કેવી રીતે ખંડેરમાં ફેરવાયું આ ગામ..?

ગુજરાતને અડીને આવેલું ગુજરાતીઓનું પ્રવાસન માટેનું એકદમ પ્રિય રાજ્ય એટલે રાજસ્થાન.  જેસલમેરના અફાટ રણની મજા લઈ પ્રવાસીઓ એક ઉજજડ થઈ ગયેલા ગામને જોવા જરૂર જાય છે. નિષ્ણાતોના મતે  જેસલમેરની નજીક આવેલું કુલધરા ગામ ધરતીકંપના કારણે નષ્ટ થઈ ગયું. જ્યારે લોક વાયકા પ્રમાણે ગામના લોકો પર દમન થતાં આખુંય ગામ સ્થળાંતર કરી ગયું.

કુલધરા ગામમાં છેલ્લા ૨૦૦ વર્ષથી કોઇ રહેતું નથી. આ ગામ કેવી રીતે ઉજજડ થયેલું તેનું રહસ્ય  વર્ષો પછી પણ ઉકેલાયું ન હોવાથી એને ભૂતિયા ગામની ઉપમા મળી છે. હાલમાં  હેરિટેજ સાઇટ ગણાતું આ ગામ પ્રવાસન સ્થળ પણ બન્યું છે. હાલ અહીં અનેક ફિલ્મો, જાહેરાતોની ફિલ્મ અને ફોટોગ્રાફી થાય છે. આસપાસના સ્થાનિક લોકોનું માનવું છે કે ૨૦૦ વર્ષથી આ ઉજ્જડ ગામમાં કોઇ એક રાત રહી શકયું નથી. જેને પણ રહેવા પ્રયાસ કર્યો એ ગાયબ થઇ જાય છે. દિવસે આવતા પર્યટકોને પણ આ ગામમાં આવીને કંઈક અનોખા અનુભવનો ભાસ  થાય છે. કોઇને બંગડીના રણકાર તો કોઈને નજીકથી કોઇ પસાર થયું હોય એવો ભાસ  થાય છે.

એક માન્યતા પ્રમાણે  ઇસ ૧૨૯૧માં પાલીવાલ બ્રાહ્મણે કુલધરા ગામ વસાવ્યું હતું. જેની આસપાસના ૮૪ ગામોમાં પણ પાલીવાલ બ્રાહ્મણની વસ્તી હતી. આ ગામમાં વસતા લોકો સુસંસ્કૃત અને વિદ્વાન હતા. એમના ઘરોનું મજબૂત બાંધકામ અને સગવડો એની ભવ્યતાની સાક્ષી પૂરે છે. અન્ય એક લોકવાયકા છે કે કુલધરા રજવાડાના દિવાન સાલમસિંહની આ ગામના પુજારીની યુવાન દીકરી પર નજર પડી. પ્રેમાંધ દિવાન કોઇ પણ ભોગે તેને મેળવવા ઇચ્છતો હતો. સાલમસિંહે એક વાર તો ધીરજ ગુમાવીને ગામના લોકોને છોકરી સોંપી દેવાની મુદત આપી. સાથે જ એની આ ઇચ્છા નહી સંતોષાય તો લોકોને પરીણામ ભોગવવાની ધમકી આપી. સૌ કુળ દિકરીના આત્મ સન્માન માટે ખોટી માંગણી સામે ઝુકવાના સ્થાને ગામ છોડી દેવાનું પસંદ કર્યુ . એક માન્યતા એવી પણ છે કે રાજા ક્રુર હોવાથી કર ખૂબ માંગતો અને ગુલામની જેમ રાખતો આથી લોકોએ ગામ છોડી દીધું હતું.

કુલધરા ગામ છોડતા પહેલા બ્રાહ્મણોએ શ્રાપ આપ્યો હતો કે હવે પછી આ ગામમાં જે આવીને રહેશે તે કયારેય સુખી થશે નહી.આજે કુલધરામાં માણસો તો શું પક્ષીઓ પણ રહેવાનું પસંદ કરતા નથી. લોકોનું દ્રઢપણે માનવું છે કે ભૂત-પિશાચ અને અસૂરી આત્માઓએ ગામનો કબ્જો લઇ લીધો છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે અહીંયા રહેતા લોકો ખૂબજ સમૃદ્ધ હતા તેમની પાસે સોનું ખૂબ હતું જે જમીનમાં દાટીને રાખતા હતા. કેટલાકે સોનાની લાલચમાં ગામ ખોદી નાખતા ગામ ઉજ્જડ થઇ ગયું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)