એક ચકલી ઝાડ પર બેસીને પવનમાં ઝૂલા ખાય છે. એક નાનો બાળક ક્લાસરૂમની બારીમાંથી તેને
જોઈને પોતાની કલ્પનાઓની આખી દુનિયા રચી લે છે. આકાશમાં વાદળોના આકાર અને રંગ તેના મૂડને રંગી દે છે, તેના મનને વિચારોની પાંખો આપે છે. ત્યાં જ અચાનક ચોકનો એક ટુકડો તેના ગાલ પર વાગે છે.
“અહીં ધ્યાન આપ!”
શિક્ષકના અતિ ક્રોધિત ચહેરાનો રંગ તેની સપનાઓને બેરંગ કરી નાખે છે અને કલ્પનાઓના ઘોડા પાછા તબેલામાં જઈને બેસી જાય છે.
આ ખૂબ જ સામાન્ય વાત છે. ઘણા બાળકોને ક્લાસરૂમના લેક્ચરમાં ખાસ રસ હોતો નથી અથવા તેઓ લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે છે. તેનો અર્થ એ નથી કે તેઓ માત્ર બેકબેન્ચર્સ છે, આળસુ છે અથવા ભણવામાં નબળા છે. તેમની શીખવાની પદ્ધતિ અલગ હોઈ શકે છે. તેઓ બધું શીખવા અને કરવા માંગતા હોય છે, પરંતુ પોતાની આગવી રીતે. તેથી સામાન્ય કામ હોય કે શાળાના લેક્ચર્સ, તેમનું ધ્યાન તેમાં લાંબા સમય સુધી ટકી શકતું નથી.

તેના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં ADHD (Attention Deficit Hyperactivity Disorder) પણ એક કારણ હોઈ શકે છે.
અભિનેત્રી આલિયા ભટ્ટે પણ જાહેરમાં જણાવ્યું છે કે તેમને ADHD છે. તેમણે કહ્યું છે કે સામાન્ય કાર્યો દરમિયાન તેમનું ધ્યાન ઘણીવાર ભટકી જાય છે, પરંતુ જ્યારે તેઓ અભિનય કરે છે અથવા પોતાની દીકરી સાથે સમય વિતાવે છે, ત્યારે તેઓ ખૂબ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આજે તેઓ સફળ અભિનેત્રી છે. આ વાત આપણને શીખવે છે કે ADHD કોઈ વ્યક્તિની ક્ષમતા નક્કી કરતું નથી. યોગ્ય સમજ, યોગ્ય માર્ગદર્શન અને યોગ્ય વાતાવરણ મળે તો આવી વ્યક્તિઓ પણ અસાધારણ સફળતા મેળવી શકે છે.
સરળ ભાષામાં સમજીએ તો, કોઈપણ કામ કરવા માટે આપણને કોઈ ને કોઈ પ્રેરણાની જરૂર પડે છે. એ પ્રક્રિયામાં આપણા શરીરમાં ડોપામિન (Dopamine) નામનું રસાયણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે પ્રેરણા, ધ્યાન અને નવી વસ્તુ શીખવાની ઇચ્છા સાથે જોડાયેલું હોય છે.
ADHD ધરાવતી વ્યક્તિઓમાં મગજમાં ડોપામિનની કાર્યપ્રણાલીમાં થોડો તફાવત જોવા મળે છે. તેના કારણે રસ ન હોય તેવા કામમાં લાંબા સમય સુધી ધ્યાન જાળવવું મુશ્કેલ પડી શકે છે, જેના કારણે તેઓ બહારની દુનિયામાં ખોવાયેલા લાગે છે.
પરંતુ જ્યારે તેમને પોતાની મનગમતી પ્રવૃત્તિ કે વિષય મળે છે, ત્યારે તેઓ ઘણીવાર તેમાં અસાધારણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. આ સ્થિતિને ‘હાઇપરફોકસ (Hyperfocus)’ કહેવામાં આવે છે. એટલે જ ઘણા લોકો સંગીત, આર્ટ, કોડિંગ, પેઇન્ટિંગ, રમતગમત અથવા અન્ય સર્જનાત્મક ક્ષેત્રોમાં પોતાની અનોખી પ્રતિભા દર્શાવતા જોવા મળે છે.

દરેક બાળકનું મન એકસરખું હોતું નથી. કેટલાક પુસ્તકોમાં દુનિયા શોધે છે, કેટલાક પ્રયોગોમાં અને કેટલાક બારીની બહાર ઉડતી ચકલીમાં.
આપણી જવાબદારી તેમની બારી બંધ કરવાની નથી, પરંતુ તે બારીમાંથી દેખાતી દુનિયાને સમજવાની છે. કારણ કે ઘણી વખત બારીની બહાર જોતી એ જ આંખો ભવિષ્યને સૌથી પહેલાં જોઈ લેતી હોય છે.
જરૂરી એ નથી કે દરેક બાળક દરેક બીબામાં અન્યની જેમ ફિટ બેસે. જરૂરી એ છે કે તે પોતાની રુચિ ઉપરાંત જીવનની અન્ય જરૂરી બાબતો પણ શીખી શકે. કારણ કે અંતે ADHD માત્ર ધ્યાનનો અભાવ નથી; ઘણી વખત તે યોગ્ય જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાની અસાધારણ ક્ષમતા પણ છે. પ્રશ્ન માત્ર એટલો જ છે કે આપણે એ તાળાને કેવી રીતે અનલૉક કરીએ.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)






