યુનેસ્કો દ્વારા હેરિટેજ શહેર તરીકેની ઓળખ મેળવી ચૂકેલું અમદાવાદ એ ઈતિહાસ અને સંસ્કૃતિનું જીવંત સાક્ષી છે. 600 વર્ષથી પણ વધુ જૂનું આ શહેરમાં વિવિધ દરવાજાઓ, હવેલીઓ, મંદિરો અને મસ્જિદોથી સંવર્ધિત છે. શહેરનીવિવિધ પોળોની સંસ્કૃતિ, શિલ્પકલા તેમજ જીવંત પરંપરાઓએ આ શહેરને માત્ર હેરિટેજ જ નથી બનાવ્યું, પરંતુ તેને અનુભવવા માટે લોકજીવન ભરેલો ખજાનો બનાવી દીધું છે. આવી ધરોહરને જોવા માટે દૂર-દૂરથી, દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. ત્યારે આ બે કિલોમીટરના હેરિટેજ વોક રૂટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુરોપિયન સ્ટ્રીટની જેમ ડેવલોપ કરવામાં આવશે. આ ડેવલોપમેન્ટલ કામગીરી વિશે માહિતી મેળવવા માટે ચિત્રલેખા.કોમના ‘છોટી સી મુલાકાત’ વિભાગમાં અમે વાત કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રમ્ય ભટ્ટ સાથે.
ચિત્રલેખા.કોમ: આ 2 કિલોમીટરના હેરિટેજ વોક રૂટમાં કયા કયા વિસ્તારનો સમાવેશ થાય છે?
રમ્ય ભટ્ટ: હેરિટેજ વૉકના રૂટની જો વાત કરવામાં આવે તો કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી તેની શરૂઆત થાય છે. રૂટમાં ચાંદલા પોળ, ચૌમુખજીની પોળ, શેઠની હવેલી, ઝવેરીવાડ, સાંજેલી પોળ, માણેક ચોક, ગાંધીરોડ, મુહૂર્ત પોળ, જુમ્મા મસ્જિદ, બાદશાહનો હજીરો તેમજ રાણીના હજીરા જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.
આ ડેવલપમેન્ટ વર્કમાં કયા પ્રકારના કામનો સમાવેશ થશે?
આ ડેવલપમેન્ટ વર્કમાં બે કિલોમીટરના હેરિટેજ વોક રૂટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યુરોપિયન સ્ટ્રીટની જેમ ડેવલોપ કરવામાં આવશે. યુરોપિયન સ્ટ્રીટમાં લાગેલા પથ્થરોની જેમ જ અમદાવાદના હેરિટેજ વોક રૂટમાં પથ્થરો લગાવવામાં આવશે. આ સાથે વોક રૂટની તમામ બિલ્ડિંગોને આગળના ભાગેને કલર કરવામાં આવશે. ડેકોરેટિવ લાઇટિંગ પણ તમામ સ્થળો પર કરવામાં આવશે. આ ઉપરાંત હેરિટેજ રૂટમાં આવતા તમામ મોન્યુમેન્ટ વિશેની માહિતી QR કોડ સ્કેન કરતાની સાથે જ મળી રહેશે.
QR કોડના માધ્યમથી માહિતી મળશે એવી વાત કહેવામાં આવી રહી છે, તો તેમાં શું માહિતી મળશે? અને ભાષા વિકલ્પો હશે કે નહીં?
હેરિટેજ રૂટ પર અનેક ભવ્ય અને પૌરાણિક ઈમારતો આવેલી છે. પછી તે મંદિર હોય, જૈન દેરાસર હોય, કેલિકો ડોમ હોય કે કોઈ પોળનો ચબૂતરો પણ હોય. આ બધાં વિશેની માહિતી લોકોને એક QR કોડ સ્કેન કરવાથી મળી રહેશે. માહિતી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં મળી રહેશે. જેથી સ્થાનિક તેમજ દેશ-વિદેશથી આવતા પર્યટકોને કોઈ પણ પ્રકારની તકલીફ પડે નહીં.
આ પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે અને ક્યારે સુધી પૂર્ણ થવાની આશા છે?
આ પ્રોજેક્ટ જે વિસ્તારમાં કરવાનો છે, ત્યાંના સ્થાનિકો સાથે હાલમાં વાતચીત ચાલી રહી છે. મોટાભાગે સ્થાનિકો સાથેની વાતચીત પૂર્ણ થયા બાદ આવતા મહિને કામનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. ત્યારબાદ શરૂ થયાના લગભગ બે વર્ષમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. પહેલાં તબક્કામાં કાલુપુર સ્વામીનારાયણ મંદિરથી લઈને રિલીફ રોડ સુધીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજા તબક્કામાં રિલીફ રોડથી લઈને દોશીવાડાની પોળ સુધીના રૂટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા તબક્કામાં દોશીવાડાની પોળથી લઈને માણેકચોક સુધીના રસ્તાનું ડેવલોપમેન્ટ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટથી અમદાવાદ શહેરના ટુરિઝમ પર શું અસર પડશે?
પ્રવાસીઓનો અનુભવ વધારે રીચ ઈન્ટરએક્ટિવ બનશે. આમ તો હેરિટેજ રૂટ પહેલાંથી જ પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. આ નવા પ્રોજેક્ટ બાદ આશા છે કે પર્યટકોનો અનુભવ વધુ મેમોરેબલ બનશે. આપણા શહેરની હેરિટેજ વેલ્યુ દૂર-દૂર સુધી પહોંચશે. સ્પિરિચ્યુઅલ, કલ્ચરલ અને હિસ્ટોરિકલ ટુરિઝમમાં વધારો જોવા મળશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
