નવું વર્ષ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આપણામાંથી દરેક પાસે નવા
વર્ષ માટે કંઈક ને કંઈક પ્લાનિંગ હોય છે. કોઈને જિમ શરૂ કરવું છે, કોઈને ડાયેટ કરવો છે, કોઈને કંઈક ખરીદવું છે, તો કોઈને પોતાની આદતોમાં ફેરફાર કરવો છે. પરંતુ આ બધાનો મુખ્ય હેતુ એક જ છે – ટ્રાન્સફોર્મેશન.
એવી બદલાવની પ્રક્રિયા, જ્યાં થોડાં પગલાં સુધારા તરફ લઈ જઈ શકે. જે આપણે અત્યાર સુધી કરી શક્યા નથી, અથવા કોઈને કોઈ કારણસર ટાળતા રહ્યા છીએ.
સમયના બહાને કે આળસના કારણે આપણે અમુક કામ હંમેશા માટે મુલતવી રાખીએ છીએ, કારણ કે આપણે એ માટે સતત મોટીવેશન શોધતા રહીએ છીએ.
કોઈ આપણને ટ્રિગર કરે, કોઈ જોશભર્યા પ્રવચનો સાંભળીએ, ત્યારે ઉલ્લાસમાં આવીને આપણે કોઈ નિર્ણય લઈ લઈએ છીએ. પરંતુ થોડા દિવસોમાં એ ઉત્સાહ ધીમે ધીમે ઓસરવા લાગે છે અને ફરી બધું જ સાઈડ પર જતું રહે છે. સમયના બહાને એ કામ ફરીથી સ્થગિત થઈ જાય છે.

પ્રશ્ન એ છે કે આવું કેમ થાય છે? શા માટે આપણને દરેક કામ માટે વારંવાર મોટીવેશનની જરૂર પડે છે?
મોટીવેશન શબ્દને સમજવા માટે એક નાની વાર્તા જોઈએ.
એક વખત એક ટીનએજ દીકરાએ તેના પપ્પાને કહ્યું,
“પપ્પા, હું અત્યારે બહુ ડિમોટિવેટ અનુભવું છું. મને કશું કરવાનું મન નથી થતું. થોડા સમયમાં ફરી હું મોટીવેટ થઈ જઈશ, પરંતુ મારો પ્રશ્ન એ છે કે મારું મોટીવેશન કાયમી નથી.”
પપ્પાએ શાંતિથી પૂછ્યું, “તુ હમણાં શું કરીને આવ્યો?”
દીકરાએ કહ્યું, “હું પ્લે ગ્રાઉન્ડમાંથી બાસ્કેટબોલ રમીને આવ્યો છું.”
“કેમ?”
“અરે પપ્પા, હું તો 9 વર્ષથી બાસ્કેટબોલ રમું છું. એમાં શું મોટીવેશનની જરૂર?”
પપ્પાએ કહ્યું,
“એજ તો હું સમજાવવું માગું છું. રમવા માટે, નેટફ્લિક્સ જોવા માટે કે જમવા માટે તું ક્યારેય ડિમોટિવેટ થતો નથી. તો પછી અમુક કામ કરવા માટે જ તને મોટીવેશનની જરૂર કેમ પડે છે?”
આ નાની વાર્તા બહુ મોટો સંદેશ આપે છે.
જ્યાં સુધી આપણે કોઈ કામની જવાબદારી સ્વીકારતા નથી, ત્યાં સુધી આપણે એ કરવા માટે અસમર્થ જ રહીએ છીએ. ઘણીવાર આપણે એ કામની સાચી કિંમત સમજી શકતા નથી, એટલે બહાનાં શોધી લઈએ છીએ.
રોજ જમવા, ફોન સ્ક્રોલ કરવા કે ગપ્પાં મારવા માટે આપણને કોઈ મોટીવેશનની જરૂર પડતી નથી. પરંતુ જે કામ ખરેખર મહત્વનું છે, એ માટે આપણે ડિમોટિવેટ થઈ જઈએ છીએ.
એક સમય હતો, જ્યારે ક્યારેક જ કોઈ ગુરુ અથવા શિક્ષક પોતાના શિષ્યોને જીવનના મૂલ્યો સમજાવતા. આજે ડિજિટલ યુગમાં આ બધું એક ક્લિકમાં ઉપલબ્ધ છે. એક જ સ્ક્રોલમાં જીવન, મરણ, ધર્મ, કર્મ, સ્વર્ગ-નર્ક બધું જ સમજાવનારાઓ મળી જાય છે – એ પણ અલગ અલગ ઉદાહરણો સાથે.
પરિણામે “મોટીવેશન” શબ્દ ચણા-મમરા જેવો હાથવગો બની ગયો છે. દરેક તેને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે, એટલે તેનું મૂલ્ય ધીમે ધીમે ઘટતું ગયું. સફળતાનું માપ હવે સોશિયલ મીડિયાની લાઈક્સ અને કોમેન્ટ્સ બની ગયું છે. સ્ટેટસનું કન્ટેન્ટ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ બનતું જાય છે. ચમકદાર ફિલ્ટર્સ અને એપ્સે માણસાઈની પારદર્શિતા ઝૂંટી લીધી છે.
કોઈને દેખાડવા માટે બદલાવ જરૂરી બન્યો, એટલે આપણી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ. અને જે કામ “કરવું જ પડે” એવા બન્યા, એ માટે આપણે મોટીવેશન શોધવા લાગ્યા.

આજે પણ ગામડાંમાં દાદા ભર ઉનાળે ખેતરે જાય છે, માતાઓ માથે પાણીના બેડલા લઈને માઈલો ચાલે છે – એ માટે તેમને કોઈ મોટીવેશન સ્પીકર કે લેક્ચરની જરૂર પડતી નથી. કારણ કે એ તેમની જરૂરિયાત છે, દેખાડો નથી.
હેલ્થ હોય કે વેલ્થ, બચત કરવી હોય કે યોગા શરૂ કરવો હોય – જ્યાં સુધી આપણે એનું મહત્વ સાચે સમજી શકીએ નહીં, ત્યાં સુધી એ કામ આપણાથી થવાનું જ નથી.
આ નવા વર્ષે, રિઝોલ્યુશનનું લિસ્ટ બનાવતા પહેલા, તેની વેલ્યુનું એનાલિસિસ જરૂર કરજો.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)


