વડોદરાના ડૉ. બિનલ રાણાએ માલદિવ્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ભારતનું નેતૃત્વ કર્યું છે. આ કરનારા તેઓ ગુજરાતના પ્રથમ મહિલા બોડી બિલ્ડર છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા ન બની શકવા છતાં બોડી બિલ્ડિંગની દુનિયામાં પ્રતિષ્ઠિત ગણાતા WBPF (વર્લ્ડ બોડી બિલ્ડિંગ એન્ડ ફિઝિક્સ સ્પોર્ટ્સ ફેડરેશન)ના કેલેન્ડર પર ચમકવાનો મોકો મળ્યો છે. વર્ષ 2016થી ડૉ. બિનલ રાણા મહિલા બોડી બિલ્ડિંગની સ્પર્ધાઓમાં ભાગ લે છે. 2016થી લઈને 2024 સુધીની તેમની આ સફર જરા પણ સરળ રહી નથી.
ડૉ. બિનલ રાણા વ્યવસાયે તો કાર્ડિયો ફિઝિયોથેરાપીસ્ટ છે, પરંતુ બોડી બિલ્ડિંગ તેમની પેશન છે. એ હદ સુધી કે પોતાના પેશનને ફૉલો કરવા માટે બિનલબેને પોતાના માતા-પિતાનું ઘર પણ છોડવું પડ્યું હતું.
બિનલબેન જીમમાં જતા ત્યારે ટ્રેનર સંદીપ ચૌહાણે એમને બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં આગળ વધવાની સલાહ આપેલી. એ સમયે અને હજુ આજે પણ, કોઈ યુવતી આવીને કહે કે મારે બોડી બિલ્ડિંગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે, તો લોકોને અચરજ થાય એવો માહોલ પ્રવર્તે છે. બોડી બિલ્ડિંગની સ્પર્ધાઓમાં બિકીની પહેરવી પડે છે એ પણ મહિલાઓ માટે શરમ-સંકોચનું કારણ ખરું.
પરંતુ આ બધામાં અલગ પડતાં ડૉ. બિનલ રાણા બોડી બિલ્ડર, વુમન્સ ફિઝીક્સમાં ઍથ્લીટ તેમજ કાર્ડિયો ફિઝિયૉથૅરપિસ્ટ છે. તેમણે અમદાવાદ, મુંબઈ, ગોવા, પૂણે વગેરે શહેરોમાં યોજાયેલી અનેક બોડી બિલ્ડિંગની સ્પર્ધામાં ભાગ લીધો છે. બિનલબેન ભારતના એક માત્ર લિગલ ફેડરેશન એવા ‘ઈન્ડિયન બોડી બિલ્ડર્સ ફેડરેશન’ના સભ્ય છે. તેમજ તેમની સૌથી મહત્વની વાત એ છે કે તેઓ નેચરલ એથ્લિટ છે. બોડી બિલ્ડિંગ માટે તેઓ કોઈપણ પ્રકારના ઈનહેન્સિંગ ડ્રગ્સ( શક્તિ વધારવા માટેની દવાઓ) લેતા નથી. જેના કારણે તમે બિનલબેનને 365 દિવસ ફિટ બોડીમાં જ જોઈ શકો છો.
વુમન્સ ફિઝીક્સમાં તેમને જ્યારે મંચ પર બોડી બિલ્ડર તરીકે રજૂ થવાનું હોય ત્યારે બિકીની પહેરવી પડે છે. બિનલબેન કહે છે, “હું બિકીની પહેરું તે મારા માતા-પિતાને પસંદ ન હતું. એવી કેટલીય સ્પર્ધાઓ હશે જેમાં ભાગ લેતા સમયે મેં ઘરે જણાવ્યું ન હતું. અથવા ફક્ત એટલું જ કહ્યું હોય કે હું ફિટનેસ કૉમ્પિટીશનમાં રમવા જાઉં છું. જો કે હું આ બધી કૉમ્પિટીશન્સના ફોટો સોશિયલ મીડિયા પર મૂકતી હતી. કેમ કે મારાં માતા-પિતા સોશિયલ મીડિયા પર નથી. જો કે, એકદિવસ મારા માતાના એક બહેનપણી ઘરે આવ્યા અને તેમણે મારી માતાને કહ્યું કે તમારી દીકરી તો ખૂબ જ આગળ વધી ગઈ છે. તમે તો તેને બહુ જ છૂટ આપી દીધી છે. તે કૉમ્પિટીશનમાં બિકીની પહેરીને શરીરનું પ્રદર્શન કરે છે. આ વાત સાંભળીને મારા મમ્મીને ખૂબ ખોટું લાગ્યું હતું. તેમને થયું હતું કે મારી દીકરી આ બધું શું કરી રહી છે!
બિનલબેન કહે છે કે, આપણા સમાજમાં દરેક મા-બાપ એવું જ ઈચ્છે કે તેમના બાળકો ડોક્ટર કે એન્જિનિયર બને. કોઈપણ મા-બાપ પોતાના બાળકોને આર્ટિસ્ટ બનાવવા જ માગતા નથી. હું ભણવામાં હોંશિયાર હતી એટલે સાયન્સ સ્ટ્રિમમાં ભણીને ફિઝિયૉથેરાપિસ્ટ બની ગઈ. હવે મારા માતા-પિતાએ મને કહ્યું કે તું ફિઝિયૉથૅરપિસ્ટ છે તું આ રીતે શરીરનું પ્રદર્શન કરે તે ન શોભે. જો કે મારું મન એવું કહે છે કે આ મારો ગમતો વિષય છે અને હું બીજા રમતવીરોની જેમ મારા ફિલ્ડમાં મારું બેસ્ટ પ્રદર્શન કરું છું, જેમાં મને કોઈ શરમની વાત લાગતી નથી.
છેલ્લાં આઠ વર્ષથી બિનલબેન એકલાં જ રહે છે. શરૂઆતમાં ઘર-પરિવારથી દૂર રહેવું તેમને ખટકતું હતું. ઘરની ખૂબ યાદ આવતી હતી. જો કે ધીમે-ધીમે આદત પડી ગઈ છે. પરંતુ બિનલબેન પોતાના પેશનને વળગી રહ્યા, પોતાના નિર્ણય પર અડગ રહ્યા.
અલબત્ત, હવે તેમના માતા-પિતા તેમનાથી નારાજ નથી. પરિવાર તેમને પૂરેપૂરો સપોર્ટ કરે છે. છેલ્લે બિનલબેન આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે માલદિવ્સ જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમના પિતાએ ખૂબ જ સપોર્ટ પણ કર્યો. જો કે સંઘર્ષના દિવસો હજુ પણ બિનલબેનને ઈમોશનલ કરી દે છે.
બિનલબેનનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી. તેઓ કહે છે, “લોકોએ એ સમજવાની જરૂર છે કે જેમ સ્વિમરને સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરવા પડે છે, તેવી જ રીતે બોડી બિલ્ડિંગમાં મહિલા ખેલાડીએ બિકીની પહેરવી પડે છે. કારણ કે બિકનીમાં જ ખેલાડીનું સુડોળ શરીર સારી રીતે લોકો સમક્ષ રજૂ કરી શકાય છે. એમ તો મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓમાં પણ યુવતીઓએ બિકની રાઉન્ડમાંથી પસાર થવું જ પડે છે. તો આ અલગ-અલગ સ્પર્ધાઓની જરૂરિયાત પ્રમાણે નિયમો બનાવેલા હોય છે. જેમાં કોઈપણ પ્રકારની શરમની વાત મને લાગતી નથી.
બોડી બિલ્ડિંગ વિશે વાત કરતા એ કહે છે, બોડી બિલ્ડિંગનો અર્થ એવો નથી કે તમારી પાસે પુરુષો જેવા અત્યંત કસાયેલા મસલ્સ હોય. પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ વ્યાપક માત્રામાં હોય છે. મહિલા ખૂબ કસરત કરે તો પણ પુરુષો જેવી કસાયેલી સ્નાયુઓવાળી બોડી બનાવી શકતી નથી. પરંતુ આ દરેકની પોતાની ચોઈસની વાત છે. મને જિમમાં જઈને કસરત કરવી ગમે છે. કસાયલું શરીર, સુડોળ શરીર મને ગમે છે. બોડી બિલ્ડિંગનો ફાયદો એ છે કે તેનાથી સ્નાયુઓ વધુ મજબૂત બને છે.
બિનલ રોજ એક કલાક જિમમાં જઈને કસરત કરે છે. તે માને છે કે એક કલાકની કસરત પર્યાપ્ત છે.
બિનલબેનનું કહેવું છે કે, હું બોડી બિલ્ડિંગને એક સ્પોર્ટસ તરીકે જોઉં છું. લોકો તેને કઈ રીતે જુએ છે તે વાતની મને ખબર નથી. પરંતુ હું તો એક એક કાર્ડિયો ફિઝિયૉથેરાપિસ્ટ છું. તો મને તો ખબર છે કે સ્વસ્થ રહેવું કેટલું જરૂરી છે. કારણ કે દરેક નવા રોગની દવા ઉપલબ્ધ હોય તેવું જરૂરી નથી. જો તમારી ઈમ્યુનિટિ સારી હશે તો જ તમે કોઈપણ રોગ સામે રક્ષણ મેળવી શકો છો. આથી હું તો જિમમાં જઈને કસરત ફિટ રહેવા માટે જ કરું છું.
બોડી બિલ્ડિંગના ફિલ્ડ વિશે વાત કરતા ડૉ. બિનલ રાણા કહે છે કે આ ખૂબ જ કોસ્ટલી ફિલ્ડ છે. જેમાં વળતર કરતાં ઘરનો ખર્ચો વધુ થાય છે. જેમાં તમારો ડાયેટનો ખર્ચો થાય, ટ્રાવેલિંગનો ખર્ચો થાય, અકોમોડેશનનો ખર્ચો થાય, સ્પર્ધાઓમાં ભાગ લેવા માટેની ફીનો ખર્ચો થાય. આથી લોકો આ ફિલ્ડમાં જલ્દી આવતા નથી. હું તો એક પ્રોફેશનલ ફિઝિયૉથેરાપિસ્ટ છું એટલે મારી અર્નિંગનો સોર્સ છે. પરંતુ જો કોઈ વિચારે કે માત્રને માત્ર બોડી બિલ્ડિંગ કરીને જ જીવનનિર્વાહ ચાલે તો તે શક્ય નથી. સરકાર તરફથી આ ફિલ્ડ માટે કોઈ પ્રોત્સાહન મળતું નથી. પુરૂષોની સરખામણીમાં મહિલાઓને વળતર પણ ઓછું મળે છે. આથી સંઘર્ષ તો આ ફિલ્ડમાં ઘણો છે. પરંતુ મારા માટે તો આ માત્ર પેશન છે. જેની સાથે હું આગળ વધી રહી છું.
(રાધિકા રાઓલ – અમદાવાદ)