આવનારા સમયમાં, કહ્યગરા કંથ અને આજ્ઞાકારી દીકરા- વહુ માટે, ભાગ્ય પર આધાર નહીં રાખવો પડે. કેમકે બાળાઓને એમના મનપસંદ વર માટે, ગૌરીવ્રતનો ઓપ્શન એલન મસ્કે આપી દીધો છે. અશક્ય અને રમૂજ લાગતી આ વાતનો ફાયદો તમારી આવનારી પેઢીને મળવા જઈ રહ્યો છે. તેઓ ભવિષ્યમા એવા રોબોટિક માનવોનું સર્જન કરી શકશે જેની ગતિવિધિ, તેમના કમ્પ્યુટર પ્રોગ્રામિંગથી સંચાલિત હોય.
જૉ એલનભાઈની વાત પર વિશ્વાસ કરીયે તો આ સદીની સૌથી મહત્વપૂર્ણ શોધ 12 વર્ષ બાદ, પરિક્ષણના આરે છે. એટલે કે જૉ તેનું મનુષ્યમાં સફળ પરિક્ષણ થયું તો માનવ જીવનમાં અજીબો ગરીબ વિચત્રતા સર્જાઈ શકે છે. વાત છે એક નાનકડી ચિપની જે મનુષ્યના મગજમાં ફિટ બેસવા જઈ રહી છે, જેનું હેન્ડલિંગ કોઈ કમ્પ્યુટર દ્વારા થશે. એટલે કે માનવીનું રોબોટીકરણ. પણ આ વાત લાંબા ગાળાના ભવિષ્યની છે. હાલ માત્ર તેમને મેડિકલ ક્ષેત્રે જ ઉપયોગમાં લેવાની છે.
સોશિયલ મીડિયા, અવકાશ અને શેર બજારમાં ખળભળાટ મચાવ્યા બાદ મસ્ક અને એની ટીમ મેડિકલ ક્ષેત્રમાં ન્યુરાલિંક દ્વારા પ્રવેશી રહ્યા છે. ન્યુરાલિંક એ ન્યુરોચિપ બનાવતી કંપની છે. જે થોડા સમયથી વધુ ચર્ચામાં રહી છે.
ન્યુરોચિપની સૌ પ્રથમ શોધ આજથી 12 વર્ષ પહેલા થઇ હતી. મૂળ પાકિસ્તાની એવા કેનેડિયન વૈજ્ઞાનિક નાવિદ સૈયદે સૌપ્રથમ આવી સિલિકોનની ચિપ પર મગજના કોષોને કલ્ટીવેટ કરવામાં સફળતા મળેલી. ત્યાર બાદ તેમને આવી ન્યુરોચિપની શોધ કરેલી. તેમને એવુ સાબિત કર્યું હતુ કે સિલિકોન ચિપ પર કનેક્ટ થતાં મગજના કોષોનું નેટવર્ક કેળવી શકાય છે, જે મગજના કોષોની પ્રવૃત્તિ પર નજર રાખે છે.
આવી ચિપ વાપરવી સરળ છે જેનાથી ભવિષ્યમાં મગજના કોષો ચોક્કસ પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરે છે તે સમજવામાં સરળતા રહે છે ઉપરાંત તેની કાર્યશીલતા કમ્પ્યુટર દ્વારા ટ્રેક કરી શકાય છે. જેથી પાર્કિંશન, અલ્ઝાઇમર જેવા ન્યુરોડીજનરેટીવ રોગોની સારવારમાં આ ચિપ આશીર્વાદ રૂપ સાબિત થશે. એટલુ જ નહિ, જૉ મનુષ્યમાં તેના પરિક્ષણો સફળ રહેશે તો અંધાપો અને અપંગતામાં પણ આ ચીપ અસરકારક સાબિત થશે.
આ ટેક્નિકની સફળતા એ છે કે મગજના સૂક્ષ્મ થી સૂક્ષ્મ ફેરફારોને ચિપ્ દ્વારા ટ્રેક કરી શકાશે એટલે ન્યુરો સાયકોલોજિકલ ડિસઓર્ડર્સમાં સૌથી વધુ ફાયદો થશે.
ન્યુરાલિંક
એલન મસ્કની કંપની ‘ન્યુરાલિંક’એ મનુષ્યમાં આવી ચીપ લગાવવા માટે તૈયાર છે એટલે કે એ દિવસો દૂર નથી જ્યાં જીવતા જાગતા માણસોનો કંટ્રોલ કોઈ કમ્પ્યુટરના નાના માઉસ દ્વારા થતો હોય. મસ્કે એવા અહેવાલ આપ્યા છે કે પ્રાણીઓ પર તેના પરિક્ષણો થઇ ચુક્યા છે. મસ્કે ચીંપાઝીને વિડીયો ગેમ રમાડતા કરી દીધા છે.
ભવિષ્યમાં કંપનીને એવી પણ આશા છે કે વ્યક્તિ સંભવિત પણે માઉસ, કી બોર્ડ અથવા કમ્પ્યુટરના કામો જેવા કે ટેક્સસ્ડ મૅસેજ, ઇમેઇલને તેના વિચારો સાથે નિયંત્રિત કરી શકશે. ઉપરાંત માણસના વિચારો તેમજ લાગણીને કમ્પ્યુટર પર એનાલિસિસ કરી શકાશે. કેમકે ચિપ દ્વારા ઇમેજિંનેશન પાવરને કમ્પ્યુટર દ્વારા કન્સ્ટ્રક કરી શકશે. એટલે કે કોઈ માણસના મગજની ગતિવિધિ કમ્પ્યુટર દ્વારા જાણી શકાશે. ભવિષ્યમાં, મગજથી પાવરફુલ અને શરીરે આળસુ લોકોના આઈડિયા પર મહેનતું લોકો કામ કરે તો કઈ નવાઈ નહિ.
આ સંભાવના દર્શાવે છે કે આવનારા વર્ષોમાં માનવીનું રોબોટીકરણ થવું શક્ય બનવા જઈ રહ્યું છે. જે વિવિધ ગુપ્તચર એજન્સીઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ, આર્મી માટે નોંધનીય ફેરફારો તરફ ભવ્ય પ્રયાણ હશે. એટલું જ નહિ આ ચિપને હેક કરી શકાતી નથી એટલે એમનું સંપૂર્ણ નિયંત્રણ કોઈ ત્રીજા વ્યક્તિના હાથમા જવું શક્ય નથી, જૉ ગુનાખોરી માટે આ ચિપનો ઉપયોગ ભવિષ્યમાં સંભવ બનશે તો માનવ વિનાશ માટે આ ચિપ ખતરનાક પુરવાર થશે.
અગાઉ પણ ક્લોનિંગ જેવી ઘણી શોધો અને તેના પરિક્ષણ માટે હજુ પણ પરવાનગી અપાઈ નથી. કેમકે તેનો દુરઉપયોગ માનવ જાત માટે ખતરા સમાન બની શકે તેમ છે. છતાં પણ બાયો ટેક્નોલોજી અને જિનેટિક એન્જિનિયરિંગ ઘણા ખરા રોગો માટે મહત્વ પૂર્ણ સાબિત થયેલ છે.
આવનારા થોડા મહિનામાં ન્યુરાલિંકને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા મંજુરી મળી શકે છે. અને ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ શકે છે. હાલ ન્યુરાલિંક સામે સૌથી મોટુ રિસ્ક, ન્યુરોચિપને મગજમાં ફિટ કરવાનું છે કારણકે ઇલેક્ટ્રોડસના ફીટીંગ દરમ્યાન મગજને થતું નુકસાન અને બ્લીડીંગ વૈજ્ઞાનિકો સામે સૌથી મોટો પડકાર બની રહેશે. જૉ આ ચિપનું પરિક્ષણ સફળ રહેશે તો સૌપ્રથમ શારીરિક અને માનસિક ખોડ ખાંપણ ધરાવતા લોકો માટે આ શોધ આશીર્વાદ રૂપ સાબિત થશે.
(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)
