અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે સોશિયલ મીડિયા કેટલું જરૂરી?

નેપાળમાં તાજેતરના વર્ષોમાં ‘જેન ઝી’ એટલે કે 1997 પછી જન્મેલી યુવા પેઢીએ એક નવો વિરોધ શરૂ કર્યો છે.
‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ના હક નામે આ આખી પેઢીએ નેપાળનું રાજકીય માળખું બદલવા માટે અવાજ ઊઠાવ્યો છે. તેમની લડાઈ માત્ર શિક્ષણ વ્યવસ્થાના સુધારા, રોજગારની તકો અને મૂળભૂત હકો માટે નહોતી, પરંતુ પોતાના વિચારો અને મત વ્યક્ત કરવાની સ્વતંત્રતા માટે પણ તેઓએ જોરદાર અવાજ ઉઠાવ્યો હતો.

સોશિયલ મીડિયાના બંધ થવાનું કારણ

નેપાળ સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બંધ કરી દીધા, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ વગેરે સામેલ હતા. સરકારનું કહેવુ હતું કે ડિજિટલ નીતિ હેઠળ પ્લેટફોર્મ્સે જરૂરી નોંધણી અને નિયમોનું પાલન કર્યું નહોતું. સાથે જ સરકારનું માનવું હતું કે સોશિયલ મીડિયા પર હેટ સ્પીચ ફેલાય છે, કેટલાક જૂથો દ્વારા સરકાર સામે સાયબર હુમલા થાય છે અને ટ્રોલિંગથી સામાજિક શાંતિ ભંગ થાય છે.

વિરોધનું મૂળ કારણ

આ પ્રતિબંધ સામે યુવાનોમાં ગુસ્સો ફાટી નીકળ્યો. હિંસક વિરોધ થયો અને ઘણા શહેરોમાં ગડબડ સર્જાઈ.
મહત્વની વાત એ છે કે સોશિયલ મીડિયા યુવાનો માટે માત્ર મનોરંજનનું સાધન નહોતું, તેનું મહત્વ ઘણું વિશાળ હતું.

  • ઓનલાઈન ક્લાસ, માર્ગદર્શન અને કારકિર્દીના વિકલ્પો માટે સોશિયલ મીડિયા જરૂરી હતું.
  • ઓનલાઈન નોકરીના ઇન્ટરવ્યૂ માટે માહિતી અને જોડાણ માટે તેનો ઉપયોગ થતો હતો.
  • યુવાનો પોતાનો મત, વિચારો અને સામાજિક મુદ્દાઓ અંગે ચર્ચા કરતા હતા.
  • ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમાજની વિવિધ ઘટનાઓ અને પ્રવૃત્તિઓ સાથે જોડાણ થતું હતું.

આ પ્રશ્ન પણ ઊભો થાય છે કે શું અભિવ્યક્તિ માત્ર સોશિયલ મીડિયાથી જ શક્ય છે? ઇતિહાસ સાક્ષી છે કે સોશિયલ મીડિયા પહેલાં પણ લોકોએ પોતાના હકો માટે અવાજ ઉઠાવ્યો છે — સ્વતંત્રતા માટે, શિક્ષણ માટે, ન્યાય માટે અને સામાજિક સુધારા માટે મોટા આંદોલનો થયા છે. ત્યારે રસ્તાઓ, સભાઓ, પત્રકારિતા અને સામૂહિક ચર્ચાઓ એ માધ્યમ હતા. એટલે કે, સોશિયલ મીડિયા અભિવ્યક્તિ માટેનું આધુનિક સાધન છે, પણ એકમાત્ર સાધન નથી.

હા, આજે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા ઝડપથી માહિતી વહેંચવાની અને સંદેશ પહોંચાડવાની શક્તિ આપે છે. ખાસ કરીને દૂરના ગામોમાંથી પણ અવાજ મુખ્ય મંચ સુધી પહોંચી શકે છે. તેથી તે ખૂબ જ જરૂરી બની ગયું છે.

સરકારે સોશિયલ મીડિયા બંધ કરવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે ટ્રોલિંગ, નફરતભર્યા ભાષણો અને સાયબર હુમલાઓથી સામાજિક શાંતિ અને શાસનની સ્થિરતા પર અસર પડી રહી હતી. પરંતુ સરકારનું આ પગલું યુવાનો માટે દમન જેવી લાગ્યું. તેમણે તેને પોતાના અવાજ દબાવવાની કોશિશ તરીકે જોયું. પરિણામે, યુવાનોમાં વિશ્વાસનો અભાવ વધ્યો અને આંદોલનો વધુ પ્રબળ બન્યા.

 

યોગ્ય માર્ગ શું હોઈ શકે?

સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગથી ઉદ્ભવતા ખતરાઓ સામે નિયમો જરૂરી છે, પરંતુ તે નિયમો એવી રીતે બનાવા જોઈએ કે લોકોના મૂળભૂત અધિકારો પર અસર ન થાય. સરકાર અને સમાજ વચ્ચે ચર્ચા જરૂરી છે. મીડિયા અવેરનેસ વધારવી જોઈએ, જ્યાં યુવાનો શીખે કે ડિજિટલ જગતમાં જવાબદારીપૂર્વક કેવી રીતે વર્તવું.

અભિવ્યક્તિ એ માત્ર બોલવાની સ્વતંત્રતા નહીં, પણ વિચારવાની, સાંભળવાની અને સમાજ સાથે જોડાવાની વ્યવસ્થા છે. સોશિયલ મીડિયા એ એ માટેનું શક્તિશાળી સાધન છે, પરંતુ તેનો ઉપયોગ જવાબદારીપૂર્વક થાય ત્યારે જ તે સાચા અર્થમાં સમાજ માટે લાભદાયી બની શકે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)