ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની શું હતી આખરી ખ્વાહીશ?

1947માં આપણા પ્રથમ આઝાદીદિવસના બે દિવસ પૂર્વે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનને નવી દિલ્હીથી નેહરુજી તરફથી ઓચિંતો ફોન આવ્યો હતો. નવા ભારતના જન્મોત્સવની ઉજવણી કરવા માટે આયોજિત ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપવા માટે ઉસ્તાદજી દિલ્હી આવે એવું નેહરુ ઈચ્છતા હતા. ઉસ્તાદજીએ એમના આમંત્રણનો સ્વીકાર કર્યો અને એમને સંદેશ મોકલનાર અધિકારીને જવાબમાં કહ્યું: ‘ટ્રેન દ્વારા દિલ્હી પહોંચતા મને બે દિવસ લાગશે. ત્રીજા દિવસે હું નેહરુજીને એમના કાર્યાલયમાં મળવા હાજર થઈ જઈશ.’ ત્યારે અધિકારીએ જવાબમાં કહ્યું, ‘ઉસ્તાદજી, નેહરુજીએ આપના તેમજ આપની સંગીતમંડળીનાં સભ્યો માટે એક વિશેષ વિમાનની વ્યવસ્થા કરી દીધી છે. એ વિમાન તમને બધાને તેડવા આવતીકાલે સવારે દિલ્હીથી આવશે. સવારે પાંચ વાગ્યા સુધીમાં આપ સહુ તૈયાર રહેશો.’ ઉસ્તાદજીએ તે આખી રાત આંખનું એક મટકું પણ માર્યું નહોતું અને એમના ટ્રુપનાં સભ્યોને પણ સૂવા દીધાં નહોતાં, કારણ કે દિલ્હીની તે મુલાકાતનો રોમાંચ જ કંઈક ગજબનો હતો.

બીજા દિવસે વહેલી સવારે તેઓ કાશીથી દિલ્હી જવા રવાના થયાં. નેહરુજીએ ઉસ્તાદજીને લાલ કિલ્લા ખાતે રિહર્સલ માટે હાજર થવા કહ્યું હતું. રિહર્સલ એ જ દિવસે સાંજે યોજાવાનું હતું.

આઝાદીદિવસની ઉજવણી માટેના વિધિવત્ રિહર્સલ વખતે નેહરુજીએ ઉસ્તાદજીને કહ્યું હતું કે તેઓ એમનું ‘મંગળ વાદ્ય’ – શરણાઈ વગાડીને સરઘસની આગેવાની લે. ઉસ્તાદજી તો સાંભળીને ચકિત થઈ ગયા! એમણે કહ્યું, ‘તમે આપણા દેશના વડા ઉપસ્થિત હો ત્યારે સરઘસની આગેવાની હું કઈ રીતે લઈ શકું? મારી તમને વિનંતી છે કે સરઘસની આગેવાની તમે જ લેજો. અમે તમારી સાથે રહીશું.’ ત્યારે નેહરુજીએ સ્મિત વેર્યું અને એમની વાત સાથે સહમત થયા હતા.

આઝાદી માટેના દીર્ઘ અને કઠિન સંઘર્ષનો હવે અંત આવી ગયો હતો. આપણે 1947ની 15મી ઓગસ્ટે પહેલી જ વાર આઝાદ ભારતનો ધ્વજ ફરકાવ્યો હતો અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાને લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘મંગલ વાદ્ય’ વગાડીને ઈતિહાસ રચ્યો હતો એ ઘડીને આજે 75 વર્ષ પૂરા થઈ ગયા છે, જ્યારે ખાનસાહેબે આપણા દેશની સમૃદ્ધિ માટે દુઆ માગી હતી. આ વર્ષને ‘આઝાદીના અમૃત મહોત્સવ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે.

ઓગસ્ટના આ જ મહિનામાં ‘ભારત રત્ન’ સમ્માનિત બિસ્મિલ્લા ખાન સાહેબની 15મી પુણ્યતિથિ છે. 2006ની ઓગસ્ટની 21મી તારીખે દંતકથાસમાન શરણાઈવાદક સ્વર્ગની યાત્રાએ વિદાયમાન થયા હતા. આ ઉપલક્ષમાં 21મી ઓગસ્ટે બનારસ હિન્દુ યૂનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના પંડિત લાલમણી મિશ્રા મ્યુઝિયમ ખાતે બપોરે 12 વાગ્યે ‘યાદ-એ-બિસ્મિલ્લા’ કાર્યક્રમમાં સદ્દગત શરણાઈવાદકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ પણ યોજાયો છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સાંસ્કૃતિક, પર્યટન તથા ધાર્મિક બાબતોના રાજ્યપ્રધાન ડો. નીલકંઠ તિવારીજી અને વિશેષ અતિથિ તરીકે બનારસ હિન્દુ યૂનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. વી.કે. શુક્લાજી ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું આ લિન્ક પર લાઈવ સ્ટ્રીમ કરાશે. (Facebook.com/SomaGhoshOfficial તથા Youtube.com/DrSomaGhosh)

‘યાદ-એ-બિસ્મિલ્લા’ કાર્યક્રમ એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી આપણે ખાનસાહેબના જીવન, એમના સંગીત તથા એમના અનુભવોને નિકટથી જાણી શકીએ. આ કાર્યક્રમમાં એક દસ્તાવેજી-ડ્રામા ફિલ્મ પણ દર્શાવવામાં આવશે, જેમાં ખાનસાહેબની જીવનઝરમર રજૂ કરાશે. આ દસ્તાવેજી ફિલ્મનું નિર્માણ ત્રણ વખત રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર દિગ્દર્શક શુભાંકર ઘોષે કર્યું છે. ફિલ્મના સ્ક્રીનિંગ વખતે તેઓ પણ ઉપસ્થિત રહેશે.

ખાનસાહેબે એમના સંગીતના માધ્યમ દ્વારા ‘ગંગા-જમુની તહજીબ’ના સિદ્ધાંતને કેવી સરસ રીતે પ્રસ્તુત કર્યો હતો તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. આ ફિલ્મમાં આપણને ખાનસાહેબની અમુક સૌથી યાદગાર સંગીતમહેફિલોની એક ઝલક જોવા મળશે. જેમાં એમણે સંસદભવનના બાલયોગી ઓડિટોરિયમમાં કરેલી જુગલબંદીનો પણ સમાવેશ કરાયો છે. મને એ જુગલબંદીમાં સામેલ થવાનું સૌભાગ્ય મળેલું. દેશ જ્યારે અસંખ્ય ત્રાસવાદી હુમલાઓનો સામનો કરી રહ્યો હતો ત્યારે ખાનસાહેબે શાંતિ માટે દુઆ માગી હતી. તેઓ મક્કમપણે માનતા હતા કે સંગીત આપણને સંગઠિત રાખે છે. સંગીત ન તો કોઈ જાતિને જાણે છે કે ન તો કોઈ ધર્મને કે ન સરહદોને.

ઉસ્તાદજીએ ‘ભારત રત્ન’ પુરસ્કાર મેળવ્યા બાદ અને 2002માં અમારા પ્રથમ જુગલબંદી કાર્યક્રમ બાદ મેં જ્યારે બાબા, એટલે કે ઉસ્તાદજીને પૂછ્યું હતું કે, ‘શું તમારી કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ છે ખરી?’ ત્યારે એમણે સ્મિત વેરીને જવાબ આપ્યો હતોઃ ‘મારી ચાર ઈચ્છા છે:

  1. મારે એ સ્થળે મારું ‘મંગળ વાદ્ય’ મારી શરણાઈ વગાડવી છે જ્યાંથી આપણો દેશ કામ કરે છે એટલે કે, સંસદભવન. એ મારા દેશ માટે શુભ બની રહેશે.
  2. મેં મારા મિત્ર, મારા યાર પંડિત ભીમસેન જોશી સાથે છેલ્લા 40 વર્ષોથી એક જ મંચ પરથી કાર્યક્રમ પ્રસ્તુત કર્યો નથી. બનારસમાં અમે સાથે હતા. કેટલીક જૂની વાતો મને આજે પણ યાદ છે. મારી ઈચ્છા છે કે અમે બંને સાથે મળીને કોઈક સંગીતકાર્યક્રમ કરીએ.
  3. મારી ઈચ્છા અમદાવાદમાં એક કાર્યક્રમ કરવાની છે. ઘણા લાંબા સમય પહેલાં ત્યાંના શ્રોતાઓએ મારી પર ખૂબ જ લાગણી વરસાવી હતી. ચાલોને, અમદાવાદમાં પણ એક કાર્યક્રમ કરીએ.
  4. છેલ્લે, મારી ઈચ્છા છે કે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે આપણે જુગલબંદી કાર્યક્રમ કરીએ.

હું એમની પહેલી બે ઈચ્છા તો ઝડપથી પૂરી કરી શકી હતી, પરંતુ બાકીની બે ઈચ્છા પૂરી કરી શકી નહીં. 2006ની 21 ઓગસ્ટે તેમણે આખરી શ્વાસ લીધો હતો. એમની ચિરવિદાય બાદ જ્યારે ભારતના સાંસ્કૃતિક મંત્રાલયે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાનની શતાબ્દી ઉજવણી કરવા વિશે મને પૂછ્યું હતું ત્યારે મેં ખાનસાહેબની સ્મૃતિમાં અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ‘યાદ-એ-બિસ્મિલ્લા’ કાર્યક્રમનું આયોજન કરવા કહ્યું હતું. એમની તે આખરી ઈચ્છા નજીકના ભવિષ્યમાં પરિપૂર્ણ કરવા હું મારાં શક્ય તમામ પ્રયાસો કરીશ.

(સોમા ઘોષ)

(લેખિકા જાણીતા શાસ્ત્રીય ગાયિકા અને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં સાહેબના શિષ્યા છે.)