ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5ની ધરપકડ કરી

અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ વધુ 5 લોકોની ધરપકડ કરી છે. ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સાથે જોડાયેલા આ 5 લોકોની ગુજરાતના જ અલગ-અલગ જિલ્લાઓમાંથી ધરપકડ કરી છે. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યા હતા, જે બાદ આ પાંચની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચ લોકો અગાઉ ઝડપાયેલા 8 લોકો સાથે જ સંકળાયેલા હતા. આ તમામ વિસ્ફોટકોનું પરીક્ષણ પણ કરી રહ્યા હતા. હાલ તમામને ATS ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી રહી છે.3 જુલાઈએ ગુજરાત ATSની ટીમે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ઓપરેશન કરીને 8 આતંકીની ધરપકડ કરી હતી. આ શખસો આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સક્રિય હતા અને ગુજરાતમાં આતંકી સંગઠનને સક્રિય કરવા માટે કામગીરી કરી રહ્યા હતા. જે અંગેની બાતમી એ.ટી.એસ.ને મળતા અલગ-અલગ 5 ટીમો બનાવીને મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ATS ટીમોએ ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, નવસારી, પાટણ અને મધ્યપ્રદેશના દેવાસમાંથી 8 શખસની ધરપકડ કરી હતી. ત્યારબાદ ATSએ આતંકીઓની પૂછપરછ કરી હતી, જેમાં વધુ પાંચના નામ ખુલતા 16 જુલાઈએ ધરપકડ કરાઈ છે. તપાસમાં આતંકીઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશ માનતા હોવાનો એ.ટી.એસ.એ ઘટસ્ફોટ કર્યો છે.