અમદાવાદની એકદમ મધ્યમાં આવેલો લાલ દરવાજા વિસ્તાર વર્ષોથી એ.એમ.ટી.એસ એટલે કે લાલ બસનો ડેપો, બેંક, હોમગાર્ડઝ, સ્નાનાગાર, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત, કોર્ટ કચેરીઓ, વેપારથી ધમધમતો વિસ્તાર છે.
આ વિસ્તારમાં નદીને એકદમ અડીને વસંત ચોક આવેલો છે. એમ કહી શકાય કે મરાઠી લોકોના વસવાટ ધરાવતા આ નાનકડા વિસ્તારના મંદિરોમાં તમામ દેવી દેવતાઓ બિરાજમાન છે. આ મંદિરોમાં એક વિશિષ્ટ મંદિર વિઘ્નહર્તા ગણેશજીનું છે.
અમદાવાદમાં એક સમયે ગાયકવાડ સરકાર હતી એટલે મહારાષ્ટ્રીયન સમાજનો પણ અહીં વસવાટ છે. મરાઠી બહુમતી ધરાવતા આ વિસ્તારમાં અંદાજે 350 વર્ષ જૂનું આ મંદિર હોવાનું માનવામાં આવે છે, જેમાં ભગવાન ગણેશની બે મૂર્તિ છે. કહેવાય છે કે આ બે મૂર્તિમાં એક સ્વયંભૂ પ્રગટ થઈ છે, જ્યારે બીજી એક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. રિદ્ધિ-સિધ્ધિ સાથે બિરાજમાન આ ગણપતિદાદાની સૂંઢ જમણી તરફની છે.
ભદ્રના આ રહેણાંક વિસ્તારમાં મૂળ નિવાસી લોકો ઓછા થતાં જાય છે, પણ ભદ્રના આ ગણપતિ મંદિરની ખ્યાતિ એટલી વધતી જાય છે કે સંકટ ચોથ, મંગળવાર અને અમુક તિથિ તહેવાર ઉત્સવ વેળાએ શ્રધ્ધાળુઓની લાંબી કતારો લાગે છે. લોકમાન્ય તિલકે સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત કરી એ પછી આ વિસ્તાર સાર્વજનિક ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી માટે જાણીતો છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)