અમેરિકામાં એક તરફ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલી લોસ એન્જલસ કાઉન્ટીમાં કાઉન્સિલની TV ચૂંટણીનો પણ ધમધમાટ ચાલી રહ્યો છે. આગામી નવેમ્બર મહિનામાં અહીં કાઉન્સિલરો માટેની ચૂંટણી યોજાવાની છે. ગુજરાત માટે સૌથી મહત્વની વાત એ છે કે અહીં લોસ એન્જલસ કાઉન્ટીના આર્ટિસિયા શહેરમાંથી ગુજરાતના મૂળ સુરતના રહેવાસી યોગી પટેલે રિપબ્લિકન પાર્ટીમાંથી ઝંપલાવ્યું છે.
યોગી પટેલ વિશે જાણીએ તે પહેલાં આ ચૂંટણી અને એમાં એક ગુજરાતી ઉમેદવારનું લડવું એટલે શું એ વિશે જાણીએ.
- કાઉન્ટીમાં જો કોઈપણ પ્રકારના નવા કાયદાઓ રજૂ કરવામાં આવે છે અથવા તો કાયદાઓ બનાવવામાં આવે કે નહીં તે નક્કી કરવા માટે તેઓ મતદાન કરી શકે છે.
- શહેરનું સંચાલન કરવા માટેના બજેટ પર ચર્ચા-વિમર્શ કરીને તેને મંજૂર કરાવે છે.
- શહેરને લગતા સાર્વજનિક સુધારણાલક્ષી કાર્યો મંજૂર કરવા અને જાહેર કામના પ્રોજેક્ટ્સને અધિકૃત કરવા જેવી બાબતો તેમના અધિકારમાં આવે છે. આ ઉપરાંત, કર વસૂલી અને શહેરના કરનું નિયમન કરવું, ટ્રાફિક નિયમોનું યોગ્ય પાલન અને નવા ટ્રાફિક નિયમો ઘડવા તેમને અધિકૃત હોય છે.
યોગી પટેલ કેલિફોર્નિયાના 45મા કોંગ્રેસનિયલ ડિસ્ટ્રિક્ટ (California’s 45th congressional district)ના આર્ટિસિયા શહેરમાંથી રિ-પબ્લિકન પાર્ટીમાંથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અહીં ગુજરાતીઓની વસ્તી ખુબ જ મોટા પ્રમાણમાં છે. આથી જો યોગી પટેલ કાઉન્સિલ મેન તરીકે ચૂંટાયને આવે છે તો તેમની કાઉન્ટિમાં રહેતા ગુજરાતીઓને તેનો લાભ ચોક્કસથી મળી શકે છે. કારણ કે તેઓ આ કાઉન્ટીમાં વધારે સારા કાયદા અને સુવિધાઓનું નિર્માણ કરવા માંગે છે. હાલમાં તેઓ લોસ એન્જલસ કાઉન્ટિના સૌથી યુવા કાઉન્સિલમેન ઉમેદવાર છે. પાંચ વર્ષથી રિપબ્લિકન પાર્ટી સાથે જોડાયેલા યોગી પટેલનું નામ એવાં સમયે સામે આવ્યું છે જ્યારે ભારતીય-અમેરિકન મૂળના નીકિ હેલીનું નામ રિપબ્લિકન પાર્ટીમાંથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાં આગળ ચાલી રહ્યું છે.
કોણ છે યોગી પટેલ?
અમેરિકાના લોસ એન્જલસ ખાતે છેલ્લા 20 વર્ષથી રહેતા યોગી પટેલ મૂળ સુરતના છે અને અમેરિકામાં અભ્યાસ કરીને તેઓ કેમિકલ એન્જિનિયર બન્યા છે. 41 વર્ષીય યોગી પટેલ અમેરિકામાં હોટલ-મોટલ બિઝનેસ, રિયલ એસ્ટેટ બિઝનેસ અને મોટાપાયે સામાજિક કાર્યો સાથે જોડાયેલાં છે. તેઓ ઉત્તર અમેરિકાની ઈન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રમુખ છે. સાથે જ બે મૂળ ગુજરાતી લેબનોન હોસ્પિટાલિટી ગ્રુપના સ્થાપક છે. યોગી પટેલ છેલ્લાં ઘણાં સમયથી સામાજિક સેવા સાથે પણ સંકળાયેલા છે અને વિવિધ હોદ્દાઓ પર માનદ સેવાઓ પુરી પાડી રહ્યા છે. એક્ટિવ ઈન્ડિયન તરીકે તેમની નોંધ રિપબ્લિકન પાર્ટીમાં લેવાયા બાદ તેમના પર આ વર્ષે કાઉન્સીલ મેન તરીકેની જવાબદારી આપવાનું મન પાર્ટીએ બનાવી લીધુ છે.યોગી પટેલનો ‘વિકાસ મેપ’
રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર યોગી પટેલે અમેરિકામાં ચૂંટણીમાં ઝંપલાવ્યા બાદ તેઓએ વિકાસ માટેનો આખો રોડ મેપ જણાવ્યો હતો. તેમણે કહ્યું કે, અમેરિકન કામદારો અને તેઓના પરિવારને પરવડે એવું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ચાઈલ્ડ કેર એડવાન્સ એપ્રેન્ટિસશિપ કરિયર મળશે, જેમાંથી સારા પૈસા પણ મેળવી શકાય. આ ઉપરાંત મહિલાઓના ગ્લોબલ ડેવલપમેન્ટ અને પ્રોસ્પેરિટી જેવા કાર્યક્રમ લોન્ચ કરવામાં આવશે. સરકાર મહિલાઓને સશક્ત કરવા માટે મહિલાનો કેન્દ્રમાં રાખીને અનેક કાર્યક્રમો પણ કરશે.
યોગી પટેલનું માનવું છે કે રિપબ્લિકન પાર્ટીએ અમેરિકાના વિકાસમાં અને વિકાસને લગતા કાયદાઓ ઘડવામાં મોટો ફાળો આપ્યો છે. જો રિપબ્લિકન પાર્ટી અમેરિકામાં સત્તા પર આવશે તો તેનો ફાયદો ચોક્કસથી સમગ્ર અમેરિકનોની સાથે અહીં વસતા ગુજરાતીઓને પણ મળશે. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે 40 વર્ષોમાં પ્રથમ વખત રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ અધિનિયમ (NEPA)ને આધુનિક બનાવવામાં આવ્યો. જો કે તેની અમલવારી કરવામાં આવી નથી. ફરી રિપબ્લિકન પાર્ટી સત્તામાં આવશે તો તેની અમલવારી ચોક્કસથી કરાવવામાં આવશે. એકવાર સંપૂર્ણ રીતે અમલમાં આવ્યા પછી, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાથ ધરવામાં આવેલી20 મોટી ડિરેગ્યુલેટરી ક્રિયાઓથી અમેરિકન ગ્રાહકો અને વ્યવસાયોને દર વર્ષે 220 ડોલર બિલિયનથી વધુની બચત થવાની અપેક્ષા છે.
રિપબ્લિકન પાર્ટી સત્તામાં આવે તો!
યોગી પટેલનું કહેવું છે કે, રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે અગાઉના વહીવટીતંત્ર કરતા 23 ગણી ઝડપથી નોકરીઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવી હતી. અમેરિકાએ 7 મિલિયન નવી નોકરીઓને જન્મ આપ્યો હતો, જે સરકારી નિષ્ણાતોના અંદાજા કરતાં ત્રણ ગણા કરતાં વધુ હતો. આ સાથે આશરે 3.4 ટ્રિલિયન ડોલર મોટામાં મોટું નાણાકીય આર્થિક પેકેજ આપીને અમેરિકાના અર્થતંત્રને બચાવી લેવાયું હતું. તેમણે કહ્યું કે, તેમની સરકાર દ્વારા સ્મગલિંગ, કબૂતરબાજી અને આતંકવાદીઓને પરાસ્ત કરીને તેઓના આકાઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે સારા પગારવાળી નોકરીઓ માટે અદ્યતન એપ્રેન્ટિસશીપ કારકિર્દી માર્ગો, વિમેન્સ ગ્લોબલ ડેવલપમેન્ટ એન્ડ પ્રોસ્પેરિટી (W-GDP) પહેલ શરૂ કરવામાં આવી હતી. ટ્રમ્પ સરકાર જ્યારે સત્તામાં હતી ત્યારે મધ્યમ-વર્ગની કૌટુંબિક આવક લગભગ 6,000 વધી – અગાઉના સમગ્ર વહીવટ દરમિયાનના લાભો કરતાં પાંચ ગણા કરતાં વધુ લોકોને લાભો મળ્યા. બેરોજગારીનો દર 3.5 ટકા પર પહોંચ્યો હતો, જે અડધી સદીમાં સૌથી નીચો હતો. પહેલા કરતાં વધુ અમેરિકનોએ રોજગારી નોંધાવી હતી – લગભગ 160 મિલિયન. જોબલેસ ક્લેમ લગભગ 50 વર્ષમાં સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. આથી ફરી એકવાર રિપબ્લિકન પાર્ટીની સરકાર સત્તામાં આવશે તો આ પ્રકારના અચ્છે દિન ફરીથી પાછા આવશે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
