબર પડતી હશે?  સ્ત્રીઓનું ટેલેન્ટ, એમની કલા, પ્રતિભા કે વ્યક્તિત્વ, જે બધું જ ફક્ત એક કારણને લઈને પાછું પાડવામાં આવે છે મેદસ્વિતા. હું સ્ત્રીની મેદસ્વિતાને સંપૂર્ણપણે સમર્થન નથી આપતી કેમ કે આજની સ્ત્રી એ પણ એ સમજવાની પૂરી જરૂર છે કે મેદસ્વિતાને કારણે ઘણી બીમારીઓને આમંત્રણ મળે છે.”

હેતલ રાવ