જાણીતા કળા પ્રેમી અને ગુજરાતમાં મલ્ટીપ્લેક્સના સ્થાપક એવા અશોક પુરોહિતનું આજે મંગળવારે લાંબી બીમારીના કારણે નિધન થઈ ગયું. તેઓ 78 વર્ષના હતા. સંતાનમાં તેમને બે પુત્રીઓ છે. તેમણે 2000ના વર્ષમાં અમદાવાદમાં સિટી પલ્સ મલ્ટીપ્લેક્સ શરૂ કર્યું હતું, જે બાદ ગુજરાતમાં મલ્ટીપ્લેક્સનો કોન્સેપ્ટ શરૂ થયો.
આર્કિટેકટની પદવી ધરાવનાર અશોક પુરોહિતે અમદાવાદમાં વર્ષ 2000ની શરૂઆતમાં સિટી પલ્સ મલ્ટીપ્લેક્સની સ્થાપના કરી હતી. પર્ફોર્મિંગ આર્ટસ તરફના તેમના શોખને કારણે તેમણે ગાંધીનગરમાં સિટી પલ્સની સ્થાપના કરી હતી, જે પરંપરાગત મલ્ટીપ્લેક્સથી વિશેષ બની રહ્યું હતું અને આ સ્થળ ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો સાથે દર્શકોના સંવાદનું કેન્દ્ર બન્યું હતું.
ગાંધીનગર સંકુલની નજીકમાં આવેલુ તેમનું ઘર પ્રસિધ્ધ નૃત્યકારો, ગાયકો અને પર્ફોર્મર્સથી ધમધમતું રહેતું હતું. આમાંના ઘણા બધા તેમના નિકટના મિત્રો હતા. તેમણે ગાંધીનગરમાં સિટી પલ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝનની સ્થાપના કરી હતી, જે અભિનયના ક્ષેત્રે સ્નાતકની ડીગ્રી અને ફિલ્મ દિગ્દર્શન, સ્ક્રીપ્ટ રાઈટીંગ, સિનેમેટોગ્રાફી વગેરેમાં માસ્ટર્સ ડીગ્રી ઓફર કરનાર પ્રથમ ઈન્સ્ટીટ્યુટ છે.